જામનગર જિલ્લા પંચાયતની આશરે ૨ હજાર ફાઇલ ગુમ !!: પોલીસ ફરિયાદ કરવામાં ઢીલાશ કેમ ?

  • May 29, 2023 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજે પણ ખાનગી રાહે તપાસ શરુ કરી: ઇલેકટ્રીક વિભાગના મહત્વના દસ્તાવેજો ગાયબ હોવાનું ખુલ્યું

જામનગર જિલ્લા પંચાયત હંમેશા કોઇના કોઇ વિવાદમાં આવે છે ત્યારે બે-ત્રણ દિવસ પહેલા રાત્રે જિલ્લા પંચાયતમાંથી આશરે ૨ હજાર જેટલી ફાઇલો કોઇ ઉઠાવી ગયાની વાતો બહાર આવી છે, જો કે આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવે તેવી પણ શકયતા છે. આ મહત્વની ફાઇલો ગુમ કરવા પાછળ શું રહસ્ય છે તે અંગે પણ ચર્ચાઓ શરુ થઇ છે, આ રેકર્ડ મોટાભાગનું ઇલેકટ્રીકનું હોવાનું ખુલ્યું છે, ફરિયાદ થયા બાદ આ પ્રકરણમાં કોણ-કોણ સંડોવાયેલા છે તેની વિગતો બહાર આવે તેવી શકયતા છે.
જામનગર જિલ્લા પંચાયતના આ પ્રકરણની વિગત એવી છે કે, ઇલેકટ્રીક વિભાગની કેટલીક ફાઇલો મળતી ન હોવાથી તે અંગે શોધખોળ શરુ કરી હતી પરંતુ આ ફાઇલ ન મળતાં ડીડીઓ વિકલ્પ ભારદ્વાજને જાણ કરવામાં આવી હતી, જો કે આ બનાવની ગંભીરતાને ઘ્યાનમાં લઇને ડીડીઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે સુચના આપી દીધી છે ત્યારે શંકાના દાયરામાં કોણ છે ? કેટલાક લોકોના નામો ખાનગી રીતે બહાર આવ્યા છે ત્યારે નામ સાથે ફરિયાદ કરવામાં આવે છે કે કેમ ? તે અંગે જોવાનું રહ્યું.
ઇલેકટ્રીક વિભાગના મહત્વના દસ્તાવેજો ગાયબ થયા છે, જેમાં મેજરમેન્ટ બુક, તાંત્રીક મંજુરીના ઓર્ડર, હાજરી રજીસ્ટર, વર્ક ઓર્ડર અને ટેન્ડરને લગતી કેટલીક મહત્વની ફાઇલો પણ કોઇ ઉઠાવી ગયું હોવાનું બહાર આવ્યું છે. આ ફાઇલો કેવી રીતે ચોરાઇ ? સિકયુરીટીની શું જવાબદારી ? તેવા પ્રશ્ર્નો પણ બહાર આવ્યા છે. જો કે બિલ્ડીંગમાં કેમેરા પણ છે ત્યારે આ કેમેરાના ફુટેજો મેળવીને ફાઇલ લઇ જનારના સગડ મળે તેવી શકયતા હોવાનું લોકોનું કહેવું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application