ખંભાળિયામાં યુવાન પર બાઈક ચડાવવાનો પ્રયાસ

  • January 16, 2025 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મારી નાખવાની ધમકી સબબ ત્રણ સામે ગુનો


ખંભાળિયા નજીકના હર્ષદપુર વિસ્તારમાં રહેતા અને ગેરેજ કામ કરતા મયંકભાઈ ડાયાભાઈ નકુમ નામના 26 વર્ષના યુવાન મંગળવારે મકરસંક્રાંતિના દિવસે પોતાના મોટરસાયકલ પર બેસીને ખંભાળિયામાં રહેતા તેના ફઈબા ના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે અહીંના જોધપુર ગેઈટ વિસ્તારમાં પહોંચતા અહીં ત્રિપલ સવારીમાં આવેલા કિશન ઉર્ફે પાંચો કાનજીભાઈ બગડા (રહે. ખોડીયાર ચોક), સચિન કરમણભાઈ ચોપડા અને અન્ય એક અજાણ્યા શખ્સ સાથેના ત્રીપલ સવારી મોટરસાયકલ પરના આ શખ્સોએ ફરિયાદી મયંકભાઈ ઉપર મોટરસાયકલ ચડાવવાની કોશિશ કરી હતી.


જેથી મયંકભાઈએ મોટરસાયકલ ઉભી રાખીને સમજાવવા જતા આરોપીઓએ તેમને બીભત્સ ગાળો કાઢી, લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આમ, ત્રણેય આરોપીઓ એકસંપ કરી, તેમને ગાળો ભાંડી, ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે એક અજાણ્યા સહિત ત્રણે આરોપીઓ સામે જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી, બે આરોપીઓને ઝડપી લીધા છે. આગળની તપાસ કોન્સ્ટેબલ એલ.વી. જાદવ ચલાવી રહ્યા છે.


દ્વારકામાં રૂમ ભરવા બાબતે બોલાચાલી: યુવાનને મારી નાખવાની ધમકી

દ્વારકાના નાગેશ્વર રોડ ઉપર આવેલા અંબુજાનગર વિસ્તારમાં રહેતા અને હોટેલના વ્યવસાય સાથે સંકળાયેલા મુકેશભાઈ મસરીભાઈ કરંગીયા નામના 30 વર્ષના આહિર યુવાનને દ્વારકાના રહીશ રાણાભા માણેક, ભરતભા માણેક અને વિજયભા માણેક નામના ત્રણ શખ્સોએ ફોન કરીને બોલાવી, 'તેં રૂમ ભરવા બાબતે અમોને કેમ ગાળો આપેલ છે?'- તેમ કહી, લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો.

આટલું જ નહીં, આરોપીએ બીભત્સ ગાળો કાઢી, ફ્રેક્ચર સહિતની ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધોરણસર ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે ત્રણેય શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. ચુડાસમાએ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application