ઘ્યાન, તપ અને સાધના કરો તો અહંકાર ઓછો થાય: પૂ.દિપકભાઇ

  • February 21, 2023 06:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજના જમાનામાં તમારે અહંકાર ઓછો કરવો હોય તો ઘ્યાન, તપ અને સાધના કરવી જોઇએ, જ્ઞાનીની કૃપાથી અહંકાર છુટી જાય છે, તમો જીવનમાં આત્મ સ્વરૂપે જીવન જીવવાની આદત પાડો, મોક્ષનો માર્ગ એક જ છે કે તમો આત્મજ્ઞાન પ્રાપ્ત કરો, આ વસ્તુ મને ગમતી નથી એ યોગ્ય શબ્દ નથી, લોકોને ન ગમે પરંતુ સત્સંગ કરો તો મન હળવુ થાય છે, કોઇ તમારી નિંદા કરે કે અપમાન કરે તો ડરવાની જરૂર નથી તેને તમો અપમાન ન કરીને યોગ્ય જવાબ આપો, તમારા અપમાનની ગાંઠ તરત જ ઓગળી જશે, કોઇ તરફ દ્વેશ રાખવો ન જોઇએ તેમ દાદા ભગવાન પરિવારના પૂ.દિપકભાઇએ ગઇકાલે પ્રદર્શન મેદાનમાં યોજાયેલા સત્સંગ અને પ્રશ્ર્નોતરીના જવાબમાં જણાવ્યું હતું.


પૂ.દિપકભાઇએ જણાવ્યું હતું કે, તમારા કર્મ બંધાઇ ચૂકયા છે, ફળ પણ મળશે અને મોક્ષ માર્ગે આગળ વધશે, આજના જમાનામાં લોકો પોતાની સમસ્યા દુર કરવા માટે મંત્ર વિદ્યા, ભુવા પાસે જોવડાવવાનું, દોરા-ધાગા તરફ વળ્યા છે, ભગવાન શ્રી કૃષ્ણ કયારેય માતાજી પાસે ગયા નથી, આપણે બધા મોક્ષ માર્ગ ચુકી જઇએ છીએ અને તેમાંથી બહાર નિકળતા નથી, કર્મ બાંધેલા છે તે તમામે પુરા કરવા જોઇએ. ગુન્હો કરવો તો દંડ પણ ભોગવવો પડે, પિતૃદોષ, ગૃહશાંતિ, સર્પદોશ આ બધુ ધતીંગ છે, એક વ્યકિતએ તો એની પાછળ રૂ.૪૦ લાખનો ખર્ચ કર્યો હતો, આજે ઘણા લોકો ખોટેખોટુ જોઇને જયોતિષની દુકાન બાંધીને બેસી ગયા છે.


જ્ઞાન વિશે બોલતા તેમણે કહ્યું હતું કે, જ્ઞાન કયારેય બગડતું નથી, બધાના આત્મા જુદા-જુદા અને અખંડ છે, આત્મા યુઘ્ધ જ છે, મનુષ્યમાંથી ગયેલો આત્મા જાનવરનો આત્મા પણ બની શકે, ભગવાન કયારેય કોઇને દુ:ખ આપતા નથી અને દુ:ખ મટાડવા માટે તમારે ભગવાન સિવાય બીજા કોઇ પાસે જવું જોઇએ નહીં, જીવનમાં તમારે સ્થિરતા રાખવાની જરૂર છે, કોઇના પ્રત્યે બહુ ઇમોશ્નલ ન થાવ, દરેક જીવનો આત્મા બળી ન શકે, ભઠ્ઠીમાં નાખેલું સોનુ કયારેય બળતું નથી, તમારા સુખ માટે બીજાને દુ:ખી ન કરો, લોભની ગાંઠ અધોગતિમાં લઇ જાય છે અને જેવા કર્મ કરો તેવા તમને ફળ મળે છે.


આપણે ધર્મ સત્સંગમાં પણ અંતરાય પાડીએ છીએ, વિધી કરવાથી અંતરાય ન થાય, પ્રતિક્રમણ કરવાથી પતિદેવ સુધરી જાય તેવું નથી, કેટલીક વાર આપ ધારો તેના કરતા વધુ મળે છે તમે ખાલી દાન આપવાનો ભાવ કરો એ જ પુરૂષાર્થ છે, આજના જમાનામાં લોકો આખી દુનિયાના દુ:ખ જોવા લાગ્યા છે, તમારે કોઇના દુ:ખ ન જોવા, પાછલા કર્મના ફળ માટે ક્ષમતા રાખવાની જરૂર છે, જીવનમાં એક વાત યાદ રાખવી કે માફી માંગવાથી સામેવાળાના વેર સમી જાય છે, એટલે કોઇ ઉપર તમારે ગુસ્સે ન થવું, આપણે કોઇને આંતરીએ તો તેને અંતરાઇ કહેવાય, ગુસ્સો આવે ત્યારે તમારે થોડો સમય દાદા ભગવાનને યાદ કરવા.


પૂ.દિપકભાઇએ કહ્યું હતું કે, તમે તમારા સ્વભાવને ગંભીર રીતે સમજો, તમને કયાં કારણોસર ગુસ્સો આવે છે તે જુઓ, ગુલાબનું ફુલ તમે તોડો પણ હત્યા કહેવાય, જેમ ઝાડ ઉપરથી સફરજન તોડો તો પણ એ નાની હત્યા જ કહેવાય, આજે લોકો અખંડ સુખ શોધતા હોય છે, શુઘ્ધ જ્ઞાનનું ફળ એ જ અખંડ સુખ છે, કોઇને આપણે દુ:ખ આપીએ તો કયારેય આપણને સુખ મળતું નથી માટે આપણામાં જાગૃતિ લાવવી પણ ખુબ જ અનિવાર્ય છે. જગતમાં કોઇ દોષ નથી, દોષ કાઢનારાઓનો દોષ છે, સહુ-સહુના કર્મ ઉદયથી છે તે ભોગવી રહ્યા છે. તમારો વ્યવહાર આદર્શ હોવો જોઇએ અને સામેથી તમારા વખાણ થાય એવું કરવું જોઇએ, તમારે ઘરનાને કયારેય દુ:ખ આપવું ન જોઇએ, તમે કોઇને એક કલાક દુ:ખ આપો તો તમને એક હજાર કલાક ભગવાન દુ:ખ આપશે. આજના જમાનામાં બાળકો પ્રત્યે ભાવ રાખવો, કોઇનું નેગેટીવ ન બોલો, તેને એપ્રીસીએટ કરો, સુતક કોઇને નડતું નથી, સુતકમાં પણ ભગવાનની પુજા થઇ શકે છે. 


ગઇકાલના કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રિવાબા જાડેજા, ભાજપના શહેર પ્રમુખ ડો.વિમલ કગથરા, સ્ટે.ચેરમેન મનીષ કટારીયા, જિલ્લા મહામંત્રી દિલીપ ભોજાણી, શહેર મહામંત્રી પ્રકાશ બાંભણીયા, નેતા કુસુમબેન પંડયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application