૫ વર્ષ સુધીની વયના અંદાજીત ૫૧ હજાર બાળકો અને ૭,૨૭૮ સગર્ભાઓનુ રસીકરણ કરાશે: મિશન ઇન્દ્રધનુષ 5.0 શરુ કરાયું

  • August 07, 2023 05:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરના અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી મિશન ઇન્દ્રધનુષના પાંચમા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો છે.

મિશન ઇન્દ્રધનુષ 5.0 નો શુભારંભ કરાવતા મંત્રીએ રાજ્યની સગર્ભાઓ તેમજ ૦-૫ વર્ષના બાળકોના વાલીઓને આ રસીકરણ અભિયાનનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. રોગપ્રતિરોધક રસી ગંભીર રોગો સામે સુરક્ષા આપતી હોવાથી રસીકરણ અચૂકપણે કરાવવા મંત્રએ અપીલ કરી હતી.



આ રસીકરણ અભિયાન હેઠળ ૦ થી ૫ વર્ષ સુધીની વયના અંદાજીત ૫૦,૯૦૦ બાળકો અને ૭,૨૭૮ સગર્ભાઓનુ રસીકરણ કરાશે. મિશન ઇન્દ્રધનુષ 5.0 હેઠળ ૭ થી ૧૨ ઓગષ્ટ, ૧૧ થી ૧૬ સપ્ટેમ્બર અને ૯ થી ૧૪ ઓક્ટોબર દરમિયાન સઘન રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે.

આ સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં સગર્ભાઓને ધનુર અને ડિપ્થેરિયા જ્યારે બાળકોને થતાં ઓરી, રુબેલા,ઝેરી કમળો, બાળ ટી.બી, પોલીયો, ડીપ્થેરીયા, ઊટાટિયુ, ધનુર, હીબબેક્ટેરિયાથી થતાં (ન્યૂમોનિયા અને મગજના તાવ) જેવા રોગ, ન્યૂમોકોકલથી થતાં ન્યુમોનિયા,રોટા વાયરસથી થતા ઝાડા, ઓરી અને  રુબેલા જેવા ૧૧ રોગો સામે રોગપ્રતિરોધક  રસી આપવામાં આવે છે.


અગાઉ મિશન ઇન્દ્રધનુષના ચાર તબક્કામાં ૯.૧૬ લાખ નિયત વયજૂથના બાળકો અને ૨.૧૪ સગર્ભાઓનુ સફળ રસીકરણ કરાયું છે.

આ કાર્યક્રમમાં ગાંધીનગર મેયર હિતેશભાઈ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલ સિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જસવંતભાઇ પટેલ, ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર જે.એન.વાધેલા ,  આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application