ખંભાળિયાના પાદરમાં ૨૫.૬૫ કરોડના ખર્ચે બનશે નવો ફ્લાયર ઓવર બ્રિજ

  • December 15, 2023 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કૅબિનેટ મંત્રી મુળૂભાઈ બેરાની મહેનત રંગ લાવી: સિદ્ધાંતિક મંજૂરી મળી

ખંભાળિયા શહેરમાં પોરબંદર તરફથી આવતા માર્ગ પરનો આશરે ૧૨૦ વર્ષ જૂનો કેનેડી બ્રિજ કે જે થોડા સમય પૂર્વે તંત્ર દ્વારા અત્યંત જોખમી ગણાવી અને વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. તે પુલને નવેસરથી બનાવવા માટે અહીંના ધારાસભ્યના પ્રયાસોથી રૂપિયા ૨૫.૬૫ કરોડની મંજૂરી સાંપળી છે.
ખંભાળિયામાં પોરબંદર તથા ભાણવડ તરફથી આવવા તથા જવા માટે આશરે ૧૨૦ વર્ષ પૂર્વે પુલ બનાવવામાં આવ્યો હતો. અંગ્રેજોના સમયના આ કેનેડી બ્રિજની મજબૂતાઈ આશરે ૧૨૦ વર્ષ બરકરાર બાદ છેલ્લા કેટલાક સમયથી આ પુલ તદન ખખડી ગયેલી હાલતમાં ઊભો હતો. જે અંગે સુરતની એક સંસ્થા દ્વારા કરવામાં આવેલા સર્વે બાદ આ પુલને વાહનોની અવરજવર માટે જોખમી ગણાવીને જો લાંબો સમય ઉપયોગ કરવામાં આવશે તો ગમે ત્યારે જીવલેણ દુર્ઘટના સર્જાવવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
આના અનુસંધાને જિલ્લા કલેકટરે એક જાહેરનામું બહાર પાડી અને આ પુલ વાહનચાલકો તેમજ રાહદારીઓની અવરજવર માટે સંપૂર્ણપણે પ્રતિબંધિત કરી અને પુલની બંને બાજુથી પ્રવેશ બંધી કરી દેવામાં આવી હતી. અહીંના પ્રાચીન એવા ખામનાથ મહાદેવ મંદિર નજીક આવેલો આ પુલ આસપાસના રહીશો ઉપરાંત મંદિરે આવતા જતા શિવભક્તો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહ્યો છે.
આ પુલને નવેસરથી અને વધુ પહોળાઈવાળો બનાવવામાં આવે તે માટે લોકોમાં ઉઠેલી માંગને ધ્યાને લઈ અને અહીંના ધારાસભ્ય તથા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ સરકારના સંબંધિત વિભાગમાં જાણ કરતા આ કેનેડી બ્રિજના સ્થાને રૂપિયા ૨૫.૬૫ કરોડના ખર્ચે નવેસરથી ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટેની મંજૂરી મળી છે.
આ અંગેની ટેન્ડર પ્રક્રિયા તેમજ ખાત મુહૂર્તની વિધિ નજીકના ભવિષ્યમાં થનાર હોવાનું પણ જાણવા મળેલ છે. આ ફ્લાયર ઓવર બ્રિજના નિર્માણથી પોરબંદર, ભાણવડ તરફના વાહન ચાલકો ઉપરાંત આસપાસના રહીશો તેમજ ખામનાથ મંદિરના શિવ ભક્તોને ભારે અનુકૂળતા તેમજ રાહત બની રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application