ઓનલાઇન છેતરપિંડી કરીને બે ડઝન જેટલા આસામીઓને સીસામાં ઉતાર્યા

  • October 03, 2023 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માત્ર ત્રણ ચોપડી ભણેલો સલાયાનો શખ્સ અઠંગ ચીટર: દ્વારકા જિલ્લા સાયબર સેલ પોલીસે આરોપીને દબોચી લીધો



ખંભાળિયા તાલુકાના સલાયા ગામના એક મુસ્લિમ શખ્સ દ્વારા સુનિયોજિત રીતે છેતરપિંડીના પ્લાનમાં બે ડઝન જેટલા વેપારીઓ, આસામીઓને વિશ્વાસમાં લઈને ચીટીંગ કરતા આ અંગેનો ભેદ ઉકેલવામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાયબર સેલ પોલીસને સફળતા મળી છે. જેમાં આરોપી દ્વારા ચોક્કસ પ્રકારની મોડેસ ઓપરેન્ડી કેળવીને મોટી રકમની છેતરપિંડી કરવામાં આવી હોવાનું ખુલવા પામ્યું છે. આ આરોપી સામે અગાઉ દુષ્કર્મની પણ ફરિયાદ નોંધાઈ હતી.


આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી સિલસિલા બંધ વિગત મુજબ ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા સુખદેવસિંહ જાડેજા નામના એક આસામીને તેમના મોબાઇલમાં વોટ્સએપ કોલ મારફતે આવેલા ફોનમાં સામે છેડે બોલતો શખ્સ ફરિયાદી સુખદેવસિંહના મિત્ર સિદીકભાઈનો મિત્રો હોવાનું કહી અને સિદ્દીકભાઈને મુંબઈથી પુણે ફ્લાઈટમાં જવાનું છે. જેથી સિદિકભાઈને ટિકિટના પૈસાની જરૂર છે તેમ જણાવ્યું હતું. જેથી ફરિયાદી સુખદેવસિંહએ સિદ્દીકભાઈ સાથે વાત કરવાનું કહેતા સામે છેડે બોલતા શખ્સે સિદ્દીકભાઈને આવવામાં વાર લાગશે તેમ કહી અને વોટ્સએપ પરથી સામે છેડેથી બોલતા આરોપીએ ગુગલ પે મારફતે સ્કેનર મોકલી અને રૂપિયા 50,000 ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું.


આથી ફરિયાદી યુવાન સિદ્દીકભાઈને ઓળખતા હોય, તેથી સલાયામાં તેમના જાણીતા એવા એક આસામીને ત્યાં જઈ અને વોટ્સએપમાં આવેલા ક્યુ.આર. કોડ મારફતે રૂપિયા 43,500 ઉપરાંત ફરિયાદીએ પોતાના એકાઉન્ટમાંથી રૂપિયા 5,000 ગૂગલ પે મારફતે મોકલી આપ્યા હતા. જે રકમ સાંજ સુધીમાં પરત થઈ જશે તેમ આરોપી શખ્સે જણાવ્યું હતું. આ પછી સુખદેવસિંહ જાડેજાએ ફોન કરતા સામે છેડેથી કોઈ રીપ્લાય આવતો ન હતો અને તેમણે ફોન કોલ કરતા સિદ્દીકભાઈ આ બાબતે અજાણ હોવાનું કહ્યું હતું. આમ, ઓનલાઇન ટ્રાન્સફર કરી અને પોતે રૂપિયા 48,500 ની ઠગાઈનો ભોગ બન્યા અંગેની ધોરણસર ફરિયાદ તેમના દ્વારા સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. જે અંગે પોલીસે છેતરપિંડી તથા આઈ.ટી. એક્ટ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આ અંગેની તપાસ સાયબર ક્રાઇમ સેલ પોલીસને સોંપવામાં આવી હતી.


દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા ઓનલાઇન છેતરપિંડી સામે લોકોની જાગૃતિ પ્રત્યે ભાર આપી, અને આ પ્રકારના બનાવો સામે કડક હાથે કામગીરી કરવા માટે સાયબર ક્રાઇમ સેલ વિભાગના પી.આઈ. એ.વાય. બ્લોચને વર્કઆઉટ કરી, આપવામાં આવેલી સૂચના અંતર્ગત સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા આ પ્રકરણમાં વિવિધ પ્રકારની માહિતીઓ એકત્ર કરી અને આરોપીનું પગેરું શોધી કાઢવામાં આવ્યું હતું.


સાયબર ક્રાઇમ સેલની તપાસમાં પોલીસે ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા શબીરહુસેન હારુન ભગાડ નામના શખ્સની અટકાયત કરી હતી. આ પ્રકરણમાં પોલીસે આરોપી શબીરહુસેન ભગાડની પૂછપરછમાં તેની સામે વર્ષ 2017માં સલાયા પોલીસ મથકમાં દુષ્કર્મ અંગેના નોંધાયેલા ગુનામાં તેની અટકાયત થઈ હતી અને હાલ તે જામીન મુક્ત થયો હતો.


માત્ર ત્રણ ચોપડી ભણેલા આરોપી શબીરહુસેન ભગાડ દ્વારા છેલ્લા એક વર્ષથી અન્ય વ્યક્તિ પાસે ફોન કોલ કરવા નામે મોબાઈલ માંગી અને તેમાંથી મોબાઇલધારકના અન્ય મિત્રો તેમજ સગા સંબંધીઓના કોન્ટેક્ટ મેળવી લેતો હતો. તેઓને ફોન કરી અને સાથેનો આસામી આર્થિક મુશ્કેલીમાં હોય, જેથી ગૂગલ પે પર અથવા પોતે જે વિસ્તારમાં હોય તે વિસ્તારના મની ટ્રાન્સફર વાળાના ક્યુ.આર. કોડ મેળવી અને તેમાંથી પૈસા ટ્રાન્સફર કરાવી લેતો હતો.


આના માટે તેણે અમદાવાદની દિલ્હી દરવાજા એક્સિસ બેન્કમાં પોતાનું એકાઉન્ટ ખોલાવ્યું હતું. જો કે આ એકાઉન્ટમાં બેલેન્સ સાવ તળિયા ઝાટક રાખતો હતો. આ ઉપરાંત આરોપીની મોડેસ ઓપરેન્ડીમાં તેના દ્વારા ગૂગલ સર્ચમાંથી આ વિસ્તારના દુકાન તથા હોટલધારકના સંપર્ક નંબર મેળવી અને જે-તે દુકાન કે હોટલના સંચાલકને મોબાઈલ ફોનથી ખરીદી તેમજ ઓર્ડર આપવાની વાત કરી અને ભાવ નક્કી કરી લેતો હતો. આના પેમેન્ટની જે રકમ નક્કી થતી તે ભોગ બનનારના બેન્ક એકાઉન્ટમાં ચેક મારફતે જમા કરાવી હોવાની સ્લીપ તે હોટેલ કે દુકાનદારને વોટ્સએપના માધ્યમથી મોકલી દેતો હતો અને આ રીતે આરોપી શખ્સ સામેની વ્યક્તિને વિશ્વાસમાં લઈ લેતો હતો.


આ પછી તેના દ્વારા અન્ય બીજા લોકોને પૈસા આપવાના છે તેમ કહી અને નજીકના વિસ્તારના મની ટ્રાન્સફર વાળાના ક્યુ.આર. કોડમાં ટ્રાન્સફરથી પૈસા મેળવી અને છેતરપિંડી આચરતો હતો. આરોપી શખ્સ દ્વારા છેલ્લા કેટલાક સમયગાળામાં ખંભાળિયા, જામનગર, મીઠાપુર, કલ્યાણપુર, સહિતના વિસ્તારમાં આવેલા આશરે બે ડઝનથી વધુ દુકાનદારો હોટેલ સંચાલકો વિગેરેને આ પ્રમાણે ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનાવ્યા હોવાનું પોલીસમાં ખુલવા પામ્યું છે.


આટલું જ નહીં, આરોપી દ્વારા ખંભાળિયામાં આવેલા એક ઈ-બાઈકની દુકાનવાળાને ઈ-બાઇક લેવી છે તેમ જણાવી અને ચેકથી પૈસા સ્વીકારવાની ના પાડતા તેમજ આ પ્રકારે જામનગરના એક લેપટોપ વિક્રેતાને પણ પોલીસના નામે ધાકધમકી આપી હોવાનું પણ પોલીસ દ્વારા જાહેર થયું છે.


આ શખ્સ સામે જામનગર, ખંભાળિયા, મીઠાપુર, કલ્યાણપુર, સલાયા વગેરે પોલીસ મથકમાં છેતરપિંડી, આઈ.ટી. એક્ટ વિગેરે મુજબ ધોરણસર ફરિયાદ નોંધાઈ ચૂકી છે. આ શખ્સની સાયબર પોલીસે અટકાયત કરી અને વધુ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. જેમાં વધુ કેટલીક બાબતો પર પ્રકાશ પડવાની સંભાવનાઓ જોવા મળી રહી છે.


આ સમગ્ર કાર્યવાહી સાયબર સેલ વિભાગના પી.આઈ. એ.વાય. બ્લોચ, હેડ કોન્સ્ટેબલ ધરણાંતભાઈ બંધીયા, મુકેશભાઈ કેસરિયા, હેભાભાઈ ચાવડા, હેમંતભાઈ કરમુર તથા પબુભાઈ ગઢવી દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application