બોગસ પેઢીઓ સાથે વ્યવહારોમાં રાજકોટના ૩૨૦૦ વેપારીને સમન્સ

  • August 22, 2023 04:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પાડાના વાંકે પખાલીને ડામ...અને આ ડામ લાગ્યો છે રાજકોટના ૩૨૦૦ જેટલા વેપારીઓને. બોગસ બિલિંગ કરનાર પેઢીઓ સાથે પ્રમાણિકતા અને કાયદા હેઠળ વ્યવહારો કરનાર રાજકોટના કરદાતાઓને સમન્સ નીકળતા વેપારીઓ સામે સંકટ ઉભું થયું છે. તહેવારો ટાણે જીએસટીએ નવું ઘોડુ ઉભુ કરતા વેપારીઓમાં ભારે ઉહાપોહ મચી ગયો છે.

છ વર્ષના કાયદા સામે અનેક ખામીઓ આવી છે. ત્યારે હાલમાં બોગસ બિલિંગ પેઢીઓ સાથે પ્રમાણિકતાથી વેપાર કરતા વેપારીઓ સામે નવો પ્રશ્ન ઉભા થયો છે. જે વેપારીઓઓ પ્રામાણિકતાથી ખરીદી કરી છે, માલ આવ્યો છે અને તેના આધાર પુરાવા છે, ખરીદીનું પેમેન્ટ ચેકથી કરેલ છે, માલ ઉત્પાદનમાં વપરાયો છે અને તેનું વેચાણ થયું છે. તો ઘણા કિસ્સામાં માલ એકસપોર્ટ થયો છે.

પરંતુ આ વેપારીઓના પુરોગામી સપ્લાયરોની લીંકમાં કોઇ સપ્લાયર બોગસ બીલીંગ કરતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. તેવા કેસમાં વેપારીની ખરીદી ઉપર જીએસટીની ઇનપુટ ટેકસ ક્રેડિટ અમાન્ય રાખી જીએસટીની રકમ અને તેના ઉપરનું વ્યાજ તેમજ પેનલ્ટી ભરવા માટે રાજકોટ રેન્જ જીએસટી ડિપાર્ટમેન્ટે ૩૨૦૦ જેટલા કરદાતાઓ સામે સમન્સ ઇશ્યૂ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જાણીતા સીએ અને ગ્રેટર ચેમ્બરના પ્રમુખ રાજીવભાઇ દોશીએ જણાવ્યું હતું કે, બોગસ બિલિંગમાં સંકળાયેલા હોવાના કારણોસર જે તે વેપારીનું રજિસ્ટ્રેશન વોઇડ એબ ઇત્પસ્યો એટલે કે નંબર લીધો ત્યારથી રજિસ્ટ્રેશન રદ કરવામાં આવેલ છે. જેના પરિણામે જીએસટીનો કાયદો આવ્યા ત્યારથી આજ સુધીમાં જે તે વેપારીઓએ કરેલા વેચાણના વ્યવહારોને બોગસ ગણાવી ડીમાન્ડ પ્રમાણીક કરદાતાઓ સામે પણ ઉભી કરવામાં આવતા વેપારીઓમાં ભારે ઉહાપોહ મચી જવા પામ્યો છે

આ રીતે વેપારીઓ ફસાયા
જયારે ખરીદનાર દ્રારા વેચનાર વેપારી પાસેથી માલ ખરીદવામાં આવ્યો હતો ત્યારે વેચનારના જીએસટી નંબર ચાલુ હતો અને પોર્ટલ પર વેરીફાઇ પણ કરેલો હતો. આ ઉપરાંત વેચનારએ જીએસટીઆર–૧માં ઇનવોઇસની વિગત દર્શાવેલ હોય છે. ત્યારબાદ ખરીદનાર દ્રારા વેચનારને ટેકસની ચૂકવણી કરવામાં આવી હોય કે કેમ કે હાલની જીએસટી સિસ્ટમ મુજબ ખરીદનાર પાસે આ તકેદારી રાખવા સીવાય કોઇ વિકલ્પ બચતો નથી. આ દરમિયાન બોગસ બીલીંગ પેઢીનું એટલે કે માલ વેચાણનો નંબર કેન્સલ થયો આથી તેની પાસેથી ખરીદનાર વેપારી પણ ફસાયો અને જીએસટીની રકમ પર વ્યાજ તેમજ પેનલ્ટીની રકમ ભરવાની જવાબદારી આ ખરીદનાર વેપારી પર નાખવામાં આવી. જીએસટીના કાયદા હેઠળ અન્ટર પ્રોટેસ્ટ ટેકસ ભરવા કોઇ જોગવાઇ નથી આથી જે તે વેપારી અપીલ કરે અને અપીલમાં ચૂકાદો તેની તરફેણમાં આવે તો પણ તે રિફડં મેળવી શકતો નથી. આથી આ કાયદા હેઠળ વેપારી પર વ્યાજનું ચકકર ચાલુ રહે છે.

વેપારીઓને માર્ગદર્શન આપવા શનિવારે ખાસ સેમિનાર
આ પ્રકારની નોટીસ કે સમન્સ જેમને મળ્યા છે તેમના માટે માર્ગદર્શન સેમિનાર તા.૨૬ના રોજ આઇસીએઆઇ ભવન, રૈયા રોડ ખાતે સવારે ૧૦–૪૫થી ૪–૦૦ વાગ્યા સુધી રાખવામાં આવ્યા છે. જેમાં અમદાવાદના સીએ નિતીશ જૈન જે જીએસટીના સલાહકાર છે તેઓ માર્ગદર્શન આપશે. આ ઉપરાંત વેપાર ઉધોગને લગતા પ્રશ્નોની ચર્ચા માટે પેનલ ડિસ્કશનનું આયોજન થયું છે. ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ગ્રેટર ચેમ્બરની ઓફિસ ગોલ્ડન પ્લાઝા અને મો.નં.૯૦૮૧૭ ૦૯૪૧૦ ઉપર કરાવવા જણાવાયું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application