બેડીના પોર્ટ ઓફિસર વિરુઘ્ધ મુખ્યમંત્રીને લખાયો ધગધગતો પત્ર

  • April 10, 2023 01:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના શિપિંગ ક્ષેત્રે ચાલી રહેલી જબરદસ્ત ગોબાચારીને સિલસિલાબંધ અહેવાલોથી ખુલ્લી પાડશે "આજકાલ: શિપિંગના ધંધાર્થી રાકેશ બારાઇ દ્વારા કેપ્ટન મિશ્રા સામે પત્રમાં ભ્રષ્ટાચારના ચોંકાવનારા આક્ષેપો કરવામાં આવતા શિપિંગ ક્ષેત્રમાં સુનામી જેવો માહોલ: શિપિંગના ધંધાર્થીઓ પાસે ડગલે ને પગલે પ્રસાદી લેવામાં આવતી હોવાથી બધાના નાકે દમ : અપ્રમાણસર મિલ્કત અને આવકની તપાસ કરવાની પણ માંગ કરાઇ

કેન્દ્ર અને ગુજરાતની ડબલ એન્જીન ભાજપ સરકાર દરીયાઇ પરિવહનને વિકસાવવા વધુને વધુ પ્રોત્સાહક પગલા લેવા કટીબઘ્ધ છે એવું ઘણી વખત કેન્દ્રીય તથા રાજયની ભાજપની નેતાગીરી તરફથી કહેવામાં આવ્યું છે એવા સંજોગો વચ્ચે જામનગરના પોર્ટ ઓફીસર વિરુઘ્ધ અહીંના જ એક શિપીંગના ધંધાર્થી દ્વારા મુખ્યમંત્રીને લખવામાં આવેલા ધગધગતા પત્રથી આશ્ર્ચર્યના મોજા ઉઠવા લાગ્યા છે અને જીએમબીમાં કેટલી હદે લાલીયાવાડી ચાલી રહી છે તેનો એક સંકેત મળ્યો છે, પત્રમાં જીએમબીના અધિકારી સામે ભ્રષ્ટાચાર અંગેના સનસનાટીજનક આક્ષેપો કરવામાં આવ્યા છે, જેની નકલ સંલગ્ન પાંચ વિભાગને પણ મોકલવામાં આવી છે, આ પત્રથી એક એવી બાબતનો પણ ઘટસ્ફોટ થયો છે જે દરીયાઇ પરિવહનને જફા પહોંચાડી રહેલ છે અને જો આમ જ ચાલતું રહયું તો હારી-થાકીને નાના-મોટા ધંધાર્થીઓ દરીયાઇ પરિવહનથી મોઢું ફેરવી લેશે અને સરવાળે મોટું નુકશાન જશે એ પહેલા જાગવાની જરુર છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને જામનગરના શિપીંગના ધંધાર્થી રાકેશભાઇ બારાઇ દ્વારા લખવામાં આવેલા પત્રમાં કેપ્ટન અરવિંદ મિશ્રા દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાના ખુલ્લંખુલ્લા આક્ષેપો કરવામાં આવ્યા છે અને આ પત્ર રાજયભરના શિપિંગ ક્ષેત્રમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ઇન્ચાર્જ તરીકે આવેલા કેપ્ટન દ્વારા ભ્રષ્ટાચારની તમામ સીમાઓ પાર કરી દેવામાં આવી હોય એ રીતે કામગીરી ચાલી રહી છે, શિપિંગની ભાષાનો ઉલ્લેખ કરીને એમણે કહયું છે કે આઇવી કલાસના ફલેટના સર્વે કરવામાં દરેક ફલેટ માટે ચોકકસ પ્રસાદી એટલે કે રકમ લેવામાં આવી રહી છે, આટલું જ નહીં સર્વે બાદ આવા ફલેટના કેશને ગાંધીનગર તરફ ધકેલી દેવામાં આવે છે અને બાર્ઝના માલિકને નાછુટકે ત્યાં પણ ચાંદલો થાય છે.
એમણે એવી આશ્ર્ચર્યજનક બાબતનો ઘટસ્ફોટ કર્યો છે, આવા કહેવાતા કોઇપણ સર્વે કર્યા પુર્વે સાઇડ વિઝિટ કરવામાં જ નથી આવતી, ઓફીસમાં બેઠા બેઠા જ સર્વે કરી લેવામાં આવે છે, અને આ બાબતની ખરાઇ કરવા માટે ફલીટના નાખવા તથા ખલાસીના નિવેદન લેવાથી ખરાઇ થઇ શકે છે.
પત્રમાં લખાયું છે કે, માત્ર જામનગર ગ્રુપ ઓફ પોર્ટમાં જ એક હજર જેટલા ફલીટ છે, આ બધાના સર્વેમાં જો પ્રસાદી લેવામાં આવતી હોય તો તેનો ટોટલ ખરેખર આશ્ર્ચર્યજનક આંકડાએ પહોંચે છે, આટલું જ નહીં બાર્જના ચાલકોને લઇને પણ મનઘડત નિયમો બનાવી દેવામાં આવ્યા છે, જેના કારણે આઉટસોર્સથી રાખવામાં આવેલા પાયલોટ કંટાળીને રાજીનામા આપી ચાલ્યા જાય છે.
એક તરફ જીએમબી દ્વારા ભરતી કરવામાં નથી આવતી, બાર્જના ચાલકો ઓછા છે અને બહારથી આવતા ચાલકોને યેનકેન રીતે હેરાન કરવામાં આવતા હોવાથી આવા પાયલોટ અહીં કામ કરવા તૈયાર થતા નથી જેની પણ ધંધા પર સીધી અસર પડવાની પુરી ભીંતી રહે છે.
પત્રમાં એવો પણ ધડાકો કરાયો છે કે વોટર સર્વેની બર્થિંગ અને અનબર્થિંગની કામગીરીમાં પણ છ આંકડામાં રકમો લેવામાં આવી રહી છે અને આવી રીતે બેધડક ભ્રષ્ટાચાર થતો હોવાનો જબરો ધડાકો આ લેખિત પત્રમાં કરવામાં આવ્યો છે જે બાબત અત્યંત ગંભીર માનવામાં આવી રહી છે.
પત્રમાં એ બાબતનો પણ ઉલ્લેખ છે કે જીએમબીના કેપ્ટન સામે અપ્રમાણસર મિલ્કત અને આવકની પણ તપાસ થવી જોઇએ, કારણ કે હાલમાં ફરજ બજાવી રહેલા મિસ્ટર મિશ્રા ભાવનગર અને અમદાવાદમાં આલીશાન ફલેટ તો ધરાવે જ છે અને તેઓ જયાંના મુળ વતની છે એ રાજયમાં પણ મોટા પાયે ખેતીની જમીનો એમણે ખરીદી છે, આ બધું પણ તપાસના દાયરામાં આવરી શકાય છે.
રાકેશભાઇ દ્વારા લખવામાં આવેલા આ ધગધગતા પત્રથી એક તરફ શિપિંગ ક્ષેત્રમાં ખલબલી મચી ગઇ છે તો ગુજરાતના બંદરો અને ગાંધીનગરને સાંકળતી આખી ચેનલ પર જનોઇવઢ ઘા સમાન આ પત્રની નકલો જીએમબીના ગાંધીનગર સ્થીત ચેરમેન, જીએમબીના વી.સી. અને સીઇઓ, ગાંધીનગરના લાંચ રુશ્વત નિયામક તથા એસીબીના વડાને પણ મોકલવામાં આવી છે, આગામી દિવસોમાં આ બાબતે નવા જુની થવાની પુરી શકયતા છે.
આ પત્ર સંબંધે ઉંડા ઉતરવામાં આવતાં અને સંલગ્ન વ્યકિતઓ સાથે ચર્ચા કરવામાં આવતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે અને ગુજરાત આખાના દરિયાઇ પરિવહનને પોતાના કબ્જામાં લઇને કાયદાઓમાં મનફાવે તેવા ફેરફાર કરીને પોર્ટ ઓફીસરોથી લઇને ગાંધીનગર બેઠેલા રિંગલીડર દ્વારા ચાલી રહેલા આખેઆખા ખેલ અંગે પણ અત્યંત સ્ફોટક વિગતો જાણવા મળી છે, જેના પર હવે પછી પ્રકાશ પાડવામાં આવશે.
આજકાલને શિપીંગના ધંધાર્થીઓ દ્વારા ગુજરાતના દરીયાઇ પરિવહન ક્ષેત્રે ચાલી રહેલા જબરદસ્ત ભ્રષ્ટાચાર સબંધે પણ કેટલીક ચોંકાવનારી વિગતો આપવામાં આવી છે જેનાથી સ્વાભાવીક રીતે મુખ્યમંત્રી સહિતનું ગુજરાતનું પ્રધાનમંડળ ચોંકી ઉઠશે અને કેન્દ્રીય કક્ષા સુધી નોંધ લેવાશે એ તમામ ચોંકાવનારી વિગતો હવે પ્રસિઘ્ધ કરાશે. (ક્રમશ:)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application