ધોની સામે 10 તો ભુવન બામ સામે 7 ફરિયાદ, ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ સેલિબ્રિટીઓ હવે રાખવું પડશે ખાસ ધ્યાન

  • May 18, 2023 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જાહેરાત ઉદ્યોગની સ્વ-નિયમનકારી સંસ્થા એએસસીઆઈએ જણાવ્યું હતું કે જાહેરાતો માટે સેલિબ્રિટીઓ સામે આવતી ફરિયાદોમાં ભારે વધારો થયો છે. એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (એએસસીઆઈ) એ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં સેલિબ્રિટી વિરુદ્ધ ૫૦૩ જાહેરાત સંબંધિત ફરિયાદો નોંધવામાં આવી હતી, જે એક વર્ષ અગાઉના ૫૫ કેસ કરતાં ૮૦૩ ટકા વધુ છે. ઓથોરીટીએ ધોનીની કેટલીક જાહેરાતો સામે વાંધો લીધો છે અને તેણે બદલવા કહ્યું છે.


અહેવાલ મુજબ, ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ, હસ્તીઓએ હવે કાયદાકીય રીતે કોઈપણ જાહેરાતનો ભાગ બનતા પહેલા યોગ્ય તપાસ કરવાની જરૂર છે. આ સેલિબ્રિટીઓમાં ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની ૧૦ ફરિયાદો સાથે સૌથી આગળ છે. તેમના સિવાય, પ્રખ્યાત યુટ્યુબર ભુવન બામ સામે જાહેરાતની શરતોનું પાલન ન કરવા બદલ સાત કેસ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લગભગ અડધા ઉલ્લંઘનો ગેમિંગ, એજ્યુકેશન, હેલ્થકેર અને પર્સનલ કેર પ્રોડક્ટ્સ સંબંધિત જાહેરાતોમાં જોવા મળ્યા હતા.


આઈપીએલ ૨૦૨૩ ની શરૂઆત પહેલા ધોનીની એક જાહેરાત આવી હતી, જેમાં તે બસ ડ્રાઈવર બન્યો હતો અને રસ્તાની વચ્ચે બસ રોકે છે. જ્યારે લોકો આ વિશે પ્રશ્નો પૂછે છે, ત્યારે તે ટીવી તરફ ઈશારો કરે છે જેના પર આઈપીએલ મેચ બતાવવામાં આવી રહી છે. તે સમયે પણ આનો વાંધો ઉઠાવતા, એએસસીઆઈએ આ જાહેરાતને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન ગણાવી હતી અને આ જાહેરાત પર પ્રતિબંધ મૂકવા અથવા બદલવાનો નિર્દેશ આપ્યો હતો. અગાઉ ૨૦૨૦ માં, ધોનીની ટૂથપેસ્ટની જાહેરાત ઉપરાંત,  એએસસીઆઈએ પંખા, ન્હાવાના સાબુ અને પેઇન રિલીવર જેલની જાહેરાત સામે પણ વાંધો ઉઠાવ્યો હતો.


જાહેરાત ઉદ્યોગની આ સંસ્થાને નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ૮,૯૫૧ ફરિયાદો મળી હતી, જેમાંથી તેણે ૭,૯૨૮ જાહેરાતોની સમીક્ષા કરી હતી. ખાસ વાત એ છે કે લગભગ ત્રણ ચતુર્થાંશ જાહેરાતો ડિજિટલ મીડિયા પર બહાર પાડવામાં આવી હતી. એએસસીઆઈએ જણાવ્યું હતું કે, ડિજિટલ મીડિયામાં આવા ઉલ્લંઘનો ઓનલાઈન પ્લેટફોર્મ પર ગ્રાહકોની સલામતી અંગે ગંભીર ચિંતા પેદા કરે છે.
​​​​​​​

સંસ્થાએ જણાવ્યું હતું કે, આ (ડિજિટલ મીડિયા પરનું ઉલ્લંઘન) ઓનલાઈન સ્પેસમાં ગ્રાહકોની સુરક્ષા અંગે ગંભીર ચિંતા પેદા કરે છે. એએસસીઆઈ દ્વારા મળેલી તમામ ફરિયાદોમાંથી એક ચતુર્થાંશમાં ઈન્ફ્લુએન્સરનો સમાવેશ થાય છે. એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એક સ્વતંત્ર, સ્વૈચ્છિક સ્વ-નિયમનકારી સંસ્થા હોવાનો દાવો કરે છે તેની ખાતરી કરવા માટે કે ભારતમાં જાહેરાત વાજબી, પ્રમાણિક અને એએસસીઆઈ કોડને અનુરૂપ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application