રાજકોટ જિલ્લામાં 116 બાળકો હાર્ટ પેશન્ટ, 29ને કેન્સરની બીમારી

  • January 07, 2025 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા થોડા સમય પહેલા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લામાં આંગણવાડી અને શાળાએ જતા બાળકોના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી. કુલ 3,50,631 બાળકોની આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી. તેમાંથી હૃદય રોગની બીમારીવાળા 116 કિડનીની બીમારી વાળા 24 અને કેન્સરની બીમારી વાળા 29 બાળકો હોવાનું જાહેર કરાયું છે.
આરોગ્ય તપાસણી કાર્યક્રમ દરમિયાન એવી પણ ચોકાવનારી વિગતો બહાર આવી છે કે 41 બાળકો એવા છે કે જેને આંખના પડદાની ખામી છે. છ બાળકો જન્મજાત મોતીયાની ખામીવાળા છે. કોકીલીયર ઈમ્પ્લાન્ટની બીમારીવાળા છ, કરોડરજ્જુની ખામીવાળા 14,હોઠ અને તાળવું ફાટેલા હોય તેવા 26,વળેલા પગની ખામીવાળા 65 અને થાપાના હાડકાની ખામીવાળા દસ બાળકો પણ મળી આવ્યા છે.
જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવહાણે અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર આર. આર. ફુલમાલની રાહબરી હેઠળ હાથ ધરવામાં આવેલ આરોગ્ય વિષયક કાર્યક્રમ દરમિયાન 32,128 બાળકોને જુદી જુદી ખામી હોવાનું જણાયું હતું. તેમાંથી 31,762 સામાન્ય ખામીવાળા હતા. 25349 બાળકોને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી અને 6,779 બાળકોને સંસ્થાગત સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ હૃદય રોગ, કેન્સર, કિડની સહિતની અતિગંભીર બીમારીવાળા 366 બાળકો મળી આવ્યા છે. તેમને નિષ્ણાંત ડોક્ટરો અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની સેવા મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ બાળકોની વિનામૂલ્યે સારવાર કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application