ગામડાંઓને વધુ બે કલાક વીજળી આપવાની ગમે તે ઘડીએ જાહેરાત

  • September 23, 2024 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારે વરસાદના કારણે પાકને થયેલી નુકસાનીના વળતરના મામલે સરકાર તરફથી કોઈ નક્કર કાર્યવાહી ન થતા ગ્રામ્ય વિસ્તારમાં ભારે રોષ અને અસંતોષની લાગણી ફેલાવવા પામી છે. આ ઉપરાંત રસ્તાઓની હાલતમાં પણ સુધારો ન થવાથી ગામડામાં ભારે રોષ જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તારની પ્રજાના રોષનો ત્રીજો મુદ્દો વીજળીને લગતો છે અને તે બાબતે અત્યંત ટુક સમયમાં સરકાર દ્વારા મલમપટ્ટાના સ્વરૂપમાં જાહેરાત થાય તેવી શક્યતા હોવાનું ગાંધીનગરના ટોચના આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.

સરકાર દ્વારા અત્યારે ગ્રામ્ય વિસ્તારમાં સેવા સેતુના કાર્યક્રમમાં યોજવામાં આવે છે તેમાં જે અધિકારીઓ અને ધારાસભ્યો, સંસદ સભ્યો, મિનિસ્ટરો જાય છે. તે તમામને ખેડૂતો તરફથી પૂરતા પ્રમાણમાં વીજળી આપવા માટેની માગણી લગભગ બધી જ જગ્યાએથી મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારના ખેતીના કનેક્શનમાં અત્યારે આઠ કલાક વીજળી આપવામાં આવે છે અને તેમાં પણ મોટાભાગે રાત્રિના સમયે વીજળી આપવામાં આવતી હોવાથી ખેડૂતોને પારાવાર હાડમારીનો સામનો કરવો પડે છે. ખેડૂતોની માગણી આઠના બદલે દસ કલાક વીજળી આપવા અને દિવસ દરમિયાન વીજળી આપવાની છે.આ માગણી સંતોષી શકાય તેમ છે કે નહીં? અને જો 8 ના બદલે દસ કલાક અને તે પણ દિવસના આપવામાં આવે તો શહેરી વિસ્તારની વીજ ડિમાન્ડ તથા ઉદ્યોગોની વીજળીમાં શું કરવું પડે? તેની કવાયત સરકાર કક્ષાએ ચાલી રહી છે.

સ્થાનિક ભાજપ્ના ધારાસભ્યો, સંસદ સભ્યો અને પંચાયતોના ચૂંટાયેલા પદાધિકારીઓ દ્વારા આ મામલે સરકારમાં લેખિતમાં કરવામાં આવેલી રજૂઆત પર ધ્યાન દીધા વગર હવે ચાલે તેમ નથી. હવે આ સમગ્ર પ્રકરણ વીજ મંત્રી કનુભાઈ દેસાઈના ટેબલ પર પહોંચી ગયું છે અને ટૂંક સમયમાં આ સંદર્ભે મહત્વની જાહેરાત થવાની શક્યતા છે. શહેરી વિસ્તાર અને ઉદ્યોગોની પરિસ્થિતિનો વિચાર કરવાની સાથે સરકારે આગામી દિવસોમાં ગ્રામ્ય વિસ્તારમાં આવી રહેલી પંચાયતોની ચૂંટણીને પણ નજરમાં રાખવાની હોવાથી આ સંદર્ભેના નિર્ણયની સરકાર તાત્કાલિક જાહેરાત કરશે તેમ જાણવા મળે છે.

ખેડૂતોનું કહેવું એવું છે કે છેલ્લા કેટલાક દિવસથી વરસાદ બંધ થઈ ગયો છે અને ભાદરવાના આકરા તડકા પડવાનું શરૂ થયું છે. આ પરિસ્થિતિમાં સિંચાઈની સુવિધા ધરાવતા ખેડૂતોને દિવસના ભાગે પીયત માટે વીજળી મળી રહે તેવી વ્યવસ્થા કરવાનું જરૂરી છે.ખેડૂતો દ્વારા માત્ર સરકાર કક્ષાએ જ રજૂઆત કરવામાં આવી છે તેવું નથી. દરેક જિલ્લા કલેકટરો દ્વારા દર મહિને ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક મળતી હોય છે અને તેમાં પંચાયતના પદાધિકારીઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો વગેરે હોદાની રૂએ સભ્ય હોય છે. સંકલન સમિતિની દરેક બેઠકમાં આવા સભ્યો આઠ કલાકના બદલે દસ કલાક વીજળી આપવા અને રાત્રિના બદલે દિવસના સમયે વીજળી આપવાની માગણી સતત ઉઠાવતા હોય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application