રેલનગરની આવાસ યોજના સુપરહીટ 1010 ફ્લેટ માટે 7665 ફોર્મ ઉપડ્યા

  • December 04, 2023 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજકોટ મહાપાલિકા દ્વારા રેલનગર વિસ્તારમાં ઇડબ્લ્યુએસ-2 કેટેગરીના 1.5 બેડ હોલ કિચનની સુવિધા સાથેના કુલ 1010 આવાસો માટે અરજીઓ મંગાવવામાં આવતા 7665 અરજી ફોર્મ ઉપડ્યા છે. અલબત્ત ફોર્મ મેળવવા અને પરત કરવાની અંતિમ તા.22 ડિસેમ્બર છે. હાલમાં લગ્નગાળો અને રોગચાળો સહિતના કારણે જેટલા ફોર્મ ઉપડ્યા તેટલા ભરાઈને પરત આવ્યા નથી, આજ સુધીમાં ફક્ત 250 ફોર્મ ભરાઇને પરત આવ્યા છે.

વિશેષમાં મહાપાલિકાના અધિકારી અને પદાધિકારી સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ મહાપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રેલનગરમાં ઇડબ્લ્યુએસ-2 કેટેગરીના કુલ 1010 આવાસોની ફાળવણી કરવા અરજીઓ મંગાવવામાં આવી છે. આ આવાસ શહેરના રેલનગર વિસ્તારમાં ઘનશ્યામ બંગ્લોઝ તથા વેરહાઉસ પાસે નિમર્ણિ પામનાર છે જેમાં 40 ચો.મી.ના બાંધકામમાં રૂમ-1, સ્ટડી રૂમ-1, રસોડું, હોલ, વોશ એરિયા, બાથરૂમ, ટોઇલેટની સગવડતા રહેશે. આ આવાસોની કિંમત રૂ.5.50 લાખ તથા રૂ.60 હજાર મેઈન્ટેનન્સ ખર્ચ મળી રૂ.6.10 લાખ રહેશે અને અરજદારે દસ્તાવેજનો ખર્ચ અલગથી ભોગવવાનો રહેશે. વાર્ષિક આવક મયર્દિા રૂ.3 લાખ કે તેથી ઓછી આવક ધરાવનાર અરજદાર શહેરમાં કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓ તથા રાજકોટ મહાપાલિકાના તમામ સિવિક સેન્ટર ખાતે રૂબરૂ મુલાકાત લઇ અરજી કરી શકશે. અરજી ફોર્મની કિંમત રૂ.100 છે તેમજ અરજી જમા કરાવતી વખતે ડીપોઝીટની રકમ રૂ.10,000 જમા કરાવવાની રહેશે. આ આવાસો માટે આવેલ અરજીઓનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરી આવાસની ફાળવણી કરવામાં આવશે. આવાસ માટે પસંદગી પામનાર લાભાર્થીને રૂ.30 હજારના એક સરખા 18 માસિક હપ્તાથી રકમ ભરપાઈ કરવાની રહેશે. આવાસ માટે અરજી કરવાની અંતિમ તા.22-12-2023 હોઈ વધુમાં વધુ શહેરીજનોને લાભ લેવા અનુરોધ અને અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application