કલેકટર કચેરીએ લાગ્યા "મોંઘવારી નાબૂદ કરો"ના નારા : કોંગ્રેસના આગેવાનોએ ગળામાં પહેર્યા શાકભાજીના હાર

  • July 05, 2023 03:01 PM 

કુદકે ને ભૂસકે વધતી જતી મોંઘવારીને કાબુમાં લેવા માટે મૌન ધારણ કરીને બેસી રહેવાના બદલે રાજ્ય અને કેન્દ્ર સરકારે કડક પગલાં લેવા જોઈએ તેવી માંગણી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ કરી કલેક્ટર કચેરીમાં દેખાવો કર્યા હતા. મહિલાઓએ શાકભાજીના હાર પહેરીને નવતર ઢબે વિરોધ કર્યો હતો.



અધિક કલેક્ટર એસ. જે. ખાચર સમક્ષની રજૂઆતમાં કોંગ્રેસે જણાવ્યું હતું કે મોંઘવારીના કારણે લાખો પરિવારો આર્થિક હાડમારીનો સામનો કરી રહ્યા છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને જીવવાનું મુશ્કેલ બની ગયું છે. ટમેટાના ભાવ ડબલ થઈ ગયા છે. કોથમરી આદુના ભાવમાં પણ વધારો થયો છે. ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી અને કાળા બજારિયાઓ તથા સંગ્રહખોરો માલામાલ થઈ રહ્યા છે.



'બહોત હુઈ મહેગાઈ કી માર', અને 'અચ્છે દિન'ના નારા સાથે ભાજપની સરકાર બની છે. પરંતુ મોંઘવારી કાબુમાં લેવામાં તે નિષ્ફળ નીવડી છે. શાકભાજી અને ગેસના ભાવમાં બેફામ વધારો થયો છે. ટમેટા રૂપિયા 105 આદુ રુ.300 અને કોથમરી રુ.200 ના એક કિલોના ભાવે મળે છે. આ ઉપરાંત રીંગણાં કારેલા સહિતના શાકભાજીના ભાવમાં પણ કિલો દીઠ 30 થી 50 રૂપિયાનો વધારો થયો છે. સરકાર કાળા બજારીયા અને સંગ્રહખોરોને જાણે રક્ષણ આપતી હોય એમ ઘઉંનો લોટ, મીઠું, મસાલા સહિતની રોજબરોજની વસ્તુઓમાં ભારે વધારો થયો છે. છ મહિના પહેલા રૂપિયા 115 ના ભાવે મળતી તુવેર દાળ અત્યારે ૧૫૦ રૂપિયાના ભાવે મળે છે. જીરુ ની કિંમત 700 રૂપિયા સુધી પહોંચી ગઈ છે.



કોંગ્રેસે વધુમાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ક્રુડ બજારમાં ભાવમાં સતત ઘટાડો થતો હોવા છતાં છેલ્લા આઠ વર્ષમાં ભાજપની સરકારે ૧૪૦ કરોડ નાગરિકોના ખિસ્સામાંથી 29 લાખ કરોડની લૂંટ ચલાવી છે. ભાજપના લૂંટ મોડલના કારણે રોટી અને રોજગારી ગાયબ થઈ ગયા છે.રાધણ ગેસ સિલિન્ડર રુ.414 માં મળતુ હતું તે ભાજપની સરકારે 1150 નુ કરી દીધું છે.


અધિક કલેકટર સમક્ષની રજૂઆત વખતે ગાયત્રીબા વાઘેલા ઉપરાંત રાજકોટ શહેર મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મનીષાબા વાળા, મહીલા કોંગ્રેસ અગ્રણીઓ હીરલબેન રાઠોડ પ્રફુલાબા ચૌહાણ હેમીબેન ગોહિલ જસુબેન વાઘ જોષનાબેન ખંભાતીયા નિર્મલાબેન જોષનાબેન ટાંક લક્ષ્મીબેન ડાંગર હંસાબેન પરમાર વિધીબેન લલિતભાઈ ડાંગર ધારાબેન રાજુભાઈ ચાવડા હંસાબેન પ્રવિણભાઇ મકવાણા ઉપરાંત નરેશ ગઢવી સહિત કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application