હાલારમાં હજુ ચાર દિવસ ૬૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાશે: ઝાપટાની હવામાન ખાતાની આગાહી
આજે સવારે પણ શહેરમાં વાદળીયુ વાતાવરણ: દ્વારકામાં દરિયામાં કરંટ યથાવત
દક્ષિણ પશ્ર્ચિમ ચોમાસુ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે ત્યારે આગામી ચાર દિવસ સુધી એટલે કે તા.પ જુન સુધી જામનગર સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડશે તેવી હવામાન ખાતાની આગાહી છે. પવનને કારણે ગરમીમાં ઘટાડો થશે, દ્વારકામાં દરિયામાં કરંટ આવ્યો છે. ગઇકાલે ગોમતીઘાટ ઉપર ભારે મોજા ઉછળ્યા હતા. સલામતી માટે બોર્ડ લગાવી દેવામાં આવ્યા હતા. આજ સવારથી જામનગરમાં વાદળો થયા છે કેટલાક ગામડાઓમાં પણ વાદળીયુ વાતાવરણ જોવા મળ્યુ છે. આગાહીને પગલે તંત્ર પણ એલર્ટ બની ગયું છે.
અરબી સમુદ્ર આસપાસ વિસ્તારોમાં ધીરે ધીરે ચોમાસુ આગળ વધે છે. એટલે જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી, સોમનાથ જેવા વિસ્તારમાં વીજળીના ભારે કડાકા ભડાકા થશે અને છૂટા છવાયા ભારે ઝાપટા પડશે. તા.૬ જૂન આસપાસ હવામાન સુકુ રહેશે, તેમ પણ હવામાન ખાતાએ જણાવ્યું છે.
કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા મુજબ મહતમ તાપમાન ૩૭.૪, લઘુતમ તાપમાન ૨૮, હવામાં ભેજ ૬૮, પવનની ગતિ ૪૦ થી ૪૫ પ્રતિ કિ.મી.ની ઝડપે જોવા મળી છે. આજ સવારથી કાલાવડ, ખંભાળીયા, લાલપુર, કલ્યાણપુર, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, દ્વારકા, ફલ્લા, જામરાવલ, ભાટીયા, સહિતના ગામોમાં પણ વાદળા સાથે તડકો છાયો જોવા મળ્યો છે. ભેજ વધુ હોવાને કારણે બફારો વઘ્યો છે.
એક તરફ વાદળો છવાયા છે. ગઇકાલે દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. ગોમતીઘાટ, સંગમ નારાયણ મંદિર, લાઇટ હાઉસ, ભડકેશ્ર્વર બીચ સહિતના વિસ્તારોમાં મોજા ઉછળ્યા હતા. આમ, વાતાવરણમાં આજ સવારથી જ આગાહી મુજબ પલટો આવ્યો છે.