Rajkot: પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝાની અધ્યક્ષતામાં રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની યોજાઈ બેઠક

  • June 14, 2024 08:52 PM 

રોડ અકસ્માતના કારણે લોકોના જાનમાલનું નુકસાન અટકાવવા અર્થે કાર્યરત રાજકોટ શહેર માર્ગ સલામતીની બેઠક નવનિયુક્ત પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝાની અધ્યક્ષતામાં પોલીસ કમિશનર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. 


આ બેઠકમાં બ્રિજેશકુમાર ઝાએ હાઇવે ટચ અકસ્માત સંભવિત ઝોનમાં સ્ટ્રીટ લાઈટ, સાઈનેજીસ, ઝીબ્રા ક્રોસિંગ, સ્પીડ બ્રેકર, રંબલ સ્ટ્રીપ સહિતની કામગીરી સત્વરે પૂર્ણ કરવા વિવિધ એજન્સીઓને સૂચના આપી હતી. સાથોસાથ હાઇવે પર આવા ઝોનમાં નાઈટ પેટ્રોલિંગ વધારવા પર કમિશનરે ભાર મુક્યો હતો. 


ચોમાસામાં વરસાદ સમયે અકસ્માત વધવાની સંભાવના વધવા સાથે પ્રિ-મોન્સૂન કામગીરી જેવી કે, રોડ સાઈડ ઝાડની ડાળીઓ કટિંગ કરવા, જોખમી બેનર્સનો સર્વે કરવા, રોડ રીપેરીંગ સહીતની કામગીરી તાકીદે પૂર્ણ કરવા પોલીસ કમિશનરશ્રીએ મહાનગરપાલિકા તેમજ હાઇવે ઓથોરિટીને જણાવ્યું હતું.


આ તકે શહેર આસપાસ વિવિધ બ્લેક સ્પોટ જેવા કે, જુના કુવાડવા પોલીસ સ્ટેશન, બેડી ચોકડી, ગોંડલ ચોકડી, માધાપર ચોકડી, હિરાસર એરપોર્ટ રોડ, ત્રંબા ગામ પાસે, ભાવનગર રોડ આજી ડેમ ચોક સહિતના હાઇવે પર સ્ટેટ તેમજ એન.એચ.એ.આઈ. દ્વારા સાઈનેઝીસ, માર્કિંગ, મીડીયમ ગેપ જોડાણ, સ્ટ્રીટ લાઈટ સહીતની કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.


રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ તેમજ આર.ટી.ઓ. દ્વારા ચલાવવામાં આવેલી એન્ફોર્સમેન્ટ  ડ્રાઈવ અંગે ડી.સી.પી. પૂજા યાદવ તેમજ આર.ટી.ઓ. અધિકારી રોહિત પ્રજાપતિએ હેલ્મેટ, સીટબેલ્ટ, ઓવર સ્પીડ સહિતના કરેલા કેસોની માહિતી પુરી પાડી જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ માસમાં હાઇવે પર ફેટલ અકસ્માતના પ્રમાણમાં ઘટાડો થયો જોવા મળેલ છે. 


માર્ગ સમાલતી અર્થે આર.ટી.ઓ દ્વારા કરવામાં આવેલા સેમિનાર્સ અંગે વિગતે માહિતી આપી હતી. રોડ સેફટી કાઉન્સિલના જે.વી. શાહે રાજકોટ શહેરમાં હિટ એન્ડ રન ના ૨૨ જેટલા કિસ્સા પૈકી ૧૯ જેટલા કિસ્સામાં ભોગ બનનારને રાજ્ય સરકાર દ્વારા વળતર આપવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. અકસ્માતમાં ગંભીર લોકોને મદદરૂપ બનનાર લોકોને ગુડ સમરીટન એવોર્ડ આપવામાં આવે છે તેમજ તેઓનું રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સન્માન પણ કરવામાં આવશે તેમ શાહે જણાવ્યું હતું.


૧૦૮ ના રિજિયોનલ હેડ શ્રી ચેતન ગાધેએ અકસ્માત સંદર્ભે આંકડાકીય એનાલિસિસની માહિતી આપતાં જણાવ્યું હતું કે, અકસ્માતમાં સૌથી વધુ પ્રમાણ ૨૦ થી ૩૦ વર્ષ વચ્ચેના યુવાનો હોઈ છે. જેમાં મોટા ભાગે હેલ્મેટ ના પહેરવા તેમજ વાહન ઓવર સ્પીડે ચલાવતા હોવાનું પ્રતીત થાય છે. 


સ્ટેટ આર.એન્ડ. બી.મહાનગરપાલિકા સહિતના વિભાગના અધિકારીઓએ શહેરના મુખ્ય રોડ, એપ્રોચ રોડ, સર્વિસ રોડ પર વાહન અકસ્માત નિવારણ અર્થે સાઈનેઝીસ, માર્કિંગ, મીડ્યમ ગેપ જોડાણ સહીતની કરેલ કામગીરીની કામગીરીની માહિતી પુરી પાડી હતી.           


જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયાએ અકસ્માતનું પ્રમાણ ઘટાડવા સૂક્ષ્મ બાબતોનું પણ પૃથક્કરણ કરી દરેક એજન્સીએ સંકલન સાથે કામગીરી વહેલી તકે પૂર્ણ કરી અકસ્માત સંભવિત ક્ષેત્રને નિર્મૂલન કરવા ભાર મુક્યો હતો. 


આ બેઠકમાં ટ્રાફિક એ.સી.પી. શ્રી જે.બી. ગઢવી,  એસ.ટી. વિભાગીય નિયામક શ્રી કલોતરા, શિક્ષણા વિભાગ, રાજકોટ સિવિલ વિભાગ, વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારી શ્રી તેમજ આર.એમ.સી. ના વિવિધ શાખાના અધિકારીશ્રી તેમજ પ્રતિનિધિ શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application