દ્વારકા જિલ્લાના ૮૧ ગામોમાં ૧૨૨ લાભાર્થીઓએ આવાસમાં પ્રવેશ કર્યો

  • May 13, 2023 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર રાજ્યમાં ગઈકાલે શુક્રવારે રૂ. ૧૯૪૬ કરોડના ખર્ચથી નિર્મિત ૪૨,૪૪૧ આવાસોનું લોકાર્પણ કરી, લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. સાથે રૂ. ૨૪૫૨ કરોડના વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ખાતમુર્હત કરવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૮૨ ગામોમાં પણ ૧૨૨ લાભાર્થીઓએ પોતાના આવાસમાં પ્રવેશ કર્યો હતો.
ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ખાતે ઇન્ચાર્જ કલેકટર એસ.ડી. ધાનાણીની ઉપસ્થિતિમાં ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. જેમાં તેમણે પોતાના નવા ગૃહમાં પ્રવેશ કરનાર લાભાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. આ ઉપરાંત જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં પણ અમૃત આવાસોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખંભાળિયામાં યોગ કેન્દ્ર ખાતે યોજવામાં આવેલા આ કાર્યક્રમ શહેરના ૨૦ લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૬ નગરપાલીકાના ૬૫ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગૃહપ્રવેશ કરાવવામાં આવ્યો હતો. લાભાર્થીઓએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.
**
૪૦ વર્ષ ભાડાના મકાનમાં રહ્યા બાદ પોતાના ઘરનું સ્વપ્ન પૂર્ણ થયું: જયશ્રીબેન ભટ્ટ
"અમે ૪૦ વર્ષ સુધી ભાડાના મકાનમાં રહ્યા અને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અમારું પોતાના ઘરનું સ્વપ્ન પૂર્ણ થયું છે" તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના રહેવાસી જયશ્રીબેન ભટ્ટે જણાવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે પણ નવનિર્મિત આવાસોમાં ગૃહ પ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૪૦ વર્ષ ભાડાના મકાનમાં રહ્યા બાદ પોતાના ઘરનું સ્વપ્ન પૂર્ણ થતા લાભાર્થી જયશ્રીબેને ઉત્સાહ સાથે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરી તેમનું મંતવ્ય જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, "અમે ક્યારેય વિચાર્યું નહોતું કે અમારું પોતાનું ઘર હોય તે સ્વપ્ન પણ પૂર્ણ થશે. પરંતુ અમને પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે માહિતી મળી અને આ શક્ય બન્યું... અમને પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે માહિતી મળતાં નગરપાલિકામાં આ યોજના વિશે તપાસ કરી. તપાસ કરવા જતાં અમને ત્યાંથી એક ફોર્મ ભરવા જણાવવામાં આવ્યું અને એ બાદ આ સહાય મળતા અમારું સ્વપ્ન પૂર્ણ થયું છે." અનેક લોકોના પોતાના ઘર હોય તે સ્વપ્ન પૂર્ણ કરવા બદલ તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
**
દાતા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લોકાર્પણ સમારોહ યોજાયો
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યમા નિર્માણ પામેલા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના ૧૨,૦૦૦ મકાનોનો લોકાર્પણ કાર્યક્રમ ગઈકાલે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે યોજવામાં આવ્યો હતો. જેને સમાંતર દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા ગામોમાં પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તાલુકાના દાતા ગામ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત ગામના લાભાર્થીઓ માટે બનાવવામાં આવેલા મકાનનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે આયોજન મુજબ દાતા ગામના આંગણવાડી વર્કર સેજલબેન ગૌસ્વામીના ગામના સગર્ભા બહેનો, ધાત્રી બહેનો અને ગામની કિશોરીઓ દ્વારા વાનગી સ્પર્ધા યોજવામાં આવી હતી. સાથે સાથે ગ્રામજનો માટે સર્વરોગ નિદાન કેમ્પ, પ્રભાત ફેરી, વૃક્ષારોપણ જેવા વિવિધ કાર્યક્રમોનું પણ સુંદર આયોજન દાતા ગામના ઉપસરપંચ અને દ્વારકા જિલ્લા ભાજપના મંત્રી રાજુભાઈ સરસિયાની ખાસ ઉપસ્થિતિમાં કરાયું હતું. આ આયોજન દરમિયાન દાતા ગામના તલાટી મંત્રી, સરકારી શાળાના આચાર્ય તથા દાતા પંચાયતના સભ્ય જશવંતસિંહ જાડેજા સાથે ગામના આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application