દ્વારકાની સગીરાના અપહરણ પ્રકરણમાં બગસરાનો શખ્સ ઝડપાયો

  • August 03, 2023 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે સગીરાને મુક્ત કરાવી

દેવભૂમિ દ્વારકાની એક તરુણીના અપહરણ સબબ સ્થાનિક પોલીસમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ સંદર્ભે જિલ્લાની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમે તપાસ દરમિયાન અમરેલી જિલ્લાના શાપર ગામના મૂળ રહીશ એવા એક શખ્સને રાજકોટથી ઝડપી લીધો હતો.
આ પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દ્વારકા તાલુકામાં રહેતી એક પરિવારની સગીર વયની પુત્રીનું લલચાવી, ફોસલાવીને અપહરણ થયા અંગેની ધોરણસર ફરિયાદ તારીખ ૩૧ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. જે સંદર્ભે પોલીસે આઈ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬ તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી, વિવિધ દિશાઓમાં તપાસ આરંભી હતી.
આ પ્રકરણમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પી.આઈ. એ.વાય. બ્લોચ દ્વારા હાથ ધરવામાં આવેલી આ તપાસમાં વિવિધ પાસાઓ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ રાજકોટ ખાતે દોડી જઈ અને આ પ્રકરણમાં સ્થાનિક વિસ્તારનો અભ્યાસ કરી અને રાજકોટના રાજનગર વિસ્તારમાંથી સગીરા તેમજ તેની સાથે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના શાપર ગામના મૂળ રહીશ એવા હાર્દિક ઉર્ફે બબલુ ઉર્ફે ભોલો કલ્યાણદાસ સોલંકીને ઝડપી લઇ, સગીરાને મુક્ત કરાવવામાં સફળતા મેળવી હતી.
આ શખ્સને દ્વારકા ખાતે લાવી અને તેની વિધિવત રીતે ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. એ.વાય. બ્લોચ સાથે સ્ટાફના પબુભાઈ ગઢવી, જનકભાઈ કરમુર, માનસીબેન કણજારીયા, કાજલબેન કરમુર, ધરણાતભાઈ બંધીયા, મુકેશભાઈ કેસરીયા, હેમંતભાઈ કરમુર, હેભાભાઈ ચાવડા, ભીમશીભાઈ ગોજીયા તથા જોસનાબેન ભાટીયા દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application