ડેન્ગ્યુની બીમારી બાદ આંબરડીના યુવાનનું સારવાર દરમિયાન મોત

  • December 21, 2023 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાંબા સમય બાદ ડેન્ગ્યુ પોત પ્રકાશી યુવાનનો ભોગ લેતા ગામમાં શોકની લાગણી

શિયાળામાં દર વર્ષે સ્વાઇન ફલુ અને ડેન્ગ્યુનો રોગ માઝા મુકે છે ત્યારે ભાણવડના આંબરડીમાં ગઇકાલે એક યુવાનને ડેન્ગ્યુ પોઝીટીવ થયા બાદ જામનગરની જીજી હોસ્૫િટલમાં સારવાર માટે લાવતા તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. નાનકડા એવા આંબરડી ગામમાં ડેન્ગ્યુથી મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ છે.
ભાણવડના આંબરડી ગામે રહેતા રવિ રામભાઈ ચાવડા નામના ૨૩ વર્ષના યુવાનને ડેન્ગ્યુની અસર થઈ ગઈ હતી. જેથી તેને ભાણવડની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ મૃતકના પિતા રામભાઈ ચાવડાએ ભાણવડ પોલીસને કરી છે.
ભાણવડ વિસ્તારમાં તાવ, શરદી, ઉધરસના કેસો વધી રહ્યા છે, શિયાળામાં કેસમાં વધારો થયો છે ત્યારે ભાણવડમાં એક યુવાનનો ડેન્ગ્યુએ ભોગ લીધો છે, તેના માતા-પિતા અપંગ હોવાનું પણ જાણવા મળે છે અને તેઓ મજુરી કામ કરતા હોવાનું બહાર આવ્યું છે, વ્હાલા સોયા ૨૩ વર્ષના યુવાનનું મોત થતાં ડેન્ગ્યુના રોગે પગ પેસારો કર્યો છે અને પીએચસી કેન્દ્રના ડોકટરોએ પણ ડેન્ગ્યુ વધુ ન વકરે તે માટે પગલા લેવા શરુ કર્યા છે.
મરનાર રવિભાઇ ચાવડાને ડેન્ગ્યુની ભારે અસર થયા બાદ જામનગરની જી.જી.હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં અને ત્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું. જામનગર જિલ્લામાં પણ ડેન્ગ્યુના કેસ દિન-પ્રતિદિન વધતા જાય છે, સરેરાશ ૩ થી ૪ કેસ ડેન્ગ્યુના હોવાનું ડોકટરોએ કહ્યું છે, જયારે જામનગર જિલ્લામાં શિયાળામાં તાવ, શરદી, ઉધરસના કેસો પણ વધી ગયા છે.
***
*ખંભાળિયામાં હૃદયરોગના હુમલાએ રઘુવંશી યુવાનનો ભોગ લીધો
ખંભાળિયાની રામનાથ સોસાયટી વિસ્તારમાં રહેતા અને મૂળ સલાયાના રહીશ કમલેશભાઈ લક્ષ્મીદાસ દાવડા નામના ૪૦ વર્ષના યુવાનને ગઈકાલે બુધવારે હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમને અહીંની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર મળે તે પૂર્વે જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
હાર્ટ એટેકના વધતા જતા બનાવો વચ્ચે આશાસ્પદ રઘુવંશી વેપારી યુવાનના અકાળે અવસાનથી રામનાથ વિસ્તાર સાથે રઘુવંશી સમાજમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application