જિલ્લા ભાજપ પ્રમુખના સાળા સહિત ૧૧ શખ્સ રંગરેલીયા માણતા ઝડપાયા

  • September 09, 2024 02:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિવના કારવા મસ્જીદ પાસે આવેલી ધ તુલીપ હોટલમાં ડાન્સરોના નગ્ન ડાન્સ સહીતની ગેરકાયદે અશ્લિલ પ્રવૃતિ કરવામાં આવી રહી હોવાની બાતમીને લઈ દિવ પોલીસે દરોડો પાડતા ડિજેના તાલે અશ્લિલ નૃત્ય પ્રદર્શન કરતી આઠ ડાન્સર, એક ટ્રાન્સજેન્ડર સાથે મહુવાના ધારાસભ્યના સાળા, મહુવા શહેર ભાજપ ઉપ પ્રમુખ, કોન્ટ્રાકટર, જેસરના પૂર્વ સરપંચ સહીત ૧૧ અન્ય શખસ મળી આવતા પોલીસે તમામને રંગેહાથ ઝડપી પાડી હોટલમાંથી વિદેશી દારૂ. લેપટોપ સહીત રૂા. ૪૦,૬૦૦નો મુદામાલ બરામત કર્યો હતો. આ બનાવ ભાવનગર જિલ્લા તેમજ રાજકીય વર્તુળોમાં ટોક ઓફ ધ ટાઉન બની રહ્યો હતો.


 દિવ પોલીસ કાઈમ ટીમને માહીતી મળી હતી કે, દિવની કારવા મસ્જિદ પાસે રેસીડેન્સી એરીયામાં આવેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીન શાહની માલીકીની ધ હોટલ તુલીપમાં ડાંસ સાથે અશ્લિલ હરકતો ચાલતી હોવાની વિગતોના પગલે ચકાસણી કરવામાં આવ્યા બાદ દીવના પોલીસ અધિક્ષકના માર્ગદર્શન નિચે એક ટીમની રચના કરી ધ તુલીપ હોટલમાં રાત્રીના સર્ચ હાથ ધરવામાં આવ્યુ હતું. દરોડા દરમિયાન ઉશ્કેરણી જનક કપડા પહેરી આઠ જેટલી ડાન્સરો ડિજેના તાલે અશ્લિલ નૃત્ય કરતી હોવાનું જોવા મળતા આઠ મહિલા, એક ટ્રાન્સજેન્ડરની અટક કરી ડાન્સરો ઉપર પૈસાનો વરસાદ કરી મોજ માણી રંગરેલીયા કરતા ભાવનગર જિલ્લા ભારતિય જનતા પાર્ટીના પ્રમુખ આર. સી. મકવાણાના સાળા એવમ મહુવાના પૂર્વ મહિલા ધારાસભ્યના ભાઈ કિરણ લીંબાભાઈ રાઠોડ (ઉ.વ. ૩૩, રહે શાસ્ત્રીનગર, મહુવા), મહુવા શહેર ભાજપના ઉપપ્રમુખ અને પુર્વ કાઉન્સીલર હિંમત ચક્કરભાઈ મકવાણા (ઉ.વ. ૪૦, રહે કુંભારવાડા, માસુમભાઈની વાડી, મહુવા), જેસરના પૂર્વ સરપંચ રાજા નાનજીભાઈ ઝાલા (ઉંમર ૫૧ રહે હાલ. ભાવનગર), પીજીવીસીએલના કોન્ટ્રકટર હિતેશ વલ્લભભાઈ આહીર (ઉંમર વર્ષ ૩૩, રહે ઓથા, તા. મહુવા), ભાવેશ હકાભાઈ પરમાર (ઉં.વ. ૩૪, રહે ભાદ્રોડ, તાલુકો મહુવા), અકીલ અનીશભાઈ નકવી (ઉંમર ૪૪ રહે. શહાદત કોલોની, ભાદ્રોડ ગેઈટ, મહુવા), અરુણ રેવાશંકર જોષી (ઉમર વર્ષ ૪૮ રહે. નેસવડ, મહુવા), ઈરાન હરીફ ભાઈ શેખ (ઉંમર વર્ષ ૪૧, રહે રૈયાધાર રામદેવપીરની ચોકડી, શાંતિનગર, રાજકોટ), મનોજ શામજીભાઈ કાપડિયા (ઉંમર વર્ષ ૪૪ રેં.બેડીપર રણછોડનગર રાજકોટ), સિકંદર સલીમભાઈ કુરેશી (ઉંમર વર્ષ ૨૯ રહે રબેરી દીવ), મુકેશ અમરસિંગ સોલંકી (ઉંમર વર્ષ ૩૪ રહે માછીવાડ દીવ), મળી આવતા તમામને રંગેહાથ ઝડપી લઈ હોટલમાંથી પોલીસે વિદેશી દારૂ, લેપટોપ સહીત રૂા. ૪૦,૯૦૦નો મુદામાલ બરામત કરી હોટલમાં દારૂ રાખવા અને નૃત્ય કરવા માટેની પરમીટ માંગવા પર હોટલના મેનેજરે હોટલ પાસે અશ્લિલ પ્રવૃતિઓ અને દારૂ માટે કોઈ પરમીટ ન હોવાનું જણાવ્યુ હતું. ઉક્ત બનાવના પગલે દીવ પોલીસે બીએનએસ ૨૦૨૩ની કલમ ૨૯૬, ૩(૫), મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application