શાકભાજીના ભાવમાં ભડકો... મરચાં, ટમેટાના ભાવ આસમાને

  • July 04, 2023 01:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શાકમાર્કેટમાં ટમેટા ૧૪૦ થી ૧પ૦ અને મરચા ૧ર૦ રુપિયાના કિલો લેખે મળતા હોય ગૃહિણીઓમાં ગભરાટ: આદુ રુા. ર૪૦ના કિલોએ પહોંચ્યું: ગુવાર, ભીંડો અને રીંગણાના ભાવમાં ભડકો

એક તરફ મેઘરાજા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસાવી રહ્યા છે, ત્યારે લીંબુના ભાવ અસમાને ગયા બાદ હવે ટમેટા અને મરચાંએ ગૃહિણીઓનું બજેટ બગાડી દીધું છે, મોટાભાગના શાકભાજીના ભાવોમાં ૩ દિવસથી ભડકો થયો છે, રુા. ર૦ થી ૩૦ લેખે કિલોએ મળતા ટમેટા રુા. ૧૪૦ નજીક પહોંચી ગયા છે, ત્યારે ૪૦ રુપિયે કિલો મળતા મરચાં પણ હવે વધુ તીખાં બન્યા છે અને હવે તેના ભાવ કિલોના ૧ર૦ થઇ ગયા છે, આદુનું તો નામ લેવા જેવું નથી, આજની બહારમાં આદુ રુા. ર૪૦ ના કિલો લેખે મળતું હતું, જ્યારે અન્ય શાકભાજીના ભાવોમાં ભારે ભડકો થયો છે.
છેલ્લા ચાર-પાંચ દિવસથી મરચાના ભાવ રુા. ૮૦ થી ૧૦૦ કિલોના બોલાતા હતા, તેમાં પણ વધારો થયો છે અને આ ભાવ ટમેટાની ઓછી આવકને કારણે રુા. ૧૪૦ સુધી પહોંચી ગયા છે, અન્ય શહેરોમાંથી ટમેટા આવતા હોય તેના ભાવ વધતા જાય છે, અગાઉ ડુંગળીના ભાવ ૧ર૦ થી ૧૪૦ સુધી પહોંચ્યા હતા અને ડુંગળીએ લોકોને રડાવ્યા હતા અને હવે ટમેટા અને મરચાં લોકોને રડાવી રહ્યા છે, આજુબાજુના ગામડાઓમાંથી મરચાં આવતા હોય છતાં પણ આટલા બધા ભાવ કેમ વધી ગયા છે તે કોઇને સમજાતું નથી.
સામાન્ય રીતે આદુનો વપરાશ વધુ થતો હોય, ૪૦ થી ૬૦ રુપિયે કિલો લેખે મળતો આદુ ભારે મોંઘુદાટ થયું છે અને આ ભાવ રપ૦ નજીક પહોંચી ગયો છે, લોકો દૂર જ આદુના દર્શન કરી રહ્યા છે.
૧પ થી ર૦ રુપિયા લેખે મળતા રીંગણા ૭૦ થી ૮૦ માં મળી રહ્યા છે, ગુવાર ૮૦, ભીંડો ૭૦, પળવર ૧૦૦, કોબી ૯૦ થી ૯પ, ચોળા ૭પ થી ૮પ, ગાજર ૬પ થી ૭પ, લીંબુ ૮૦ થી ૧૦૦ ના ભાવે બજારમાં મળી રહ્યા છે, જો કે ડુંગળી થોડી રાહતરુપ છે, રપ થી ૩પ રુપિયા લેખે કીલો મળી રહી છે, જ્યારે બટેકાનો ભાવ રુા. રપ થી ૩પ કિલોના થઇ ગયા છે.
મેથી પણ મોંઘીદાટ થઇ ગઇ છે, રુા. ૧૦ નું મેથીનું પૂરિયું ૩૦ થી ૪૦ સુધી પહોંચી ગયું છે અને રુા. ૧૦ માં પાલક ત્રણ પૂરિયા મળતી હતી, તે હવે એક જ પૂરીયું મળે છે, કોથમીરીનું ભાવ આસમાને પહોંચી ગયા છે, રુા. ર૦ માં માત્ર થોડી જ કોથમરી મળતી હોય છે, ફલાવર તો દેખાતી જ નથી, એક તરફ ચોમાસા દર વખતે ભાવ થોડા ઉંચકાઇ છે, પરંતુ આ વખતે છેલ્લા ૩-૪ દિવસ ભાવ અસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ સાવ વિખેરાઇ ગયું છે, આ ભાવ સુભાષ માર્કેટ સહિતના વિસ્તારોના છે, જ્યારે મીગ કોલોની, સાધના કોલોની, ખોડિયાર કોલોની અને ગાંધીનગરમાં ભરાતી શાક માર્કેટના ભાવ આ ભાવ કરતા પણ ર૦ થી ૩૦ ટકા ઉચા હોવાનું જાણવા મળે છે.
સામાન્ય રીતે ચોમાસામાં લીંબુ, રીંગણા, કોબી અને ચોળા ભાવ ૩૦ થી ૪૦ ના કિલો લેખે હોય છે, પરંતુ આ વખતે મોંઘવારીએ માઝા મૂકી છે અને આ ભાવ વધી જતાં લોકો પણ કંટાળી ગયા છે, રેંકડીઓમાં મળતા શાકભાજી મોંઘાદાટ થઇ ગયા છે, ઉપરાંત શેરી, ગલીમાં શાકના પાટલા હોય ત્યાં પણ રુા. રપ માં માત્ર ૩ ટમેટા મળે છે, આવું ક્યારેક ક્યારેક જ બને છે, આમ જોઇતે શાકભાજીની કોઇ અછત નથી, પરંતુ ભાવ કેમ વધી રહ્યા છે અને શાકબજાર પર કોઇ કંટ્રોલ નથી તે પણ હકીકત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application