જામનગર જિલ્લામાં કોંગ્રેસ અને લઘુમતીઓ વચ્ચે ખાઇ ખોદવાની કોની રાજકીય ચાલ ?

  • February 28, 2023 05:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અંદરોઅંદરની ટાંટીયા ખેંચ કેન્દ્રીય કક્ષાના આગેવાનોની ચૂપકીદી, પ્રદેશ કક્ષાના આગેવાનોના આંખ મીંચામણા અને જિલ્લા કક્ષાના કહેવાતા ટોંચના આગેવાનોના છુપા જ્ઞાતિવાદના પાપે જામનગર જિલ્લામાં અને દ્વારકામાં કોંગ્રેસ મરણ પથારીએ પહોંચી ગઇ છે, હમણા પાછલી ચૂંટણીમાં જ કોંગીના ખેરખાઓને ભુંડેહાલ પરાજયનો સામનો કરવો પડયો, એ તાજુ છે ત્યારે વાસ્તવમાં કોંગ્રેસ પક્ષને જબરદસ્ત નુકશાન પહોંચાડે એવી ગતિવિધી જામનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા અપનાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે અને ચોકકસ ઇરાદા સાથે લઘુમતિ સમુદાય તથા કોંગ્રેસ પક્ષ વચ્ચે અંતર વધારવાના રાજકીય સોગઠા ગોઠવાયા છે જેના ભાગરૂપે સિકકાના પાંચ કર્મઠ કોંગી આગેવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની વ્યાપક ચર્ચા સિકકામાં ઉઠી છે, આ સંબંધે પ્રદેશ કક્ષાએ પણ નોંધ લેવામાં આવે એ પ્રકારે સમગ્ર સત્ય, હકીકતો રજૂ કરવાની તૈયારીઓ પણ ચાલી રહી છે, આમ કોંગીમાં હોળી પહેલા હોળી શરૂ થઇ ગઇ છે. 



વિધાનસભાની ચૂંટણીમાં કોંગીના થયેલા કરૂણ રકાશનું ઠીકરૂ બીજા પર ફોડવા માટે અને પોતાની નબળાઇને સંતાડવા માટે કહેવાતી પક્ષ વિરોધી પ્રવૃતિનું બહાનુ આગળ ધરીને સિકકા નગરપાલિકા પ્રમુખ જુસબ યાકુબ બારૈયા, અબ્દુલ કાદરબાપુ, ઇકબાલભાઇ સુમરા, વલીમોમદ સીદીક મલેક સહિતના સિકકાના આગેવાનોને બે-ત્રણ દિવસ પહેલા સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ સિકકામાં ચોરેને ચોટે રોષ સાથે એવી ચર્ચા થઇ છે કે, પોતાની ભુંડી અને કારમી હારને બીજાના ગળામાં પહેરાવવા માટે ચોકકસ લોબી દ્વારા માત્ર લઘુમતી સમુદાયને ટાર્ગેટ કરવામાં આવી રહેલ છે અને કોંગ્રેસથી વિમુખ કરીને આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વધુ નુકશાન પહોંચાડવાની કોંગ્રેસની અંદર બેઠેલા શતરંજના ખેલાડીઓની રમત હોવાનું પણ માનવામાં આવે છે. 


જામનગર જિલ્લામાં પાછલી વિધાનસભાની ચૂંટણીમાં માત્ર સિકકા નહીં લગભગ મોટાભાગની બેઠકો પર કોંગ્રેસ સામે પક્ષ વિરોધી પ્રવૃતિ થઇ, તેમાંના કોઇને પણ સજા દેવાની હિંમત કહેવાતા જિલ્લાના સંગઠનના સુત્રધારો અને કોંગ્રેસના પ્રદેશ આગેવાનો કરી શકયા નથી, માત્ર સિકકાને જ ટાર્ગેટ બનાવીને ચોકકસ ઇરાદા સાથે સસ્પેન્ડ કરવાનું રાજકીય પગલું લેવામાં આવ્યું છે જે આગળ ચાલીને કોંગ્રેસ માટે ભારે નુકશાનકારક સાબીત થઇ શકે છે. 


દા.ત. સિકકાની વાત કરીએ તો જુસબ યાકુબ બારૈયા પાંચ વર્ષ સિકકા શહેરના પ્રમુખ રહી ચુકયા છે, અઢી વર્ષ સિકકા નગરપાલિકાના પ્રમુખ રહ્યા છે, આ જ રીતે અબ્દુલ કાદરબાપુ સિકકા ન.પા.ના કારોબારી ચેરમેન તો રહ્યા જ છે પરંતુ ૨૦ વર્ષથી કોંગી સાથે જોડાયેલા છે, ઇકબાલભાઇ સુમરા તો વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને વલીમોમદભાઇનો આખો પરીવાર અને મોટો સમુહ કોંગ્રેસનો વફાદાર રહ્યો છે. 


આવા કર્મઠ આગેવાનો અને નિવડેલા લોકોને કોંગ્રેસમાંથી દુર કરાવીને વાસ્તવમાં જિલ્લાના કોંગીના સુત્રધારો તથા પ્રદેશ કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસને જ જબરૂ નુકશાન પહોંચાડી રહ્યા છે, કારણ કે આ સિકકાની આગ ધીમે-ધીમે આગળ વધીને જામનગર તથા દેવભૂમિ દ્વારકા સુધી પહોંચશે અને કોંગીને મરણતોલ ફટકો લાગશે, કારણ કે લઘુમતી સમુદાયમાં કોંગ્રેસ સામે વિધાનસભાની ચૂંટણી સમયથી જ અસંતોષ છે. 


અત્રે નોંધનીય છે કે, જિલ્લા કોંગ્રેસના કહેવાતા શુરવીરો માત્ર લઘુમતિ આગેવાનો સામે જ શિસ્તનો દંડો પછાડી રહ્યા છે, ધ્રોલ ખાતે એક કોંગીજન દ્વારા ભાજપના પ્રદેશ પ્રમુખનું સન્માન પણ કરવામાં આવ્યું હોવાના પુરાવા છે પરંતુ એમને સસ્પેન્ડ કરવાની હિંમત કરી શકાઇ નથી, આ તમામ બાબતો સિકકામાં વ્યાપક પણે ચર્ચાનો વિષય બની છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application