વર્લ્ડ કપ ફાઇનલ : ડ્રાય ગુજરાતમાં કરાયો મોટી માત્રામાં સિંગલ મોલ્ટસ, શેમ્પેઈન, વાઈન અને બીયરનો સ્ટોક

  • November 18, 2023 12:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૧૦૦ પ્રાઇવેટ જેટ, વીવીઆઈપી મહેમાનો 

૩ ગણા હવાઈ ભાડા અને ૨૯ ગણું હોટેલ ટેરિફ 

ચાર્ટર્ડ પ્લેન માટે સુરત, રાજકોટ અને વડોદરામાં કરાઈ પાર્કિંગની વ્યવસ્થા



૧૯મી નવેમ્બરે આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ જોવા માટે દેશ-વિદેશના વીવીઆઈપી સહિતની હસ્તીઓ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચ જોવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવે તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં અમદાવાદ અને આસપાસના એરપોર્ટ પર ૧૦૦ જેટલા ચાર્ટર પ્લેન લેન્ડ થશે.


અમદાવાદ એરપોર્ટ પર ૩૦ થી ૪૦ ચાર્ટર પ્લેન પાર્ક કરવાની જોગવાઈ છે. આ ચાર્ટર પ્લેન અમદાવાદની આસપાસના એરપોર્ટ પર પણ લેન્ડ થઈ શકશે. પ્રશાસન અત્યારથી જ તેની તૈયારીમાં વ્યસ્ત છે. ૧૯મી નવેમ્બરે મેચ જોવા આવનાર વીવીઆઈપી અને સેલિબ્રિટીના ચાર્ટર્ડ પ્લેન માટે સુરત, રાજકોટ અને વડોદરામાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે.


જો કે મોટાભાગના ચાર્ટર પ્લેન વીવીઆઈપીને અમદાવાદ એરપોર્ટ પર ડ્રોપ કરીને પરત ફરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં યોજાનારી વર્લ્ડ કપની ફાઇનલ મેચ જોવા માટે દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, લક્ષ્મી મિત્તલ, ગૌતમ અદાણી, જિંદાલ ગ્રુપ અને બોલિવૂડના સ્ટાર્સ પહોંચશે. અમદાવાદ ટર્મિનલ ખાતે વીવીઆઈપી માટે ખાસ લોન્જ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમને હોટેલ અને સ્ટેડિયમમાં લઈ જવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઓનલાઈન ટ્રાવેલ પોર્ટલ અનુસાર ૧૮-૨૦ નવેમ્બર સુધીના આ હવાઈ ભાડા અનુક્રમે રૂ. ૪૩,૦૦૦ અને રૂ. ૩૧, ૦૦૦ એટલે ૩૦૦% સુધી વધી ગયા છે. અન્ય શહેરોના હવાઈ ભાડામાં પણ સામાન્ય દિવસોની સરખામણીએ ઓછામાં ઓછો ૧૫૦-૨૦૦%નો વધારો થયો છે.


એચઆરએ પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે, "ક્રિકેટ ટીમના સભ્યો, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના અધિકારીઓ, મીડિયા વ્યક્તિઓ, ટીમના પ્રાયોજકો, કોર્પોરેટ ટાયકૂન્સ, વીવીઆઈપી, સેલિબ્રિટી તેમજ વિશ્વભરના ક્રિકેટ ચાહકો અમદાવાદ આવવાની ધારણા છે. આનાથી માત્ર ફાઇવ સ્ટાર હોટલ માટે જ નહીં પરંતુ અહીંની અન્ય થ્રી સ્ટાર અને ફોર સ્ટાર પ્રોપર્ટીની પણ માંગમાં નોંધપાત્ર વધારો થયો છે."


રાજ્ય સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદી અહીંના સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ જોવાના છે. ઉપરાંત, સ્પોર્ટ્સ લિજેન્ડ્સ, બિઝનેસ ટાયકૂન્સ, બોલિવૂડ સેલિબ્રિટીઝ અને સંગીતકારો શહેરમાં આવવાની અપેક્ષા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "મોટાભાગના ચાર્ટર એરક્રાફ્ટ્સ મુંબઈ અને દિલ્હીથી આવવાની અપેક્ષા છે. ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં સ્થાન મેળવ્યું હોવાથી, દેશભરના ક્રિકેટ ચાહકોમાં આ મેચનો ઉત્સાહ વધારે છે.


દારૂની માંગમાં વધારો, ઇન્ડિયન પ્રીમિયમ વાઈન વિદેશી પ્રવાસીઓની પહેલી પસંદ


અમદાવાદમાં વિશ્વભરમાંથી પ્રવાસીઓ અહીં આવવાની ધારણા છે, ત્યારે ડ્રાય ગુજરાતમાં દારૂની માંગ પાંચ ગણી વધવાની ધારણા છે. અહીં યોજાનારી ભારત-પાકિસ્તાન મેચના થોડા સમય પહેલા જ દારૂના વેચાણમાં આવી જ પેટર્ન જોવા મળી હતી. શહેરમાં એક આલ્કોહોલ શોપના માલિકે જણાવ્યું કે, "મૅચ માટે ઘણા લોકો પહેલેથી જ શહેરમાં આવી ચૂક્યા છે અને અમારા લિકર સ્ટોર પર એક દિવસમાં સરેરાશ ૨૦ વિઝિટર્સ પરમિટ બનાવવામાં આવી છે, પણ હવે અમે એક જ દિવસમાં લગભગ ૧૦૦ પરમિટ રજીસ્ટર કરી રહ્યા છીએ. લિકર સ્ટોર્સે માંગમાં વધારો થવાની અપેક્ષા રાખી હતી અને તે મુજબ, સિંગલ મોલ્ટસ ઉપરાંત મોટી સંખ્યામાં શેમ્પેઈન, વાઈન અને બીયરનો સ્ટોક કરવામાં આવ્યો છે. વિદેશી પ્રવાસીઓ મોટાભાગે ઇન્ડિયન પ્રીમિયમ વાઈન શોધવા આવે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application