તમારો મનપસંદ રંગ ક્યો છે ? જાણો રંગને આધારે તમારી પર્સનાલિટી : સૌરાષ્ટ્ર યુનિ.ના મનોવિજ્ઞાન ભવનનો રંગની પસંદગી અને વ્યક્તિત્વ પર સર્વે

  • April 03, 2023 09:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સૌરાષ્ટ્ર યુનિ.ના મનોવિજ્ઞાન ભવન દ્વારા એક અનોખો જ સર્વે કરવામાં આવ્યો છે. રંગની પસંદગીની વ્યક્તિત્વ પર ક્યાં પ્રકારની અસર પાડે છે તે અંગે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થિની કર્તવી ભટ્ટ દ્વારા આ સર્વે કરવામાં આવ્યો છે.




આપણી આસપાસ ઘણા રંગો હોય છે પરંતુ તેમાંથી આપણને કોઈ એક ખાસ રંગ વધારે પસંદ હોય છે. આ પસંદગીનો રંગ આપણા કપડાથી લઈને આસપાસની ઘણી બધી વસ્તુઓમાં જોવા મળતો હોય છે. આ રંગોની પસંદગી વ્યક્તિની સાયકોલોજી વિશે ઘણું બધું કહે છે. રંગનું મનોવિજ્ઞાન વ્યક્તિના વર્તનને રંગો સાથે જોડી અભ્યાસ કરે છે. તેનો ઉપયોગ મોટી મોટી કંપનીઓ પણ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે કરે છે.




લાલ રંગ પસંદ કરનાર લોકોનું જાણો વ્યક્તિત્વ

લાલ રંગને સૌથી વધારે આકર્ષિત રંગ માનવામાં આવે છે. આ રંગ તરત જ લોકોનું ધ્યાન તેમના તરફ આકર્ષિત કરે છે. જો લાલ રંગ વધારે પસંદ હોય તો એ તમારા વ્યક્તિત્વ વિશે ઘણું બધું દર્શાવે છે.  આ સંબંધોમાં વ્યક્તિના વર્તન વિશે પણ ઘણું દર્શાવે છે. જેમને લાલ રંગ પસંદ હોય તેઓને નવા રિસ્ક લેવા પણ પસંદ હોય છે. લાલ રંગ પેશન અને ખતરો બંને દર્શાવે છે. આ જ બે ગુણો આ રંગ પસંદ કરનાર વ્યક્તિના વ્યક્તિત્વમાં પણ જોવા મળે છે. આવા લોકો નવા પ્રયોગો કરવાનું પસંદ કરતા હોય છે અને તેના માટે કોઈપણ ખતરામાં પડવા પણ તૈયાર હોય છે. જોકે તેના કારણે તેઓ ઘણી વખત મુશ્કેલીમાં પણ પડી જતા હોય છે પરંતુ કંઈ મેળવવા માટેની તેમની પ્રબળ ઈચ્છા/પેશન તેમને મુશ્કેલીમાંથી બહાર લાવવામાં પણ મદદ કરે છે અને સફળતા અપાવે છે.



મોટાભાગના બાળકો લાલ રંગને પસંદ કરે છે. આ રંગ પસંદ કરનાર  લોકો બહિર્મુખી, આશાવાદી, ઊર્જાવાન અને આત્મવિશ્વાસ ધરાવતા હતા. તેઓ હંમેશા નવી બાબતો જાણવાની ઈચ્છા ધરાવતા હોય છે અને તેઓ પોતાના લક્ષ્યને મેળવવા માટે ઘણી મહેનત કરવા તૈયાર હોય છે. લાલ રંગ પહેરવાથી વ્યક્તિ ઉત્તેજિત થાય છે એટલે જ ઘણી વખત રમત રમતી વખતે ખેલાડીઓને લાલ રંગ પહેરાવવામાં આવે છે જેથી તેમનો જીતવા માટેનો જુસ્સો વધારી શકાય. લાલ રંગ પ્રેમ, જનુન અને ઈચ્છા સાથે જોડાયેલો છે. એક અભ્યાસમાં એ પણ જોવા મળ્યું હતું કે, લાલ કપડા, લિપસ્ટિક અને નેઇલ પોલિશ કરનાર સ્ત્રીઓ વિજાતીય આકર્ષણ સારું કરી શકે છે.



લાલ રંગ પસંદ કરનાર લોકો ના ઓરા ઘણા શક્તિશાળી હોય છે. તેઓ કોઈ જગ્યા પર જો પ્રવેશ કરે છે તો લોકોનું ધ્યાન તેમના તરફ જરૂરથી આકર્ષે છે. તેમનો બહિર્મુખી સ્વભાવ અને હંમેશા કંઈક નવું કરવાની તેમની ઈચ્છા લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે. તેમની આસપાસ શું ચાલી રહ્યું છે તેનાથી તેઓ માહિતગાર હોય છે. આવી વ્યક્તિ નેતૃત્વ ની ભૂમિકા ખૂબ સારી રીતે નિભાવી શકે છે. લાલ રંગ પ્રતિષ્ઠા સાથે પણ જોડાયેલ છે એટલે જ "રેડ કાર્પેટ" રાખવામાં આવે છે, જે વ્યક્તિની પ્રતિષ્ઠા દર્શાવે છે. લાલ રંગ પસંદ કરનાર વ્યક્તિઓ પ્રેમમાં તેમના સાથી પર વર્ચસ્વ મેળવવાનું પસંદ કરતા હોય છે. આ બાબત કોઈ નકારાત્મક રીતે નહીં પરંતુ તેમના સાથીને સુરક્ષિત રાખવા માટે અને સંબંધમાં રોમાંચ જાળવી રાખવા માટે કરે છે. તેમ છતાં ઘણી વખત તેમના સાથીદારો આ સમજી શકતા નથી કારણ કે તેમને આ વર્તન પોતાના પર નિયંત્રણ મેળવવા થતું હોય તેવું લાગે છે.




માનવ મન પર લાલ રંગની સકારાત્મક અસર:

- હૃદયના ધબકારા, શ્વાસ, મેટાપોલિઝમ અને ભૂખ ને ઉત્તેજિત કરે છે.
- વ્યક્તિને લાગણીશીલ અને ઉત્તેજિત બનાવે છે.
- આત્મવિશ્વાસમાં વધારો કરે છે.
- નવા કાર્યો કરવા માટે પ્રેરિત કરે છે.
- વ્યક્તિને આકર્ષિત હોવાનો આત્મવિશ્વાસ વધારે છે.



માનવ મન પર લાલ રંગની નકારાત્મક અસર:
- ચીડિયાપણામાં વધારો કરે છે.
- ઝડપથી ગુસ્સો અપાવે છે.
- વધારે પડતું લાગણીશીલ બનાવે છે.
- ઘણી વખત સતત લાલ રંગ જોવાથી વ્યક્તિની આંખ ખેંચાઈ છે.




વાદળી રંગ પસંદ કરનાર લોકોનું જાણો વ્યક્તિત્વ

જે વ્યક્તિને વાદળી રંગ પસંદ હોય તેવો ખૂબ ઊંડા વિચાર કરનારા હોય છે. તેઓ દરેક બાબતો વિશ્લેષણ કરવાનું પસંદ કરતા હોય છે. આ રંગ પસંદ કરતા લોકો દરેક બાબતને તર્ક સાથે જોડીને જુએ છે. આવી વ્યક્તિ ઉત્સાહી, સહાનુભૂતિશીલ, વાતચીત કરનાર, દયાળુ, આદર્શવાદી, નિષ્ઠાવાન અને કલ્પનાશીલ હોય છે. તેઓ પોતાની અને તેમની આસપાસના લોકોની કાળજી રાખવાનું વલણ ધરાવે છે. તેઓ સંબંધો સારી રીતે સાચવી શકે છે. તેઓ અન્યની વાત શાંતિથી સાંભળી શકે છે અને શાંતિથી પ્રતિક્રિયા આપવાનું પસંદ કરે છે. તેઓ અન્ય લોકોની લાગણી ને તેમજ વાતને મહત્વ આપે છે. તેઓમાં સ્વમૂલ્યનો ગુણ હોય છે તેમજ તેઓ પોતાની સિદ્ધિઓને ઓળખી શકવા સક્ષમ હોય છે. તેઓ વિશ્વાસપાત્ર હોય છે. આવી વ્યક્તિ અન્યને માર્ગદર્શન તેમજ નવી તકો આપવાનું પસંદ કરે છે.

વાદળી રંગ પસંદ કરતી વ્યક્તિ એકતા, અખંડિતતા અને પ્રામાણિકતાનું મહત્વ જાળવી રાખે છે. તેઓ રોમેન્ટિક અને અન્યની કાળજી રાખનાર હોય છે. આવી વ્યક્તિનો સ્વભાવ રોમેન્ટિક હોય છે, તેમને ફૂલો, કેન્ડલલાઇટ ડિનર, સંગીત સાંભળવું અને ગમતી વ્યક્તિઓ સાથે સમય પસાર કરવો વધારે પસંદ હોય છે. તેમના માટે સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આવી વ્યક્તિ અંગત સંબંધોમાં રૂઢિચુસ્ત વિચારો ધરાવે છે અને વિશ્વાસપાત્ર બનવાનું વલણ રાખે છે. ઉપરાંત સામેની વ્યક્તિ પાસેથી પણ સમાન ગુણોની અપેક્ષા રાખે છે. વાદળી રંગ પસંદ કરનાર વ્યક્તિ લાગણીશીલ હોય છે અને સાથે તેમનો મૂડ સ્વિંગ ઝડપથી થાય છે.

વાદળી રંગ પસંદ કરનાર વ્યક્તિને એક જ કામ લાંબો સમય કરવામાં મુશ્કેલી લાગે છે. તેઓ પોતાનું કાર્ય ઝીણવટ ભર્યું, વિશ્લેષણાત્મક તેમજ વ્યવસ્થિત કરવાનું પસંદ કરે છે. તેઓમાં લોકો વચ્ચે સમાધાન કરાવવાનું સારો ગુણ હોય છે. તેઓ પોતાના કાર્યનો આનંદ સારી રીતે માણી શકે છે તેમજ પોતાના વિચારોને વધારે લોકો સુધી પહોંચાડવા તેઓ પ્રયત્ન કરતા હોય છે. વાદળી રંગ પસંદ કરતી વ્યક્તિ નો સૌથી મહત્વનો ગુણ તે હોય છે કે તેઓ આસપાસના લોકોને હંમેશા મદદ કરવાનું વલણ ધરાવે છે તેમજ બધાને સાથે જોડીને રાખવાનો ગુણ ધરાવે છે. એટલે કે તેમ કહી શકાય કે તેઓમાં સમસ્યાઓને ઉકેલવાની ક્ષમતા સારી હોય છે.




લીલો રંગ પસંદ કરનાર લોકોનું જાણો વ્યક્તિત્વ

લીલો રંગ પસંદ કરનાર લોકોનું વ્યક્તિત્વ ઘણું અલગ હોય છે. તેઓ તણાવ મુક્ત અને શાંત રહી દરેક બાબતને ધીરજ સાથે જોઈ શકે છે. કોઈપણ બાબતને જોવાનો તેમનો દ્રષ્ટિકોણ બધા કરતા અલગ હોય છે. તેઓનું દૃષ્ટિ કોણ સકારાત્મક જોવા મળે છે. આ રંગ પસંદ કરતા લોકોમાં ગુસ્સાનું પ્રમાણ ઓછું જોવા મળે છે.

લીલો રંગ પસંદ કરતી વ્યક્તિમાં પ્રકૃતિ પ્રેમ વધારે જોવા મળે છે. તેઓ ડાઉન ટુ અર્થ વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ સ્થિર રહી પરિસ્થિતિમાં સંતુલન લાવી શકે છે. તેઓ લાગણીશીલ હોવાથી ક્યારેક બેચેન બની જાય છે. લીલો રંગ પસંદ કરતી વ્યક્તિ દયાળુ અને ઉદાર હોય છે. કટોકટી ની પરિસ્થિતિમાં તેમની સલાહ ઘણી વખત ઉપયોગી બનતી હોય છે કારણ કે તેઓ શાંત રહી પરિસ્થિતિને સમજીને તેનો ઉકેલ લાવવાનું વલણ ધરાવે છે અને પરિસ્થિતિ ઉકેલાઈ ન જાય ત્યાં સુધી તેના પર નિયંત્રણ રાખી શકે છે.

લીલો રંગ પસંદ કરતી વ્યક્તિ અન્યની સંભાળ રાખવાનું પસંદ કરે છે અને ઘણી વખત તેના માટે પોતાની જરૂરિયાતોની અવગણના પણ કરે છે. તેઓ બુદ્ધિશાળી હોય છે અને નવી બાબતો શીખવાનું પસંદ કરે છે. તેઓ નવી બાબતોને ઝડપથી સમજી અને શીખી શકે છે. તેઓ પ્રેમાળ હોય છે અને સામેથી પણ પ્રેમની ઈચ્છા રાખે છે. તેઓ લાગણીશીલ હોય છે અને ઘણી વખત તેમની લાગણીઓ છુપાવવા માટે અસક્ષમ બની જતા હોય છે. લીલો રંગ પસંદ કરનાર વ્યક્તિ સમાજમાં સારી રીતે તાલમેલ સાધી શકે છે. દરેક સામાજિક પરિસ્થિતિમાં તેઓ સમાયોજન સાધી શકે છે. તેઓને સમાજના લોકો સાથે મળવાનું પસંદ હોય છે. તેઓના નૈતિક ધોરણો ઉચ્ચ હોય છે અને યોગ્ય રીતે કાર્ય થાય તેને મહત્વ આપે છે. આવી વ્યક્તિ સમાજમાં લોકો સાથે સારી રીતે હળી મળી શકે છે અને લોકોને સમજવામાં પણ સક્ષમ હોય છે અને આ જ કારણે ઘણી વખત સમાજ દ્વારા તેમની પ્રસંશા પણ કરવામાં આવતી હોય છે. તેઓ વફાદારી પૂર્વક તેમજ વિશ્વાસ પૂર્ણ મિત્ર બની શકવા સક્ષમ હોય છે.

લીલો રંગ પસંદ કરનાર વ્યક્તિ જુસ્સાથી નહીં પરંતુ શાંતિપૂર્વક કાર્યને પૂર્ણ કરવામાં માનનારા હોય છે. તેઓની ઈચ્છા શક્તિ ખૂબ જ પ્રબળ હોય છે. તેઓ પોતાની વાત કરવાની કળાથી ઘણી વખત દલીલો સારી રીતે જીતી શકતા હોય છે. તેઓ ખાવાના શોખીન હોય છે. ખોટા જોખમ ઉપાડવા તેમને પસંદ હોતા નથી. તેઓ નિરીક્ષણ કર્યા બાદ પ્રતિક્રિયા આપવાનું પસંદ કરે છે. તેઓ વ્યવસાય સારી રીતે કરી શકે છે. આવી વ્યક્તિને લાંબી વિગતો કરતા ઝડપ થી થતી પ્રક્રિયા વધારે પસંદ હોય છે. તેઓ કોઈ નવું કાર્ય શરૂ કરતાં પહેલાં તેને વિચારી, વ્યવસ્થિત યોજના બનાવી ત્યારબાદ તેનો અમલ કરે છે.

લીલો રંગ પસંદ કરતી વ્યક્તિ એક ઉત્તમ કાઉન્સેલર, મનોવૈજ્ઞાનિક, સામાજિક કાર્યકર બની શકે છે કારણ કે તેઓમાં સહાનુભૂતિ, સ્પષ્ટતા, વિશ્લેષણ કરવાની ક્ષમતા, શાંતિથી સાંભળવાની ક્ષમતા અને દરેક પાસાને જોઈને નિર્ણય લેવાની ક્ષમતા વધારે હોય છે. તેઓ પોતાની જાતને અન્યોની જગ્યા પર મૂકીને તેમને સમજવાનો પ્રયત્ન કરે છે.

લીલો રંગ પસંદ કરનાર વ્યક્તિનું વ્યક્તિત્વ નિખાલસ અને બધાને સાથે રાખવાની ભાવના ધરાવે છે. તેઓ મિલન સાર હોય છે. તેઓનું વ્યક્તિત્વ શાંત હોય છે. તેઓ અસરકારક, નમ્રતા તેમજ ધીરજ સાથે કાર્યને પાર પાડે છે. તેઓની સર્જનાત્મક શક્તિ સારી હોય છે. તેઓ પોતાના ધ્યેય ની દિશામાં અડગ રહી રસ્તો બનાવી શકે છે. લીલો રંગ પસંદ કરતી વ્યક્તિનું નકારાત્મક પાસું છે કે તેઓ ક્યારેક ઈર્ષા નો ભોગ બને છે.

લીલો રંગ એ પીળા અને વાદળીનું મિશ્રણ હોવાને કારણે, સ્પષ્ટતા અને આશાવાદ સાથે પીળા રંગની ભાવનાત્મક શાંતિ અને સૂઝ, પ્રેરક આશા અને ઉદારતા ધરાવે છે. આવી વ્યક્તિને સાચા ખોટા ની સમજ ખૂબ સારી હોય છે. તેઓ દરેક ભાષાને સમજીને સાવધાની પૂર્વક નિર્ણય લે છે.




પીળો રંગ પસંદ કરનાર લોકોનું જાણો વ્યક્તિત્વ

પીળો રંગ પસંદ કરતા લોકોની સાથે અન્ય લોકોને હળવા મળવાનું પસંદ પડે છે. આવી વ્યક્તિ કે મિલનસાર અને સારી કલ્પનાશક્તિ ધરાવતી હોય છે. તેઓ ઉત્સાહી અને સકારાત્મક હોય છે. આવી વ્યક્તિ ઊંડા તેમજ ધારદાર વિચારો ધરાવે છે અને તેમના વિચારોને કોઈ દબાવી રાખે તે તેમને પસંદ નથી.

પીળો રંગ પસંદ કરતી વ્યક્તિનું વ્યક્તિત્વ તેજસ્વી અને ખુશાલ હોય છે તેઓ મૈત્રી પૂર્ણ હોય છે પરંતુ તેઓ નાના જૂથમાં રહેવાનું વધારે પસંદ કરે છે. તેઓનું વ્યક્તિત્વ રમુજી હોય છે અને સર્જનાત્મક શક્તિ તેમનામાં સારી હોય છે. તેઓની સર્જનાત્મક શક્તિ દ્વારા તેઓ નવા વિચારો સૂચવી શકે છે.

પીળો રંગ પસંદ કરતી વ્યક્તિ આશાવાદી હોય છે પરંતુ તેમની પાસે વિશ્લેષણાત્મક વિચારસરણીનું સ્તર નીચું હોય છે. તેઓ નિર્દોષ વ્યક્તિત્વ ધરાવે છે. તેઓમાં વાતચીત કરવાની કળા સારી હોય છે અને તેના દ્વારા તેઓ વધારે લોકો ને પોતાની તરફ આકર્ષિત કરી શકે છે.

પીળો રંગ પસંદ કરનાર વ્યક્તિને પડકારોનો સામનો કરવો પસંદ હોય છે અને તેઓ દરેક બાબતનું વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કરે છે. તેઓ સતત કાર્યશીલ રહેવાનું પસંદ કરે છે. તેઓ કોઈપણ કાર્ય ગણતરીપૂર્વક, પદ્ધતિસર અને વ્યવસ્થિત કરવાનું પસંદ કરે છે. તેઓ વધુ પડતા સાવધાન, ભયભીત અને લાગણીશીલ હોય છે. અને આજ લક્ષણોને કારણે ઘણી વખત તેઓ વધારે પડતા વિચારો કરી બેસે છે. તેઓ લક્ષ પ્રાપ્તિ માટે શારીરિક શક્તિના બદલે મનનો વધારે ઉપયોગ કરે છે. તેઓ વિચારોમાં દ્રઢતા ધરાવે છે.




કાળો રંગ પસંદ કરનાર લોકોનું જાણો વ્યક્તિત્વ

કાળો રંગ પસંદ કરનાર વ્યક્તિના વ્યક્તિત્વ વિશે અંદાજ લગાવવો મુશ્કેલ હોય છે. તેઓ અન્યની પસંદ અને પ્રતિષ્ઠાને સ્વીકારી શકે છે. તેઓ કયા સમયે શું કરશે તેનો અંદાજ લગાવવો ખૂબ અઘરો હોય છે. આ રંગ પસંદ કરનાર વ્યક્તિ ઝડપથી ગુસ્સે થઈ શકે છે.

કાળો રંગ પસંદ કરનાર વ્યક્તિ રૂઢિચુસ્ત હોય છે. તેઓમાં અહંકારનું પ્રમાણ વધારે જોવા મળે છે. તેઓ સ્વતંત્ર રહેવાનું પસંદ કરે છે. તેઓને અન્ય સાથે કોઈ બાબતો વહેંચવાનું પસંદ પડતું નથી. તેવું મોટાભાગે સત્તા મેળવવા માટેના પ્રયત્નો કરતા હોય છે. તેઓ ઘણી વખત તેમની લાગણીને કારણે અનિયંત્રિત વર્તન કરી બેસે છે.

કાળો રંગ પસંદ કરનાર વ્યક્તિનું વ્યક્તિત્વ આકર્ષિત પરંતુ લોકોમાં આભા બનાવે તેવું હોય છે. તેઓ પોતાની ઈચ્છા પ્રત્યે ખૂબ જ સજાગ હોય છે અને સતત પ્રયત્નશીલ હોય છે. તેઓ અડગ રહી કોઈપણ કાર્ય પૂર્ણ કરી શકે છે. આવી વ્યક્તિ ખુશહાલ, બહિર્મુખી તેમજ વધારે લોકોની સાથે હળી મળી શકે છે. તેઓ સાહસિક હોય છે અને ભૂલો કરતા ડરતા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application