હીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો

  • November 22, 2024 01:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર શહેર મધ્યે આવેલ હીરાપન્ના કોમ્પલેકસ અત્યંત જર્જરિત બની ગયો હતો અને તેના રહેવાસીઓ અને દુકાનદારોને વારંવાર નગરપાલિકાએ સમારકામની નોટીસ આપી હતી તેમ છતાં તેઓએ સમારકામ નહી કરાવતા ચાર મહિના પહેલા ૨૩મી જુલાઇના પાલિકાએ તેને સીલ મારી દીધુ હતુ અને હવે સમારકામ કરાવવા માટે નગરપાલિકાની મંજૂરી લઇને સીલ ખોલાવીને કેટલાક ફલેટધારકો ત્યાં પહોંચ્યા ત્યારે તેઓ ચોંકી ઉઠયા હતા કારણકે ૩૬  પૈકી મોટાભાગના ફલેટમાં તાળા તૂટયા હતા તથા સોફાસેટથી માંડીને ડાઇનીંગ ટેબલ સહિતનું ફર્નીચર પણ ચોરાયાનુ જણાવીને અમુક ફલેટ ધારકોએ બળાપો ઠાલવ્યો હતો અને પોલીસને જાણ કરવામાં આવતા મોડી સાંજે પોલીસ ત્યાં દોડી ગઇ હતી અને આજે ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવશે. જાણવા મળતી વિગત પ્રમાણે શહેરના રાણીબાગ પાસે ગલીમાં આવેલ હીરાપન્ના  કોમ્પલેકસનુ વર્ષોે પહેલા નિર્માણ થયુ હતુ ૩૬ ફલેટ તથા નીચે દુકાનોમાં વેપારીઓ વેપાર ધંધો કરતા હતા. આ ઇમારત કાળક્રમે જર્જરિત થઇ ગઇ હોવા છતાં ત્યાંના ફલેટધારકો અને દુકાનદારોએ તેનુ સમારકામ કરાવ્યુ ન હતુ તેના કારણે દિવસે દિવસે તે વધુ જર્જરિત બની ગયો હતો અને કોઇનો જીવ જાય તે પહેલા નગરપાલિકાના  તંત્રએ વારંવાર નોટીસો આપવા છતા સમારકામ નહી થતા અંતે નગરપાલિકાના તંત્રને આ ઇમારત તા. ૨૩-૭-૨૦૨૪ના સીલ મારી દેવાની ફરજ પડી હતી. આ ઇમારત સીલ મરાઇ ત્યારે મોટાભાગના ફલેટ ધારકોએ તેમનો સામાન અન્યત્ર સ્થળાંતરિત કરી દીધો હતો. ત્યારબાદ અહીના ફલેટધારકોએ એવુ નક્કી કર્યુ હતુ કે એન્જીનીયરને લઇને ઇમારતના સમારકામ માટેના ખર્ચનો અંદાજો લગાડીને રીપેરીંગ કરાવીએ અને તેથી પોરબંદર નગરપાલિકાના તંત્રની વિધિવત મંજૂરી માંગતા ચાર મહિના  પછી આ સીલ ખોલવામાં આવ્યા હતા અનેકેટલાક ફલેટધારકો એન્જીનીયરને સાથે લઇને ત્યાં ગયા હતા ત્યારે એટલા માટે ચોંકી ઉઠયા હતા કે અનેક ફલેટના તાળા તૂટેલા નજરે ચડયા હતા. એટલુ જ નહી પરંતુ અમુક ફલેટધારકોએ એવુ જણાવ્યુ હતુ કે તેમના સોફાસેટ અને ડાઇનીંગ ટેબલ સહિતનું ફર્નીચર ચોરાઇ ગયુ છે તો બે ફલેટધારકોએ એવુ જણાવ્યુ હતુ કે તેમના વીજમીટર પણ ચોરાઇ ગયા છે ! આ પ્રકારના આક્ષેપ સાથેનો હોબાળો મચતા પોલીસ પણ મોડીસાંજે ઘટનાસ્થળે દોડી ગઇ હતી  અને ચોરીનો ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application