મેડીકલ કોલેજના ૨૫૦ વિદ્યાર્થીઓએ લાખાબાવળમાં પરિવારને દત્તક લીધા

  • June 02, 2023 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આરોગ્યલક્ષી સેવાઓ ગ્રામીણ વિસ્તારોના ઘર ઘર સુધી પહોંચે તે માટે એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની અનેરી પહેલ: તબીબી વિદ્યાર્થી પાંચ વર્ષ સુધી દત્તક લીધેલ પરિવારોની રૂબરૂ મુલાકાત લઈ તેઓને વિવિધ પ્રકારની તબીબી સેવાઓ ઘર આંગણે જ પૂરી પાડશે

નેશનલ મેડિકલ કાઉન્સિલની માર્ગદર્શિકા અનુસાર કોમ્યુનિટી મેડીસીન ડિપાર્ટમેન્ટ, એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજ, જામનગર દ્વારા લાખાબાવળ ગામમાં ફેમિલી એડોપ્શન પ્રોગ્રામનું અમલીકરણ કરવામાં આવ્યું છે. આ પ્રોગ્રામ અંતર્ગત પ્રથમ વર્ષ એમ.બી.બી.એસ.ના  વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થી દીઠ પાંચ પરિવારોને દત્તક લઇ તેઓને આરોગ્ય ક્ષેત્રે મદદરૂપ થવા અંગેની એક અનેરી પહેલ કરવામાં આવી છે.
માર્ગદર્શિકા અનુસાર દરેક તબીબી વિદ્યાર્થી પોતાના સમગ્ર તબીબી અભ્યાસક્રમ દરમિયાન એટલે કે લગભગ પાંચ વર્ષ સુધી દત્તક લીધેલા પરિવારોની વારંવાર મુલાકાત લેશે અને વિવિધ પ્રકારની તબીબી સેવાઓ જેવી કે, પાણીજન્ય રોગો અને ખોરાક જન્ય રોગોથી કેવી રીતે બચવું, મેલેરિયા અને ડેન્ગ્યુ જેવી ગંભીર બીમારીઓથી બચાવ વગેરેનું આરોગ્ય શિક્ષણ પૂરું પાડવું, વ્યક્તિગત, પરિવાર અને પર્યાવરણની સ્વચ્છતા કેવી રીતે જાળવવી, તાવ, શરદી, ઉધરસ, ઝાડા જેવી સામાન્ય બીમારીઓનો ઉપચાર કરવો.
વિવિધ સરકારી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવા, બાળકના રસીકરણ વિશે માહિતી આપવી, સંસ્થાકીય સુવાવડ માટે સગર્ભા માતાઓને પ્રોત્સાહિત કરવા, ઘરના પુખ્ત વયના સભ્યોનું બ્લડપ્રેશર તેમજ ડાયાબિટીસ જેવી બીમારીઓ માટેનું સ્ક્રિનિંગ કરવું અને જો ઘરમાં કોઈ ગંભીર બીમારીવાળું વ્યક્તિ જણાય તો તેને જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં રિફર કરવા વગેરે જેવી સેવાઓ પૂરી પાડશે.
આમ, એમ.પી શાહ સરકારી મેડિકલ કોલેજ દ્વારા વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ ગ્રામીણ વિસ્તારોના ઘર ઘર સુધી પહોચાડવાનું વિશેષ આયોજન હાથ ધરી એક નવતર પહેલ આરંભી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application