યુવાનની આંખમાં સ્પ્રે છાંટી ઢીકાપાટુનો મારમાર્યા બાદ છરી-પાઇપ ધોકાથી હુમલો

  • April 15, 2025 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્રોલમાં રહેતો યુવાનને મોરબી રોડ જકાતનાકા પાસે ચાર શખસોએ છરી-પાઇપ અને ધોકા વડે મારમાર્યો હતો.હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.યુવાને એક શખસને ફોન કરી બોલાવી મારા ભાઇને ગાળો કેમ આપે છે તેમ કહેતા તેણે આંખમાં સ્પ્રે છાંટી મારમાર્યો હતો.બાદમાં તેણે તેના ભાઇ સહિતના સાથે મળી યુવાન પર ફરી હુમલો કર્યો હતો.


ધ્રોલમાં રાધે પાર્ક શેરી નંબર-૨ માં રહેતા રવિ અશ્વિનભાઈ ચાવડા (ઉ.વ 27) નામના યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હાર્દિક પરમાર, સચિન પરમાર તથા બે અજાણ્યા શખસોના નામ આપ્યા છે.

યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે યુવાનના લગ્ન દોઢેક વર્ષ પહેલા ખીરસરાના વિજય પરમારની દીકરી હિરલ સાથે થયા હતા.


ગઈકાલે યુવાન રાજકોટ મિત્રના લગ્નમાં આજીડેમ વિસ્તારમાં માડા ડુંગર પાસે આવ્યો હતો. સાંજના પાંચેક વાગ્યા આસપાસ તે બાઈક લઇ રાજનગર પાસે સૂર્યમુખી હનુમાન મંદિર નજીક તેના મામાના શોરૂમ પાસે ગયો હતો. ત્યારે તેણે હાર્દિક પરમારને ફોન કરીને બોલાવ્યો હતો થોડીવાર બાદ હાર્દિક આવ્યો હતો જેથી યુવાને તેને કહ્યું હતું કે, તું મારા નાના ભાઈને કેમ ફોનમાં ગાળો આપે છે? જેથી તેણે કહ્યું હતું કે, મેં ગાળો આપી નથી તેણે તેના મિત્રોને બોલાવી યુવાન સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં યુવાનની આંખમાં સ્પ્રે છાંટી ઢીકાપાટુનો મારમાર્યો હતો. જેથી યુવાન અહીંથી ભાગી ધ્રોલ જતો રહ્યો હતો. ત્યારબાદ મિત્રની કારમાં રાત્રિના 8:30 વાગ્યે આસપાસ રાજકોટ પરત આવ્યો હતો અને અહીં ઘંટેશ્વર એસઆરપી કેમ્પ સામે રત્નમ ફ્લેટમાં મિત્ર રવિ અમૃતલાલ મિસ્ત્રીના ફ્લેટમાં ગયો હતો.


અહીં તેને હાર્દિક પરમારનો ફોન આવ્યો હતો અને ફોનમાં ગાળો આપી હતી. જેથી યુવાને તેના ભાણેજ ધ્રુવ રાઠોડને ફોન કર્યો હતો. બાદમાં તે તેનો મિત્ર રવિ અને ભાણેજ મોરબી રોડ જકાતનાકા પાસે ગયા હતા. ત્રણેય રોડ ઉપર ઉભા હતા ત્યારે હાર્દિક તેનો ભાઈ સચિન અને અજાણ્યા શખસો અહીં આવ્યા હતા. જેમાં હાર્દિકના હાથમાં છરી હતી અને તેણે છરી વડે હુમલો કરી યુવાનને ડાબા પગે સાથળમાં એક ઘા મારી દીધો હતો તથા એક ઘા માથામાં અને વાસામાં અને એક ઘા માથામાં મારી દીધો હતો. તેના ભાઈ સાચીને પાઇપ વડે માર માર્યો હતો અને બંને અજાણ્યો શખસોએ ધોકા વડે યુવાન પર હુમલો કર્યો હતો. યુવાન બચવા માટે અહીંથી ભાગી ગયો હતો. ત્યારબાદ 100 નંબર અને 108 માં કોલ કર્યા બાદ 108 મારફત યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે આ મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચારેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application