સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને જીએસટીની દસ કરોડની નોટિસ

  • August 02, 2023 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સાત વર્ષ સુધી નોટિસની અવગણના કર્યા પછી આજે છેલ્લા દિવસે મિટિંગનો ધમધમાટ: જીએસટી કમિશનરને મળ્યા પરંતુ કોઈ છૂટછાટ ન મળી: હવે સરકાર પાસે ઝોળી ફેલાવવા સિવાય કોઈ રસ્તો નથી




સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને જીએસટી માટે રુ.10 કરોડની નોટિસ ફટકારવામાં આવી છે અને આજે સાંજ સુધીમાં જ આ નાણા ભરી દેવાના હોવાથી અત્યાર સુધી છેલ્લા સાત વર્ષથી હાથ જોડીને બેસી રહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સતાવાળાઓ હવે હરકતમાં આવ્યા છે. આજે સવારથી જ તાકીદની બેઠક બોલાવવામાં આવી છે.



ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) નો કાયદો 2017 થી અમલમાં આવ્યો છે અને ત્યારથી જીએસટીના બાકી લેણાં પેટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને અવારનવાર નોટિસ પાઠવવામાં આવતી હોવા છતાં છેલ્લા સાત વર્ષથી તેની અવગણના કરનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સતાવાળાઓને છેલ્લે ગયા સપ્તાહે નોટિસ આપવામાં આવી હતી અને આ મામલે હવે શું કરવું ? તેનો નિર્ણય કરવા આજે સવારે કુલપતિ ગિરીશભાઈ ભીમાણી, રજીસ્ટાર હરેશ રૂપારેલીયા અને એકાઉન્ટના અધિકારીઓની તાકીદની બેઠક શરૂ થઈ છે.



સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જ્યારે કોઈ ખાનગી કોલેજને નવું જોડાણ આપે અથવા તો વર્તમાન જોડાણમાં નવા કોર્સને મંજૂરી આપે ત્યારે તેને જોડાણ ફી ની સાથોસાથ 18% જીએસટી ભરવાનો થતો હોય છે. 2017 થી અત્યાર સુધીમાં આ મુજબ 230 કોલેજોને નવા જોડાણ આપવામાં આવ્યા છે અથવા તો વર્તમાન ચાલુ કોલેજને નવા કોર્સ માટેના જોડાણો આપવામાં આવ્યા છે.



સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નવી કોલેજો શરૂ કરવા અને તેમાં નવા કોર્સ મંજૂર કરવા માટે અત્યાર સુધી ફી પેટે જે રકમ વસૂલ કરી છે તેના પરના 18% જીએસટી મુજબ અંદાજે રૂપિયા 10 કરોડ જેટલી રકમ ભરવાની થાય છે. નોટિસની આ રકમમાં જીએસટી ઉપરાંત ૧૮ ટકા વ્યાજ અને પેનલ્ટીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.



આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ગીરીશભાઈ ભીમાણીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે ભૂતકાળમાં જ્યારે પ્રથમ વખત નોટિસ મળી ત્યારે આ સમગ્ર મુદ્દો યુનિવર્સિટી સિન્ડિકેટમા મૂકવામાં આવ્યો હતો. ત્યારે સભ્યોએ આપણે ક્યાં વેપાર કરીએ છીએ? આપણે જીએસટી ભરવાનો ન હોય. અમે સરકારમાં રજૂઆત કરીને મુક્તિ મળે તેવા પ્રયાસો કરીશું. તેમ કહીને જીએસટી ભરવા માટે ઇન્કાર કરી દીધો હતો. હવે પાઘડીનો વળ છેડે આવ્યો છે અને આગ બરાબરની લાગી છે ત્યારે કૂવો ખોદવાની કવાયત મુજબ યુનિવર્સિટીના રજીસ્ટાર હરેશ રૂપારેલીયા અને એકાઉન્ટ સેક્શનના અધિકારીઓ જીએસટી કમિશનર પાસે પહોંચ્યા હતા અને પેનલ્ટી માફ કરવા તથા જીએસટીના નાણા ભરવા માટે વધુ સમય આપવાની માગણી કરી હતી.



ભૂતકાળમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિતની રાજ્યની અન્ય તમામ યુનિવર્સિટીઓ દ્વારા આ મામલો જીએસટી કાઉન્સિલમાં પણ લઈ જવાયો હતો પરંતુ તેમની વાત ગ્રાહ્ય રાખવામાં આવી ન હતી અને અન્ય કેટલીક યુનિવર્સિટીઓએ જીએસટી ભરી પણ દીધો છે.



યુનિવર્સિટીના સત્તાવાળાઓએ જ્યારે જીએસટી કમિશનર સમક્ષ અને કાઉન્સિલમાં રજૂઆત કરી ત્યારે એવું અર્થઘટન કરવામાં આવ્યું હતું કે તમે વિદ્યાર્થીઓને સર્વિસ એટલે કે સેવા પૂરી પાડી રહ્યા છો અને તેથી તમારે 18% મુજબ જીએસટી ભરવો જ જોઈએ. જો કોઈ યુનિવર્સિટીને અપવાદરૂપ કિસ્સામાં તેમાં છૂટ આપવામાં આવે તો સમગ્ર દેશમાં તેમ કરવું પડે.


સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે અત્યારે મોટી સમસ્યા તળિયા જાટક તિજોરીની છે. યુનિવર્સિટીને નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડીટેશન કમિટી (નેક)માં બી ગ્રેડ મળ્યા પછી કેન્દ્ર સરકારની અને યુનિવર્સિટી ગ્રાન્ટ મિશનની મળતી ગ્રાન્ટમાં મોટો કાપ મુકાઈ ગયો છે અને હવે જો જીએસટીના પૈસા ભરવા પડે તો સરકાર પાસે ઝોળી ફેલાવવા સિવાય કોઈ આરોવારો રહેતો નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application