કાલાવડના આણંદપરના મર્ડર કેસમાં વોન્ટેડ આરોપી ઝડપાયો

  • July 05, 2023 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડના આણંદપર ગામે જમીનની તકરારમાં અપહરણ કરી હત્યા કરવાના ૧૪ વર્ષ જુના કેસમાં વોન્ટેડ આરોપી ગજેન્દ્રસિંહ ઠાકુરને રાજકોટ રૂરલ એલસીબીએ યુપીના આગ્રામાંથી ઝડપી લીધો હતો. મુળ જુનાગઢનો આ શખ્સ નામ બદલાવી રહેતો હતો.
આરોપી ગજેન્દ્રસિંહ ઉર્ફે સોનુ આગ્રાની ફેકટરીમાં સંજુ સિસોદીયા નામ ધારણ કરી ડ્રાઇવર તરીકે નોકરી કરતો હોવાની ચોકકસ માહિતીના આધારે એલસીબીના પીએસઆઇ આર.કે. ગોહીલ અને ટીમે રીક્ષાચાલકનો સ્વાંગ રચી સતત બે દિવસ સુધી તપાસમાં રહયા બાદ તેને ઝડપી લીધો હતો.


આ કેસની વિગત એવી છે કે હત્યાનો ભોગ બનનાર ચનાભાઇ જેસડીયા તેના ભાઇઓ મકનભાઇ અને ભુરાભાઇ કાલાવડ તાલુકાના આણંદપર ગામે રહેતા હતા તેમની સંયુકત રીતે ૧૧૫ વિઘા ખેતીની જમીન હતી. ભુરાભાઇને લગ્નજીવનમાં અણબનાવ થતા તેની પત્ની મણીબેન બાળકોને લઇ માવતર નારણકા ગામે જતી રહી હતી ત્યારબાદ ભુરાભાઇના પુત્રો જીવરાજ અને બાબુ રાજકોટ રહેવા આવતા રહયા હતા આ દરમ્યાન ભુરાભાઇએ આણંદપર ગામે ભાગમાં આવેલી ખેતીની જમીન પોતાના બંને ભાઇઓ ચનાભાઇ અને મકનભાઇને વેચી દીધી હતી પરંતુ તુના પુત્ર બાબુએ પિતાની જમીનમાંથી ભાગ માગવા કાકા ચનાભાઇ વિરુઘ્ધ કોર્ટમાં કેસ કર્યો હતો. જેમાં હારી જતા તેનો ખાર રાખી તા. ૧૧-૭-૨૦૦૯ના રોજ સવારે પોતાના મળતીયાઓ સાથે મળી આણંદપર ગામેથી કાકા ચનાભાઇનું અપહરણ કરી ગોંધી રાખ્યા હતા જે અંગે ચનાભાઇના પુત્ર રમેશે કાલાવડ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.


તપાસ દરમ્યાન એવું ખુલ્યુ હતું કે ચનાભાઇનું એસ્ટીમ કારમાં અપહરણ કરી લીધા બાદ ખરેડી ગામના મગનભાઇ સાંગણીની વાડીએ ગોંધી રાખી આરોપી કરણ ઉર્ફે પોલો બાઠાભાઇ મેર અને અન્ય આરોપીઓએ મળી માર મારતા ચનાભાઇનું મોત નિપજયુ હતું ત્યારબાદ આરોપી કરણ અને ગજેન્દ્રસિંહ મૃતક ચનાભાઇના મર્ડર અંગે પોલીસને કોઇ પુરાવા ન મળે તે માટે તેની લાશ કારમાં નાખી ચાણી નદીમાં ફેકી દીધી હતી.


તે વખતે ભારે ચર્ચાસ્પદ બનેલા આ કેસમાં પોલીસે બાબુ, ધર્મેશ પોપટ સાંગાણી, મુળુ બાઠાભાઇ મેર, છગન નાગજી જેસડીયા, મગન શંભુ સાંગાણી, પરેશ પોપટ સાંગાણી, કરણ ઉર્ફે પોલો બાઠાભાઇ મેર વગેરેની અટકાયત કરી હતી જયારે મુખ્ય આરોપી પૈકીનો એક ગજેન્દ્રસિંહ ઉર્ફે સોનુ આજ સુધી હાથમાં આવ્યો નહતો આખરે તેને ઝડપી હવે કાલાવડ પોલીસને સોપી દેવાયો છે એલસીબીના સુત્રોએ જણાવ્યુ કે આરોપી કરણ અને ગજેન્દ્રસિંહે જમીન કબજે કરવા માટે રૂ. ૭ લાખની સોપારી લીધી હતી આરોપીઓનો ઇરાદો હત્યા કરવાનો ન હતો પરંતુ વધુ માર મારતા ચનાભાઇનું મોત નિપજયુ હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application