કાળ બોલાવતો હોય તેમ મિત્રે ના કહી છતા આસિફ પ્રેમિકાને મળવા આવ્યો ને મોત મળ્યું

  • January 23, 2025 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં પાંચ દિવસમાં હત્યાના વધુ એક બનાવ ગઈકાલ બપોર બાદ શહેરના રેલનગર વિસ્તારમાં બનવા પામ્યો હતો. ઉપલેટાના ઈસરા ગામનો યુવાન અહીં દર્શનવિલામાં રહેતી પરિણીત પ્રેમિકાને મળવા આવ્યો હતો આ સમયે પ્રેમિકાના પિતા અહીં ધસી આવ્યા હતા અને તેણે યુવાન સાથે ઝઘડો કર્યા બાદ તેને સાથળ તથા પગનાભાગે છરીના ઘા ઝીંકી દેતા ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું મોત થયું હતું. બે સંતાનના પિતા એવા આ યુવાનને છેલ્લા ઘણા સમયથી બે સંતાનની માતા સાથે પ્રેમસંબધં હોય ગઈકાલે તે અહીં પ્રેમિકાને મળવા માટે જતો હતો ત્યારે મિત્રોએ ના કહી હતી છતાં મોત બોલાવતું હોય તેમ તે પ્રેમિકાના ઘરે તેને મળવા જતા હત્યાનો આ બનાવ બન્યો હતો. બનાવ અંગે યુવકના પિતાની ફરિયાદ પરથી પોલીસે પીજીવીસીએલના નિવૃત કર્મી આરોપી રાજેન્દ્ર રાઠોડ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
હત્યાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ઉપલેટા તાલુકાના ઈસરા ગામે રહેતો આસિફ ઈકબાલભાઈ સોરા(ઉ.વ ૩૦) નામનો યુવાન ગઈકાલે બપોરે રેલનગરમાં દર્શનવિલામાં રહેતી પ્રેમિકા કિરણ જીતેન્દ્રભાઈ ચૌહાણના ઘરે આવ્યો હતો બપોરના બંને અહીં હોલમાં બેઠા હતા તેવા સમયે કિરણના પિતા રાજેન્દ્ર રાઠોડ (ઉ.વ ૬૫) અહીં દસી આવ્યા હતા અને તેણે આસિફને તું અહીં શું કામ આવ્યો છે? તેમ કહી ઝઘડો કર્યેા હતો બાદમાં છરી કાઢી આસિફને સાથળ તથા પગના ભાગે છરીના ઘા ઝીંકી દેતા ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો યાં ટૂંકી સારવાર બાદ યુવાનનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો.
હત્યાના આ બનાવને લઇ ડીસીપી ઝોન–૨ જગદીશ બાંગરવા,પ્ર.નગર પોલીસ મથકના પીઆઈ પી.બી.ડોબરીયા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યાના ભોગ બનનાર આસિફ ત્રણ ભાઈ એક બહેનના પરિવારમાં નાનો હતો અને તે અગાઉ બેંકમાં પ્રાઇવેટ નોકરી કરતો હતો અને હાલ હેવેલ્સ કંપનીમાં નોકરી કરતો તેને સંતાનમાં બે બાળકો છે.
આસિફને અગાઉ ઉપલેટામાં જ સાસરીયે રહેતી કિરણ સાથે પ્રેમસંબધં બંધાયો હતો કિરણને પણ બે સંતાન છે બંનેના પ્રેમ સંબંધની જાણ કિરણના પતિ જીતેન્દ્રને થઈ જતા તે ઉપલેટા છોડી રાજકોટ અહીં સસરાના ઘરે ઘર જમાઈ તરીકે રહેતો હતો તેમ છતાં બંને વચ્ચેના સંબંધો યથાવત રહ્યા હતા.
આસિફ અને કિરણ વચ્ચેના સંબંધોને લઇ અગાઉ માથાકૂટ થઈ હોય મંગળવાર સાંજે આસિફે ઉપલેટા રહેતા તેના મિત્રો સાથે વાતચીત કરી હતી કે, બુધવારે પ્રેમિકા કિરણને ઘરે મળવા જઈશ. જેથી મિત્રોએ તેને રાજકોટ નહીં જવા માટે કહ્યું હતું પરંતુ તેમ છતાં આસિફ માન્યો ન હતો અને બુધવારે અહીં પ્રેમિકાને મળવા માટે તેના ઘરે આવતા તેને મોત મળ્યું હતું.
હત્યાની આ ઘટનાને લઇ પ્ર.નગર પોલીસે મૃતકના યુવાનના પિતા ઈકબાલભાઈ હાજીભાઈ સોરા (ઉ.વ ૫૮) ની ફરિયાદ પરથી આરોપી રાજેન્દ્ર પોપટભાઈ રાઠોડ (ઉ.વ ૬૫) વિદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આરોપી રાજેન્દ્ર રાઠોડ અગાઉ પીજીવીસીએલમાં નોકરી કરતા હોવાનું અને હાલ નિવૃત્ત થવાનું જાણવા મળ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application