જૂનાગઢથી તુલસીશ્યામ ૧૨૦ કિ.મી.ની સાયકલોથોનમાં ૨૦૦ સાયકલસવાર જોડાયા

  • December 26, 2023 10:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢની અગ્રણી સંસ્થા વોકિંગ ક્લબ દ્વારા ગત તા. ૧૭ને રવિવારે લોકો પર્યાવરણ બચાવવા પ્રત્યે જાગૃતિ કેળવે અને  પર્યાવરણનું સંવર્ધન કરવા પ્રયત્નશીલ બને તેવા ઉમદા હેતુથી કેર નેચર, સેવ નેચરના શુભ ઉદેશથી જૂનાગઢથી તુલસીશ્યામ સુધીની ૧૨૦ કિલોમીટરની સાયકલોથોનનું આયોજન કરવામાં આવેલ હતું. સવારે ૪:૩૦ વાગ્યે રેલવે સ્ટેશન ચોક ખાતેથી રાજકોટની આઈવીએફ વિંગ્સ હોસ્પિટલના સહયોગથી સાયકલ યાત્રા યોજાઈ હતી જેનું જૂનાગઢના  ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, સુનિલભાઈ નાવાણી, આઇબી પી આઈ શેખવા વાલી એ સોરઠ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ડો હારુન વિહળ સહિતનાઓ હાજરીમાં  યાત્રાને ફ્લેગ ઓફ આપવામાં આવ્યો હતો. આ યાત્રામા જૂનાગઢ, રાજકોટ, જામનગર, અમદાવાદ, ભરૂચ, અંકલેશ્વર સહિતના શહેરોમાંથી આશરે ૧૨૦ જેટલા સાયકલિસ્ટ જોડાયા હતા. સાથે સાથે તેમને મદદરૂપ બનવા આશરે ૮૦ લોકો સ્વયંસેવક બંને મળી કુલ ૨૦૦  સાઇકલ સવારે સાયકલ યાત્રામાં જોડાયા હતા.
​​​​​​​
જૂનાગઢથી શરૂ થયેલી આ યાત્રાનુ પ્રથમ વિરામસ્થળ ચાપરડા ખાતે આવેલી જય અંબે હોસ્પિટલ દ્વારા સાયકલિસ્ટ માટે લીંબુ પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યાંથી વેકરીયા ગામ પાસે આવેલા પહુંડીયા આશ્રમ ખાતે, વેકરીયાથી જીરા ગામ પાસે આવેલી મુનિ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે  પહોંચી ત્યારબાદ સાત કલાકે તુલસીશ્યામ મંદિરે પહોંચી હતી.ત્યારબાદ તુલસીશ્યામ મંદિર ખાતે વનના નેશ વિસ્તારોમાં વસતા લોકો માટે તબીબો દ્વારા તુલસીશ્યામ મંદિર ખાતે વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં જૂનાગઢના વિવિધ વિભાગના નિષ્ણાંત તબીબો દ્વારા આશરે ૩૦૦ જેટલા દર્દીઓને વિનામૂલ્યે તપાસવામાં આવ્યા હતા.જરૂરિયાતમંદ દર્દીઓ ને દવા પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી.
આ સાયકલોથોનમાં, જૂનાગઢ-ધારી વન વિભાગ, તુલસીશ્યામ મંદિર ટ્રસ્ટ, જય અંબે હોસ્પિટલ, પહુંડીયા આશ્રમ દ્વારા સેવાકીય કામગીરી કરવામાં આવી હતી તેમજ ખજૂરીનેશના રહેવાસી ભગવાનભાઈ અને મુળુભાઈ દ્વારા પોતાના વાહનો ની મદદથી અંતરિયળ જંગલ વિસ્તારના નેશમાં વસતા દર્દીઓને મેડિકલ કેમ્પમાં તુલસીશ્યામ ખાતે પહોંચાડી મદદરૂપ થયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વોકિંગ ક્લબના ડો કે પી ગઢવી, ડો રક્ષિત પીપલીયા , કલ્પેશભાઈ હિંડોચા, સફી દલાલ સહિતના  સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામા આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application