36 દિવસ બાદ ખાલિસ્તાની સમર્થક અમૃતપાલસિંહ પંજાબ પોલીસના સકંજામાં

  • April 23, 2023 08:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


36 દિવસથી નાસતા ફરતા ભાગેડુ ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની પંજાબની મોગા પોલીસે ધરપકડ કરી છે. નોંધનીય છે કે, અમૃતપાલ સિંહ અજનલા ઘટના બાદથી ફરાર હતો. છેલ્લા એક મહિના દરમિયાન પંજાબ પોલીસે અમૃતપાલ સિંહને પકડવા માટે ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા, પરંતુ સફળતા મળી ન હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર અમૃતપાલ સિંહને આસામની ડિબ્રુગઢ જેલમાં મોકલવામાં આવશે. આ એ જ જેલ છે જ્યાં તેના ઘણા સાથીઓને પણ રાખવામાં આવ્યા છે. અમૃતપાલ સિંહ વિરુદ્ધ સરકારી કાર્યવાહીમાં અવરોધ, શાંતિ ભડકાવવા જેવા અનેક ગંભીર કેસ નોંધવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમૃતપાલ સિંહે શનિવારે મોડી રાત્રે મોગા પોલીસની સામે આત્મસમર્પણ કર્યું હતું.

18 માર્ચથી ફરાર અમૃતપાલ સિંહની ધરપકડ કરવા માટે ઘણા રાજ્યોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. નેપાળ પોલીસે પણ તેને તેમના સર્વેલન્સ લિસ્ટમાં રાખ્યો હતો. કારણ કે થોડા દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે અમૃતપાલ નેપાળ થઈને પાકિસ્તાન ભાગી જવાની તૈયારીમાં છે.



સૂત્રોના જણાવ્યા અનુસાર અમૃતપાલ સિંહ એક દિવસ પહેલા જ મોગા પહોંચી ગયો હતો. જ્યાં તેણે ગુરુદ્વારામાં આશરો લીધો હતો. હવે અમૃતપાલ સિંહને લઈને પંજાબ પોલીસનું નિવેદન પણ સામે આવ્યું છે. પોલીસે તેની ધરપકડની પુષ્ટિ કરી છે. પંજાબ પોલીસે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે.

અમૃતપાલ સિંહના આત્મસમર્પણ પહેલા પોલીસે તેના નજીકના સાથી પપ્પલપ્રીત સિંહની 10 એપ્રિલે ધરપકડ કરી હતી. પપ્પલપ્રીત એ વ્યક્તિ હતી જે ફરાર થવા દરમિયાન અમૃતપાલ સિંહ સાથે રહ્યો હતો. પપ્પલપ્રીતની પણ ધરપકડ કરીને તેને આસામની જેલમાં ખસેડવામાં આવ્યો છે. અમૃતપાલ સિંહના ધરપકડ કરાયેલા સહયોગીઓ વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

ત્રણ દિવસ પહેલા પંજાબ પોલીસે અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌરને એરપોર્ટ પરથી અટકાયતમાં લીધી હતી. કિરણદીપ લંડન જવાની તૈયારી કરી રહી હતી, પરંતુ ફ્લાઈટ પહેલા જ પોલીસે તેને એરપોર્ટ પરથી જ કસ્ટડીમાં લઈ લીધી હતી. અમૃતપાલ પાલ થોડા મહિના પહેલા દુબઈથી પંજાબ પાછો આવ્યો હતો અને ત્યારથી તે વારિસ પંજાબ દે સંગઠનના વડાની જવાબદારી સંભાળી રહ્યો હતો.

અજનાલની હિંસા બાદ અમૃતપાલ સિંહ પ્રથમ વખત ચર્ચામાં આવ્યા હતા. 23 ફેબ્રુઆરીએ અજનાલામાં તણાવની સ્થિતિ સર્જાઈ હતી જ્યારે અમૃતપાલ સિંહ તેમના સેંકડો સમર્થકો સાથે તેમના સાથીદારની ધરપકડના વિરોધમાં પોલીસ સ્ટેશનમાં પ્રવેશ્યા હતા. જ્યારે પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો તો હિંસા ફાટી નીકળી. જેમાં અનેક પોલીસકર્મીઓ પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application