હરિયાણામાં હાઇવે પર પાર્ક કરેલા વાહન પાછળ ગુજરાત પોલીસની ગાડી ઘૂસી જતા 3 પોલીસ જવાનના મોત, એકની હાલત ગંભીર

  • March 26, 2025 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હરિયાણાના ભારતમાલા હાઇવે પર ગુજરાત પોલીસને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. જેમાં પોલીસના ત્રણ કર્મચારીના કમકમાટીભર્યા મોત થયા છે. જ્યારે એક પીએસઆઈની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ભારતમાલા હાઇવે પર સકતાખેડા ગામ નજીક વડીંગખેડા પેટ્રોલ પંપ પાસે ગુજરાત પોલીસનું વાહન હાઇવે પર પાર્ક કરેલા વાહન સાથે અથડાયું હતું. 


મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સોલંકી અને 3 પોલીસકર્મી પોક્સો કેસની તપાસ માટે લુધિયાણા જઈ રહ્યા હતા. તેઓની સરકારી બોલેરોનો અકસ્માત થતા પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામીત, હોમગાર્ડ રવિન્દ્ર અને ખાનગી ડ્રાઇવર કનુભાઈ ભરવાડનું મોત થયું છે. જ્યારે પીએસઆઇ જે.પી. સોલંકીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અક્સ્માતના સમાચાર મળતા જ અમદાવાદના આઈ ડિવિઝનના એસીપી અને એક પીએસઆઇ તાત્કાલિક ધોરણે હરિયાણા જવા રવાના થયા છે.


અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાન અને પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઇ સોલંકી સાથે પોક્સોની તપાસ માટે પંજાબ જઈ રહ્યા હતા. આ તપાસ માટે તેઓ સરકારી વાહન લઈને હરિયાણાથી આગળ વધી રહ્યા હતા તે સમયે માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ બનાવની જાણ ગુજરાત પોલીસને કરવામાં આવી છે. જ્યારે રામોલ પોલીસ અને અધિકારીઓ હરિયાણા પોલીસ સાથે સંપર્ક કરીને સ્થિતિ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમદાવાદ શહેર પોલીસ કર્મચારીઓ સાથે બનેલા આ ગમખ્વાર બનાવને કારણે પોલીસ બેડામાં ખૂબ જ દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે.


રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી.મોરીએ જણાવ્યું હતું કે, અમારા પોલીસ કર્મચારીઓ સાથે આ ઘટના બની છે અને હરિયાણા નજીક આ બનાવ બનતા ત્રણ લોકોના મોત થયા છે જ્યારે પીએસઆઇની સારવાર ચાલી રહી છે.


સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ બ્રહ્મ પ્રકાશના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળેથી એક પંજાબની નંબર પ્લેટ મળી આવી છે. આ આધારે પોલીસ અજાણ્યા વાહનને શોધવામાં વ્યસ્ત છે. પોલીસ ટીમ દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં, ડબવાલી સદર પોલીસ સ્ટેશન ઘટનાસ્થળેથી અકસ્માતના વાસ્તવિક કારણ વિશે માહિતી એકત્રિત કરી રહ્યું છે. ગુજરાત પોલીસને પણ આ અંગે જાણ કરવામાં આવી છે.


ડબવાલી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તમામ ઘાયલોને સારવાર અર્થે જનરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ દરમિયાન ડોક્ટરોએ ત્રણ પોલીસકર્મીઓને મૃત જાહેર કર્યા હતા. આ પછી, ત્રણ પોલીસકર્મીના મૃતદેહને શબઘરમાં રાખવામાં આવ્યા છે. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application