બે દિવસમાં ૭૦ એમસીએફટી પાણી છોડાયું: આજુબાજુના ગામના લોકોમાં ખુશીનો માહોલ
રાજય સરકારની સુચનાથી ગામડાઓના કેટલાક ચેકડેમોમાં પાણી ઠાલવવા સિંચાઇ વિભાગને સુચના આપતા ઉંડ-૧ ડેમમાંથી ૭૦ એમસીસએફટી પાણી છોડવામાં આવ્યું હતું જેનાથી આજુબાજુના ૧૨ ચેકડેમો છલોછલ ભરાઇ ગયા હતાં, આ પાણી છોડવાથી આજુબાજુના ગામના લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો.
ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડેમમાંથી પાણી છોડાયું હતું જેમાં ૧૨ ચેકડેમો ભરાયા હતાં, તમાચણ, રોઝીયા, રવાણી ખીજડીયા, ખંભાલીડા, ધ્રાંગડા, સોયલ, નથુવડલા અને વાંકીયા ગામના ચેકડેમો ભરી દેવામાં આવ્યા હતાં, સિંચાઇ વિભાગે પાણી છોડતા પહેલા ઉંડ-૧ નદીના હેઠવાસના ગામના લોકોને સલામત સ્થળે ખસી જવા અને નદીના પટ્ટમાં અવરજવર ન કરવા સુચના આપી હતી. ત્યારબાદ ગયા વખતે જયારે પાણી છોડાયું ત્યારે પથ્થરમારાની ઘટના પણ બની હતી જેનું કોઇપણ જાતનું પુનરાવર્તન ન થાય તે માટે અગાઉથી જ ઉપરોકત ગામોના નદી કાંઠે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ભરઉનાળે પાણી છોડાતા ૧૨ ચેકડેમો ભરાઇ ગયા હતાં અને આઠ ગામના લોકોને પાણીનો લાભ મળશે. હજુ ચોમાસાને લગભગ અઢી મહીનાની વાર છે ત્યારે રાજય સરકારનો આ નિર્ણય લોકો માટે હીતકારી બની ગયો છે.