ખંભાળિયામાં ટાઉનહોલ ખાતે કાર્યકરોનું સ્નેહમિલન યોજાયું

  • November 21, 2023 10:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલા ટાઉનહોલમાં ખંભાળિયા તથા ભાણવડ વિસ્તારના ભાજપના કાર્યકરો તથા હોદ્દેદારોનું સ્નેહમિલન યોજાયું હતું. અહીંના ધારાસભ્ય તથા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તેમજ સાંસદ પૂનમબેન માડમની ખાસ ઉપસ્થિતિમાં યોજવામાં આવેલા આ કાર્યક્રમનો પ્રારંભ વંદે માતરમ તથા સાંધિક ગીતથી કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ જિલ્લાના મહામંત્રી યુવરાજસિંહ વાઢેર દ્વારા પ્રાસંગીક ઉદબોધન તેમજ ખંભાળિયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ પોતાના વક્તવ્યમાં નૂતન વર્ષે ચોપડા પૂજનમાં જે રીતના વેપારીઓ પોતાના સરવૈયા કાઢે છે તેમ કાર્યકરોએ છેલ્લા એક વર્ષમાં પોતાની કામગીરીના સરવૈયા કાઢી કામગીરીના લેખાજોખા રજૂ કર્યા હતા. અહીં કેન્દ્રની સહાયથી રુા. ૧,૫૦૦ કરોડનો દ્વારકા કોરીડોર, નર્મદા યોજના તેમજ સૌની યોજનાને આ વિસ્તારમાં મળેલા લાભ, રૂપિયા ૧૭ કરોડના ખર્ચે સ્પોર્ટ સંકુલ ઉપરાંત લાઇબ્રેરી, નવી કચેરીઓના બિલ્ડીંગો, ટેકાના ભાવથી ખેડૂતોને થયેલો ફાયદો, વિગેરે બાબતે ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે વક્તવ્ય આપતા સાંસદ પૂનમબેન માડમે પંદર વર્ષ અગાઉ આ વિસ્તાર વિકાસના નકશામાં ક્યાંય ન હતો. ત્યારે કેન્દ્ર સરકારની જહેમતથી હવે દેશમાં સૌથી વધુ સવલતોવારો આ વિસ્તાર બન્યો હોવાનું જણાવ્યું હતું. સાથે સાથે આગામી દિવસોમાં નેશનલ હાઈવે, રેલવેની સુવિધા વગેરેના કરોડોનો વિકાસ કાર્યો થશે તે બાબતે લોકોને જાણકારી આપી હતી.
આ પ્રસંગે જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન પી.એસ. જાડેજાએ સ્નેહ મિલનનું મહત્વ સમજાવી, વક્તવ્ય આપ્યું હતું. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીએ નૂતન વર્ષમાં ભાજપના કાર્યકરોને શુભકામનાઓ પાઠવી અને પક્ષની સેવા પ્રવૃત્તિને નવી ઊંચાઈ આપવા હાકલ કરી હતી. સાથે સાથે વિધાનસભાની જીતનું પૃથ્થકરણ કરી અને લોકસભાના વ્યુહ જણાવ્યા હતા. સાથે સાથે દેશ, રાજ્ય તથા જિલ્લામાં કાર્યકરોની કામગીરીનું એક વર્ષનું સરવૈયા પણ રજૂ કર્યું હતું.
આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો, હોદ્દેદારો તથા કાર્યકરોએ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી જેમાં પૂર્વ ધારાસભ્ય મેરામણભાઈ ગોરીયા, હરિભાઈ નકુમ, પાલાભાઈ કરમુર, ગોવિંદભાઈ કનારા, નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, રેખાબેન ખેતિયા, સંજયભાઈ નકુમ, ભરતભાઈ ચાવડા, જીતેન્દ્ર કણજારીયા, ડો. અમિત નકુમ, ભરતભાઈ ગોજીયા, ગીતાબા જાડેજા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનું સંચાલન જિલ્લા ભાજપ મહામંત્રી રસિકભાઈ નકુમે તેમજ આભાર વિધિ યુવા અગ્રણી રાજુભાઈ ભરવાડએ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application