પીરિયડ્સ દરમિયાન મહિલાઓને મળશે રજા! સુપ્રીમ કોર્ટમાં ૨૪મીએ સુનાવણી

  • February 16, 2023 04:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તમામ વર્કિંગ વુમન અને ગર્લ સ્ટુડન્ટ્સને 'પીરિયડ્સ' દરમિયાન રજા મળવી જોઈએ તેવી માંગ કરતી અરજી




સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, દેશભરની તમામ વર્કિંગ વુમન અને ગર્લ સ્ટુડન્ટ્સને 'પીરિયડ્સ' દરમિયાન પીરિયડ્સની રજા મળવી જોઈએ. જણાવી દઈએ કે, બુધવારના રોજ સુપ્રીમ કોર્ટમાં આ અરજીની વહેલી સુનાવણીની માંગ કરવામાં આવી હતી, ત્યારબાદ કોર્ટે કહ્યું કે, તે અરજી પર 24 ફેબ્રુઆરીએ સુનાવણી કરવામાં આવશે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, કેટલાક દેશોમાં મહિલાઓને પીરિયડ્સ દરમિયાન કોઈને કોઈ સ્વરૂપે રજાઓ આપવામાં આવે છે. યુનિવર્સિટી કોલેજ લંડનના અભ્યાસ અનુસાર, પીરિયડ્સ દરમિયાન મહિલાઓને હાર્ટ એટેક જેવી જ પીડાનો સામનો કરવો પડે છે.




મહિલાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હવે માત્ર માસિક ધર્મના મુદ્દા પર ગંભીરતાથી ધ્યાન આપવામાં આવી રહ્યું નથી, પરંતુ વિશ્વના વિવિધ દેશોની સરકારોએ સેનિટરી પેડ, ટેમ્પન અને મેન્સ્ટ્રુઅલ કપ જેવી પ્રોડક્ટ્સ પણ ફ્રીમાં આપવાનું શરૂ કર્યું છે.




2018 માં લાંબા અભિયાન બાદ, ભારત સરકારે માસિક સ્રાવ દરમિયાન ઉપયોગમાં લેવાતા ઉત્પાદનો પર 12 ટકા ટેક્સ દૂર કર્યો છે. જો કે, ભારતમાં, પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના (PMBJP) હેઠળ સેનેટરી પેડ્સ દેશભરના કેન્દ્રો પર 1 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ઘણી સરકારી અને બિન-સરકારી સંસ્થાઓ પણ સમયાંતરે મહિલાઓને મફત સેનિટરી પેડ પણ આપે છે.




'મેન્સ્ટ્રુઅલ હાઈજીન એલાયન્સ ઓફ ઈન્ડિયા' (MHAI)નો અંદાજ છે કે, ભારતમાં માસિક સ્રાવવાળી 33.60 કરોડથી વધુ છોકરીઓ અને મહિલાઓ છે અને દેશમાં દર વર્ષે લગભગ 12.3 અરબ સેનિટરી પેડ્સનો ઉપયોગ થાય છે, જેનો નિકાલ કરવામાં 800 વર્ષથી વધુ સમય લાગી શકે છે.




અડધી વસ્તીને અસર કરતી આ સ્વાસ્થ્ય સમસ્યા અંગે વિશ્વભરની સરકારો કેટલી ગંભીર બની છે તેનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે, નવેમ્બર 2020માં સ્કોટલેન્ડ કોમ્યુનિટી સેન્ટર્સ, યુથ ક્લબ અને દવાની દુકાનોમાં વિનામૂલ્યે ટેમ્પન અને સેનિટરી પેડ આપનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે.




અમેરિકાના ઇલિનોઇસ, વોશિંગ્ટન, ન્યૂયોર્ક, ન્યૂ હેમ્પશાયર અને વર્જિનિયામાં પણ આવી જ પહેલ કરવામાં આવી છે. ન્યૂયોર્કે પહેલીવાર 2016માં જાહેર શાળાઓમાં મફત ટેમ્પન અને સેનિટરી પેડ આપવા માટે કાયદો પસાર કર્યો હતો.




આ ઉપરાંત, દક્ષિણ આફ્રિકાએ ઓક્ટોબર 2018 માં ટેમ્પોન પરનો ટેક્સ નાબૂદ કર્યો અને શાળાઓમાં મફત ઉત્પાદનો પ્રદાન કર્યા હતા. ઓગસ્ટ 2017 થી બોત્સ્વાનામાં શાળાઓમાં મફત સેનિટરી પેડ્સ ઉપલબ્ધ હતા. બ્રિટન (2019), દક્ષિણ કોરિયા (2018), યુગાન્ડા (2016) અને ઝામ્બિયા (2017) ની સરકારોએ પણ શાળાઓમાં મફત સેનિટરી પેડ આપવાનું વચન આપ્યું હતું.



નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-V (NFHS-5) અનુસાર, ભારતમાં 15 થી 24 વર્ષની વયજૂથની 64 ટકા મહિલાઓને માસિક સ્રાવ દરમિયાન સેનિટરી પેડ, 50 ટકા કપડા, 1.7 ટકા ટેમ્પન અને 0.3 ટકા મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application