ફટાકડા સ્ટોલના NOCની ૨૧૨ અરજી; ૬૭ મંજૂર

  • October 15, 2024 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં આ વર્ષે ફટાકડાના સિઝનલ સ્ટોલનો ધંધો કરતા ધંધાર્થીઓ માટે એક તરફ મેઘરાજાએ મૂંઝવણ સર્જી છે અને ફટકડાને ભેજ લાગવાની ભીતિ સર્જાઇ ગઇ છે, બીજી બાજુ અગ્નિકાંડ બાદ ફાયર એનઓસી માટેના નિયમોની ચુસ્ત પણે કડક અમલવારી કરાતા આ વર્ષે ફટાકડાના સ્ટોલની સંખ્યા ઘટી જાય તો નવાઇ પામવા જેવું નથી.
સામાન્ય રીતે શરદપૂર્ણિમાથી ફટાકડાના સ્ટોલના ઉદઘાટન થતા હોય છે અને સિઝનલ ધંધાર્થીઓ પખવાડિયું મતલબ કે દિવાળીના દિવસ સુધી ધંધો કરતા હોય છે. એક અંદાજ મુજબ રાજકોટ શહેરમાં ફટાકડાના કાયમી બારમાસી ધંધાર્થીઓ ઉપરાંત દર વર્ષે ૧૦૦૦થી ૧૨૦૦ જેટલા સીઝનલ સ્ટોલ ખુલતા હોય છે પરંતુ આ વર્ષે આજની સ્થિતિએ ફાયર બ્રિગેડ બ્રાન્ચ સમક્ષ ફટાકડાના સ્ટોલ માટે એનઓસી મેળવવા કુલ ૨૧૨ અરજીઓ આવી છે જેમાંથી ફકત ૬૭ મંજુર થઇ છે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેએ જણાવ્યું હતું કે ફટાકડાના સિઝનલ સ્ટોલના ફાયર એનઓસી માટેના કોઇ નવા નિયમો આવ્યા નથી, પ્રવર્તમાન જે નિયમો છે તેનો જ ચુસ્ત પણે કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે, દરેક અરજીની સ્થળ તપાસ અને ખરાઇ કર્યા બાદ નિયમ મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મ્યુનિ.ફાયર બ્રિગેડ બ્રાન્ચમાં ગ્રાઉન્ડ લેવલની કામગીરી કરતા સ્ટાફના સૂત્રોના જણાવ્યા મુજબ ગત વર્ષની તુલનાએ આ વર્ષે લગભગ પચાસ ટકા અરજી માંડ આવી છે, અલબત્ત હજુ અરજીઓ આવવાની ચાલુ છે, હવે મુખ્ય ફાયર સ્ટેશનના બદલે જે તે વોર્ડ વિસ્તારના ફાયર સ્ટેશન ખાતે અરજી કરવાની રહે છે અને સ્થળ તપાસ માટે પણ ત્યાંનો સ્ટાફ જ જાય છે.
ફટાકડાના જે સ્ટોલ માટે ફાયર એનઓસી મેળવાયું હોય તેવા સ્ટોલને જ પોલીસ તત્રં તરફથી મંજુરી અપાતી હોય ફાયર એનઓસી મેળવવા ફટાકડાના ધંધાર્થીઓ દોડધામ કરી રહ્યા છે, બીજી બાજુ ફાયર બ્રિગેડમાં સ્ટાફની કાયમી અછત હોવાના કારણે સ્થળ તપાસ માટે જવામાં પણ વિલબં થઇ રહ્યો છે.
દરમિયાન એવી વિગતો પણ સામે આવી છે કે ફટાકડાના સ્ટોલ માટે પોલીસની મંજૂરી મેળવવાના હેતુથી ફાયર એનઓસી માટે અરજી કરી હોય અને યારે ફાયર બ્રિગેડ સ્ટાફ સ્થળ ઉપર તપાસ માટે જાય ત્યારે હજુ ત્યાં ફટકડાનો સ્ટોલ બન્યો જ ન હોય ! હવે યાં સ્ટોલનું અસ્તિત્વ જ ન હોય તેનું ફાયર એનઓસી કઇ રીતે આપવું તેવા પ્રશ્નો પણ સર્જાઇ રહ્યા છે. અમુક ખુલ્લા પ્લોટમાં સ્ટોલ નિર્માણ કરનાર હોય કે પછી અન્ય કોઈ ચીજ વસ્તુનો વેપાર કરતા હોય તેની સાથે ફટાકડાના વેંચાણ માટે મંજૂરી માંગી હોય તેવા કિસ્સામાં આવું બની રહ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application