ખંભાળિયા સહિત જિલ્લાના ફાર્માસિસ્ટો દ્વારા અન્યાય અંગે સરકારને ઢંઢોળવાનો પ્રયાસ

  • October 17, 2023 10:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એકને ગોળ... બીજાને ખોળ..." હેસ્ટેગ સાથે...


એકને ગોળ... બીજાને ખોળ...” હેશટેગ સાથે અંદાજિત 20,000 થી પણ વધુ ટ્વીટ કરી દેવભૂમિ દ્વારકા તથા રાજ્યના ફાર્માસિસ્ટે તેમની સાથે થતા અન્યાયની વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો.


છેલ્લા આશરે ત્રણ મહિનાથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ફાર્માસિસ્ટોની વર્ષો જૂની પડતર માંગણીઓ ન સંતોષાતા વેક્સિન કામગીરીના બહિષ્કાર પર ઉતર્યા છે. ગુજરાત સ્ટેટ પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા સરકારના આરોગ્ય વિભાગ સામે કામગીરીના બહિષ્કારનું આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જે બહિષ્કારમાં સમગ્ર ગુજરાતના અંદાજિત 1400 ફાર્માસિસ્ટ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 18 થી વધુ ફાર્માસિસ્ટોએ પણ એસોસિએશનના સમર્થનમાં વેક્સિનની કામગીરી બંધ કરતા જિલ્લાના આરોગ્ય વિભાગમાં વેક્સિનની ઓનલાઈન ઓફલાઈન કામગીરી ખોરંભે પડી છે.


ફાર્માસિસ્ટો પાસે વધારાની વેક્સિનની કામગીરી કરાવવા છતાં માસિક ભથ્થુ આપવામાં આવતું નથી અને રૂટીન કામ ચાલુ જ હોવા છતાં ગાંધીનગરથી નિયામક દ્વારા પગાર રોકવાનો અન્યાયી આદેશ કરવામાં આવ્યો હતો. જ્યારે હાલના તબક્કે બીજી કેડરને આ કામગીરી સોંપવાના આદેશો પણ કરવામાં આવ્યા છે અને એમને પણ આ કામગીરી ન કરી તો નિયામક દ્વારા તેના પર કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જેના દ્વારા એવું ફલિત થાય છે કે માત્ર ફાર્માસિસ્ટ સાથે જ સરકારનું ઓરમાયું વર્તન રાખવામાં આવે છે તેવો આક્ષેપ થયો છે.


વર્તમાન ડિજિટલ સમયમાં દવાઓના ટેકનિકલ એક્સપર્ટ ફાર્માસિસ્ટ પાસેથી ઘણી બધી વધારાની કામગીરી વર્ષોથી લેવાઈ રહી છે અને તેની સામે તેમને કોઈ વધારાનું મહેનતાણાનું ચુકવણું કરવામાં આવતું નથી. જે બાબતે ઘણા સમયથી ફાર્માસિસ્ટોમાં રોષ વ્યાપેલો હતો. વર્ષોથી ફાર્માસિસ્ટ કેડર સરકાર સાથે રહીને ખંભે ખંભો મિલાવીને દરેક કાર્યમાં દોડતી કેડર છે. પરંતુ જ્યારે વાત કંઈ તેમની વ્યાજબી માંગણીઓની આવે છે ત્યારે દર વખતે સરકાર દ્વારા તેમને નજર અંદાજ કરવામાં આવે છે. જે બાબતને દુઃખદ ગણાવવામાં આવી છે. આ રોષ અને તેમનું આ દુઃખ સમગ્ર ગુજરાતના ફાર્માસિસ્ટો દ્વારા ટ્વિટર ઉપર ઠાલવવામાં આવ્યું હતું. રાજ્યમાં અંદાજિત 20,000થી વધુ ટ્વીટ્સ કરી તેમણે તેમની વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. જે ટ્વિટરમાં સમગ્ર ગુજરાતમાં ટ્રેન્ડિંગમાં રહ્યું હતું.


સરકાર દ્વારા તેમની આ વર્ષો જૂની વ્યાજબી માંગણીઓને પૂર્ણ કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતના ફાર્માસિસ્ટોની લાગણી અને માંગણી છે તેવું તેમના ટ્વીટર અભિયાન ઉપરથી ફલીત થઈ રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application