લાલવાડીની જગ્યા પર કોની ટપકી રહી છે ‘લાળ’?

  • July 05, 2023 01:38 PM 

જી.ડી. શાહ સ્કૂલવાળા રસ્તા પર, લાલવાડી ચોકડી નજીક, હાપા રોડ પર આવેલ લાલવાડી આવાસની દૂર્દશા છે એમાં કોઈ શંકા નથી, તાકિદની અસરથી સમારકામ અથવા નવીનીકરણની જરૂરિયાત નકારી શકાતી નથી, પરંતુ અંતરંગ વર્તુળોમાંથી એવું જાણવા મળ્યું છે કે, મોકાની અને કિંમતી બનેલી આ જગ્યા પર પોતાના સપનાના મહેલ ચણવા કેટલાંક ચોક્કસ લોકોની લાળ ટપકી છે અને સમજાવટ-પતાવટથી આ જગ્યા હસ્તગત કરી, ઈમારતો બાંધી, મોટો પ્લાન પાર પાડવાની યોજના અંદરખાને ઘડાઈ હોવાનું જાણવા મળ્યું છે, આવું થાય તેની સામે રોડા નાખવાનો કોઈ હેતુ નથી પરંતુ લાલવાડી આવાસના રહેવાસીઓને જગ્યાની કિંમતના પ્રમાણમાં પૂરેપૂ‚ વળતર મળવું જોઈએ તો જ ન્યાયોચિત ગણાશે.

હાલની તકે મહાનગર પાલિકા તરફથી કે કોઈ સૂત્રો તરફથી લાલવાડી આવાસની જગ્યા તોડી પાડીને નવી બનાવવાની કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી, માત્રને માત્ર ચર્ચાઓ અને ગપગોળા જ ચાલી રહ્યાં છે. અમુક લોકો આવાસની જગ્યાને લઈને અનેક વાતો કરી રહ્યાં છે, અમુક સ્થાનિકોને પણ આ બાબતનો ભય સતાવી રહ્યો છે કે, ડેવલોપમેન્ટના નામે ક્યાંક કોઈ મોટાં માથાં મોટો ખેલ કરીને જગ્યા હસ્તગત ન કરી લે. અમુક લોકો તો આવું થાય ત્યારે લડી લેવા અત્યારથી જ મકકમ બન્યાં છે.


કર્ણોપકર્ણ ચર્ચામાં એવું જાણવા મળ્યું છે કે, મોકાની આ કિંમતી બનેલી જગ્યા કાયદેસર રીતે મેળવીને તેના પર મોટી ઈમારતો ચણવાની અનડિકલેર્ડ યોજના હોવાનું સમજાય છે અને બદલામાં જે તે રહેવાસીઓને જેટલી જગ્યા ઉપયોગમાં લેતાં હોય એટલાં પાકા મકાનો આપી દેવાની પણ મધલાળ તૈયાર રખાઈ હોવાનું કહેવાય છે.

એક લૉબી એવી પણ સક્રિય થઈ છે જે લાલવાડી આવાસના લોકોને ગમે તેમ કરીને એવો ઘૂંટડો ઊતારવા માંગે છે કે, તાત્કાલિક અસરથી જગ્યા ખાલી કરવી જોઈએ, નહીંતો એમના જાન-માલનો ખતરો રહેશે!


સાધના કોલોનીમાં ત્રણ માળની જર્જરિત ઈમારત પડી ગયાં બાદ સ્વાભાવિક રીતે જામનગરમાં રહેલી સવાસોથી વધુ જર્જરિત ઈમારતોમાં વસતા લોકોના મનમાં ક્યાંકને ક્યાંક ખૌફ તો છે જ કદાચ આ ખૌફનો ફાયદો ઉપાડવાના ઈરાદા સાથે લાલવાડી આવાસના લોકોને પણ ભય બતાવવામાં આવી રહ્યો હોવાનું સમજાય છે. કેટલાંક છૂપા દલાલો રહેવાસીઓ પર જગ્યા ખાલી કરાવવા સમજાવટના ડોળમાં ભય પેદા કરવાનો રોલ અદા કરી રહ્યાં હોવાનું પણ સપાટી પર આવ્યું છે.


ટૂંકમાં જર્જરિત ઈમારતોના નવીનીકરણ થાય અને ભય હેઠળ જીવતાં લોકોને પાકા મકાન મળે એ એક સારી બાબત છે, પરંતુ ચોકકસ લોકો આવી ભયજનક ઈમારતોમાંથી પણ મોટો નફો રળી લેવાની જે યોજનાઓ બનાવી રહ્યાં છે તેમાં સ્થાનિકોના હિતને જફા પહોંચવાની ભીતિ રહે છે.


જો આવી યોજનાઓ બને અને માની લો કે કોઈ બિલ્ડરને આવી કિંમતી જગ્યાઓ આપી દેવામાં આવે તો જે હાલના રહેવાસીઓ છે એમને માત્ર મકાન જ નહીં સાથે-સાથે હાલની બજાર કિંમત પ્રમાણે વળતર પણ મળવું જોઈએ તો જ એમના સાથે ન્યાય થયો ગણાશે, ગુજરાત સરકાર અને જામ્યુકોના ઉચ્ચ અધિકારીઓ તથા પદાધિકારીઓએ ચાલી રહેલી છૂપી યોજના સંબંધે વિગતો મેળવવી જોઈએ અને આવા કોઈ મનસુબા પાર ન પડે એ જોવાની જવાબદારી આ બધાંની રહે છે એવું લાલવાડીના સ્થાનિક રહીશોનું માનવું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application