લોકમેળામાં ગેરકાયદે દબાણની ફરિયાદ થતાં જ મ્યુનિ. કમિશનર દોડી ગયા

  • September 02, 2023 01:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રદર્શનના લોકમેળામાં મ્યુનિ. કમિશનર પહોંચતાં જ દબાણો થયાં દૂર......
જામનગરમાં પ્રદર્શન મેદાનમાં મહાપાલિકા દ્વારા યોજાયેલા મેળામાં અનેક ગેરકાયદે દબાણો થયાં હોવાની ફરિયાદો મળતાં મ્યુનિ. કમિશનર જાતે પ્રદર્શન મેદાનમાં દોડી ગયાં હતાં અને તાત્કાલિક દબાણો જપ્ત કરવા આદેશ આપ્યા બાદ મેળો ચોખ્ખો ચણાંક બન્યો હતો.

**
મેળામાં જઈને નિરીક્ષણ કરી એસ્ટેટ શાખાના અધિકારીઓનો ઉધડો લીધો: ૧પ પથારા, ૩૦ હાથ લારી અને ૮ રેંકડી જપ્ત કરવા આદેશ: દબાણ કરશો તો ખૈર નથી-મ્યુનિ. કમિનર મોદી

જામનગરમાં મહાપાલિકા આયોજિત પ્રદર્શન મેળામાં કોર્પોરેશને રુા.૩ કરોડની અધધ.. આવક થયાં બાદ આ મેળો અનેક વિવાદોમાં સપડાયા છે, કેટલાંક લોકોએ મેળાની વચ્ચોવચ્ચ ગેરકાયદે દબાણ કરતાં આ અંગેની ફરિયાદો મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીને મળતાં તેઓએ એસ્ટેટના અધિકારી-સિક્યોરિટી સ્ટાફને તત્કાળ દબાણ દૂર કરવા આદેશ આપ્યો હતો, પરંતુ જોઈએ તેવા દબાણ દૂર નહીં થતાં આખરે ઓચિંતા મ્યુનિ. કમિશનર બપોરના પ્રદર્શન મેદાનમાં પહોંચ્યા હતાં અને તમામ ગેરકાયદે દબાણ દૂર કરવા આદેશ આપતાં થોડીવારમાં જ બધાં દબાણો દૂર થઈ ગયાં હતાં. એટલું જ નહીં એસ્ટેટના અધિકારીઓનો પણ તેમણે ઉધડો લીધો હતો અને મેળામાં ગેરકાયદે દબાણ કોઈપણ ભોગે હું ચલાવીશ નહીં તેવું કહેતાં અધિકારીઓમાં ભાગદોડ મચી હતી. અંતે મેળામાંથી ૮ રેંકડીઓ, ૧પ પથારાઓ અને ૩૦ હાથ લારીઓ તાબડતોબ દૂર કરાઈ હતી.
જામનગર મહાપાલિકા દ્વારા આયોજિત લોક મેળામાં પફોર્મન્સ લાયસન્સનો વિવાદ શરુ થયો હતો અને એક અઠવાડિયું મેળો મોડો શરુ થયો હતો ત્યારબાદ કેટલાંક માથાભારે લોકોએ રેંકડી, પથારા અને રાઈડ્સ ખડકી દેતાં આ મેળો વધુ વિવાદાસ્પદ બન્યો હતો. આ અંગે થોકબંધ ફરિયાદો મળી હતી, પાલિકાની એસ્ટેટ શાખા, પીજીવીસીએલનો સ્ટાફ, ખાનગી સિક્યોરિટી અને પોલીસ સ્ટાફ હોવા છતાં આ દબાણો થતાં કમિશનરે આ અંગેનો વિડિયો ખાનગી રાહે મંગાવ્યો હતો ત્યારબાદ ઓચિંતી મુલાકાત લઈ વિડિયોના આધારે સ્થળ નિરીક્ષણ કરીને ગેરકાયદે દબાણો હટાવતાં મેળો ચોખ્ખો થયો અને સોપો પડી ગયો હતો.
દર વખતે લોક મેળામાં અનેક દબાણો થાય છે, તમામ ખાતાના લોકો આડકતરી રીતે સંડોવાયા હોવાનો આરોપ થાય છે, ગરીબ પથારાવાળાઓ પાસેથી ઉઘરાણા કરાય છે તેવી ફરિયાદો કમિશનરને મળી હતી ત્યારબાદ આ તમામ દબાણોથી મ્યુનિ. કમિશનર આકરે પાણીએ થઈ ગયાં હતાં. એસ્ટેટ અધિકારી મુકેશ વરણવા, નીતિન દિક્ષિત, સુનિલ ભાનુશાળી અને યુવરાજસિંહ સહિતના સ્ટાફને રીતસરના ખખડાવી નાખ્યા હતાં અને શા માટે આ પ્રકારના દબાણ થાય છે? અને મને ફરિયાદો મળે છે!
આગામી દિવસોમાં હવે આ પ્રકારનું ન થવું જોઈએ અને હું કોઈપણ ભોગે નહીં ચલાવી લઉં. કમિશનરની મુલાકાત બાદ મેળો ચોખ્ખો થયો હતો, અધિકારીઓ ધારે તો શું ન થઈ શકે? તેવું કાલ જોવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ હવે મ્યુનિ. કમિશનર ખૂદ મેળાના ગેરકાયદે દબાણો સામે મેદાનમાં ઊતર્યા છે ત્યારે આગામી દિવસોમાં તહેવારોમાં મેળો ચોખ્ખો ચણાંક રહે અને ગરીબ લોકોને પણ કોઈપણ પ્રકારની હેરાનગતિ ન થાય તે પણ જોશે ત્યારે અધિકારીઓના મનમાં પણ ફડક બેસી ગઈ છે.
આમ ગેરકાયદે દબાણોના પગલે મહાપાલિકા આયોજિત લોક મેળો પુન: વિવાદમાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application