ત્યારે માણસ શું કરતો હશે?

  • December 12, 2023 01:26 PM 

સોએક વર્ષ પછી માણસ શું કરતો હશે? પ્રશ્ન વિચિત્ર લાગ્યો ને? માણસ શું કરતો હોય, ખાતો હોય પીતો હોય, કમાતો હોય, વ્યવસાય કે નોકરી કરતો હોય, પરિવારનું ગુજરાન ચલાવતો હોય, મનોરંજન મેળવતો હોય, હરતો ફરતો હોય,આસ્તિક હોય તો પ્રભુભજન કરતો હોય, નાસ્તિક હોય તો ચાર્વાકની જેમ દેવું કરીને ઘી પીતો હોય, રમતો રમતો હોય, કસરત કરતો હોય, ગાતો-નાચતો હોય, વિચારતો હોય. માણસ તો આવું જ બધું કરે ને? અત્યારે જે કરે છે તે ત્યારે કરતો હશે, થોડું અલગ રીતે, અલગ પરિસ્થિતિમાં, અલગ ટૂલ્સ વડે કરતો હશે પણ હશે તો બધું આવું ને આવું જ એવું લાગે છે ને? લાખો વર્ષથી માણસ આ બધું કરતો આવ્યો છે તો હવે પછીના માત્ર ત્રણ સો વર્ષમાં શું બદલાઈ જવાનું હતું? જયારે માનવજાતના અસ્તિત્વની ચર્ચા કરવામાં આવે ત્યારે ત્રણ સો વર્ષનો ગાળો ટૂંકો, ખૂબ જ ટૂંકો ગણાય. એમાં થયેલા ફેરફારો આમૂલ ન હોય.



પ્રશ્ન ફરી એ જ પૂછીએ, શું કરતો હશે માણસ ત્રણસો વર્ષ પછી? જયારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીનો બધા જ કામ કરતા હશે ત્યારે માણસ શું કરતો હશે? મશીનો કારખાના ચલાવતા હશે, મશીનો ઉત્પાદન કરતા હશે, મશીનો ભણાવતા હશે, મશીનો જ મનોરંજન પ્રોડયુસ કરતા હશે, મશીનો જ સારવાર કરતા હશે, મશીનો જ ન્યાય તોળતા હશે, મશીનો જ નિર્ણયો લેતાં હશે ત્યારે માણસ શું કરતો હશે? માણસ પાસે કરવા જેવું કશું રહ્યું હશે ખરું? એવું ન કહેતા કે મશીનોએ માણસોનું નિકંદન કાઢી નાખ્યું હશે. એવું થવાની સંભાવના નથી. સાયન્સ ફિકશનોમાં આ જોખમને એટલું હાઈલાઈટ કરી દેવામાં આવ્યું છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એવું કશું ન કરી શકે એની પુરી વ્યવસ્થા કરીને માણસ બેઠો હશે. માણસ એટલું મીંઢું, ક્રૂર, નિર્મમ અને સ્વાર્થી પ્રાણી છે કે તે મશીનોને આવું કશું કરવા યોગ્ય રહેવા દે તેવો નથી. એટલે એ સંભાવના અત્યાર પુરતી ભુલી જાઓ. અત્યારે તો મશીનો માણસના કહ્યાગરા ગુલામો હોય એ રીતે વર્તતા હોય તેવી સ્થિતિની કલ્પના કરવી છે. વા વાસીંદુ વાળે અને પવન પાણી ભરે એવી વ્યવસ્થા મશીનોએ કરી હોય ત્યારે માણસ શું કરતો હશે એની જ ચર્ચા કરવી છે.



સામાન્ય રીતે માણસ શું કરતો હોય છે? પ્રાણીઓ શું કરે છે અત્યારે? તેમના જીવનના મકસદ શું હોય? આહાર, નિદ્રા, સંતાનોત્પતિ અને અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ. આદીમ સમયમાં માણસ જયારે પ્રાણી જેવો હતો ત્યારે તે પણ આટલું જ કરતો હતો. ધીમે ધીમે માણસ વિકસતો ગયો, એના જીવનના ધ્યેય બદલાતા ગયા અને તે આના સિવાયના કામ પણ કરતો થયો. અત્યારનો માણસ જે કશું કરે છે તેને સાત ભાગમાં વહેંચી શકાય. ઉત્પાદન, આજીવિકા, જ્ઞાન, રક્ષણ, મનોરંજન, સત્તા અને સેકસ. આ સાત વિભાગની બહાર કશું જ જતું નથી. ભોગ અને ઉપભોગ માટે માણસ અન્નથી માંડીને વસ્તુઓ સુધીની કરોડો ચીજોનું ઉત્પાદન કરે છે. આ ઉત્પાદનો ખરીદવા માટેના નાણા મેળવવા માણસ આજીવિકા રળે છે, નોકરી, વ્યવસાય વગેરે દ્વારા. આ આજીવિકા માટે માણસ જ્ઞાન અર્જીત કરે છે, ભણે છે, શીખે છે, ઘડાય છે, સમજે છે, વિચારે છે. એના દ્વારા માણસ સુવિધાઓ મેળવે છે. અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેને આવાસથી માંડીને તબીબી સારવાર અને સૈનિકો સુધીની અનેક બાબતોની જરૂર ઉભી થાય છે. સુખ મેળવવા માટે માણસ મનોરંજનનો આશરો લે છે. વંશવેલો ચલાવવા અને આનંદ માટે માણસ સેકસ કરે છે. એની સાથે પ્રેમ વગેરે લાગણીઓને જોડે છે. પોતાની મહત્તા સ્થાપિત થાય અને પોતાનું ધાર્યું થાય એ માટે તે સત્તા મેળવવા પ્રયત્નો કરે છે અને સત્તા દ્વારા અન્યો કરતા પોતાની જાતને વિશેષ સાબિત કરે છે. સત્તા દ્વારા અહમ, વેર, ઈર્ષા વગેરે વૃત્તિઓને પોષે છે. માણસ વૃત્તિઓ દ્વારા દોરાનાર છે. એટલે પ્રેમ, લાગણી, સંવેદના, કરુણા, ઈર્ષા, વેર, મોહ, મત્સર, અભિમાન વગેરે દર્શાવતો રહે છે.
હવે જયારે ત્રણ સો વર્ષ પછી મશીન જ બધું કરતાં હશે, મશીનો જ માણસને જે જોઈએ તે બધું જ પૂરું પડતા હશે ત્યારે આમાંનું શું બચશે? ખાસ કશું જ નહીં. ઉત્પાદન મશીન કરતાં હશે, આજીવિકા રળવા મહેનત કરવાની જરૂર નહીં હોય, લગભગ યુટોપિયા જેવો સમાજ હશે અથવા ડિસ્ટોપિયા જેવો બની ગયો હશે. બંને અંતિમોમાં કમાવાની તો પળોજણ જ ન હોય. જગતના તમામ રીસોર્સ ઉપર સમાન અધિકાર હોય એવી સ્થિતિ સર્જાય તો કોઈએ કમાવું ન પડે, તેમને પોતાનો હિસ્સો આપોઆપ મળી જાય. ભણાવવાનું, જ્ઞાન મેળવવાનું જરૂરી નહીં રહે. કારણકે કમાવાની ચિંતા નહીં હોય. રક્ષણની વ્યવસ્થા સંપૂર્ણપણે હશે. મનોરંજનની ઉણપ નહીં હોય, એમાં માણસે ખાસ કશું કરવાનું રહેશે નહીં. માણસ અભિનય કરે એ વિચાર જ જૂનો થઈ ગયો હશે. એઆઈ એવું અદભૂત અને ક્રિએટીવ કન્ટેન્ટ બનાવતી હશે જેની કલ્પના પણ ન કરી શકાય. સત્તા જેવી ચીજ પણ નહીં રહે. સરહદો ભુંસાઈ જશે. જીવન ટકાવી રાખવા માટે કોઈ સંઘર્ષની જરૂરિયાત નહીં હોય. આ કશું જ કરવાનું ન હોય તો માણસ પાસે શું બાકી બચશે? એ જ જુની આદીમ ચીજો: આહાર, નિદ્રા અને સેકસ. આનો અર્થ તો એ થયોને કે માણસ પ્રાણી બની જશે.



તમે કહેશો કે માણસ પ્રાણી નહીં બને કારણકે તે વિચારે છે. આપણો મુળ મકસદ જ અહીં સુધી પહોંચવાનો હતો. વિચાર નામનો માણસનો છેલ્લો કિલ્લો પણ ધ્વસ્ત થઈ જશે અને એ કામ મશીનો નહીં કરે, માણસ પોતે કરશે. માણસ જ વિચારવાનું બંધ કરી દેશે અને એટલે તે પ્રાણી જેવો બની જશે. અથવા વેજીટેબલ બની જશે. કોચ પોટેટો. શા માટે માણસ નવું વિચારવાનું બંધ કરશે? શા માટે માણસના વિચાર મરી જશે? અત્યાર સુધી માણસ વિચારતો શા માટે આવ્યો છે? માણસની બુદ્ધિ શા કારણે વિકસી છે? પ્રોબ્લેમ સોલ્વીંગને કારણે. સમસ્યા આવે એમાંથી માર્ગ કાઢવા માટે નવા નવા રસ્તા વિચારવામાં આજે, જોખમ આવે તેમાંથી બચવા માટેના ઉપાય વિચારવામાં આવે, સુખ મેળવવા માટે નવું વિચારવું પડે, સુવિધાઓ કમ્ફર્ટ મેળવવા માટે વિચારવું પડે. આદીમ કાળથી આ બધું કરતાં કરતાં માનવીની બુદ્ધિ વિકસી છે. તેની વિચારવાની ક્ષમતા વિકસી છે. ટાસ્ક અને પડકારને લીધે વિચારવાની શક્તિ તેજ થઈ છે. ત્રણ સો વર્ષ પછી જયારે માણસ સામે કોઈ પડકાર જ નહીં હોય, કોઈ ટાસ્ક નહીં હોય, કોઈ સંઘર્ષ નહીં હોય ત્યારે એને વિચારવાની જરૂર જ નહીં રહે. ત્યારે માનવજાતની ચાર પાંચ પેઢી એવી જતી રહી હશે જે એઆઈના યુગમાં જન્મી અને મૃત્યુ પામી હશે. પેઢીઓમાં વિચારવાનું ક્રમશ: ઓછું થતું ગયું હશે અને અંતે લગભગ બંધ જ થઈ ગયું હશે. માણસ એક પરોપજીવી જીવડા જેવો બની જશે. જો વિચાર બંધ થઈ જશે. માનવજાતનું પતન ત્યારે શરુ થશે જયારે એને વિચારવાની આવશ્યકતા નહીં રહે, જયારે તે વિચારવાનું બંધ કરી દેશે.


અત્યારે એઆઈનો જન્મ થઈ રહ્યો છે ત્યારે માણસને બચાવવા માટે તેનો વિચાર કરવાની ક્ષમતા બચી રહે એવી વ્યવસ્થા જો નહીં થાય તો માણસનું આ જ ભવિષ્ય હશે, જયારે મશીનો વેજીટેબલ જેવી માણસજાતને જીવાડતા હશે, વેન્ટીલેટર પર પડેલા દેહની જેમ. એઆઈ માણસની નોકરીઓ ઝુંટવી લે તે એટલું મોટું જોખમ નથી કારણકે નોકરીઓ ઝુંટવીને પણ મશીનો કામ તો માનવજાત માટે જ કરશે ને. જોખમ ત્યારે પેદા થશે જયારે માણસ પોતે પોતાના છેલ્લા ગઢને છોડી દેશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application