રાજકોટ માર્કેટ યાર્ડમાં શાકભાજીના ભાવ મહિનાની સૌથી નીચી સપાટીએ

  • April 25, 2023 05:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉનાળુ વાવેતરનું શાકભાજી બજારમાં આવતા ભાવમાં કડાકો

અમુક શાકભાજીનો ભાવ પ્રતિ કિલોના રૂ.૧૦થી નીચે: કેસર, રાજાપુરી, તોતા કેરીની પુષ્કળ આવક




રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટ માર્કેટ યાર્ડમાં ઉનાળુ વાવેતરનું શાકભાજી ઠલવાતા ભાવમાં જબરો કડાકો બોલી ગયો છે. યાર્ડમાં આજે સવારે થયેલી હરરાજીમાં શાકભાજીના ભાવ એક મહિનાની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયા હતા. અમુક શાકભાજીના ભાવ તો પ્રતિ કિલોના રૂ.૧૦થી નીચે સુધી આવી ગયા છે.



રાજકોટ માર્કેટ યાર્ડના ઇન્સ્પેકટર કાનાભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે હાલમાં જળાશયોમાં પુષ્કળ પાણી ઉપલબ્ધ હોય હવે ઉનાળુ વાવેતરનું શાકભાજી બજારમાં ઠલવાતા સ્થાનિક ગ્રામ્ય વિસ્તારોમાંથી લીલાછમ શાકભાજીની મબલખ આવક શરૂ થતાં આવકો વધવાને કારણે ભાવ ઘટવા લાગ્યા છે. હાલ સુધી રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી તેમજ આંતર રાજ્ય આવકો થતી હોવાને કારણે ભાવ વધુ રહેતા હતા.



જ્યારે રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગના વેપારી અશોકભાઇ ડોબરીયાએ જણાવ્યું હતું કે શાકભાજીની સ્થાનિક આવકો વધવાને કારણે ભાવ ઘટ્યા છે તેમજ કેરીની સીઝન હોવાને કારણે સામાન્ય રીતે આ દિવસોમાં શાકભાજીનો ઉપાડ ઘટતો હોય છે. તેમણે ઉમેર્યું હતું કે માર્ચ મહિનાની સરખામણીએ હાલ એપ્રિલમાં યાર્ડમાં શાકભાજીની આવક ડબલ અને ભાવ અડધા ગયા છે.



હાલમાં ગીર પંથકમાંથી કેસર, વલસાડ પંથકમાંથી રાજાપુરી તેમજ તોતા કેરીની પુષ્કળ આવકો થઇ રહી છે. ગ્રીન સલાડ તેમજ અથાણા માટેની કેરી ધૂમ ખરીદી થઇ રહી છે. અલબત્ત યાર્ડની હોલસેલ માર્કેટમાં ભાવ ઘટવા છતાં શહેરની રિટેઇલ શાક માર્કેટ્સ તેમજ સોસાયટીઓમાં શાકભાજી વેંચતા ફેરિયાઓ તો હજુ પણ ઉંચા દામ વસૂલી રહ્યા છે. એક તરફ આવક વધતા ભાવ ઘટવાને કારણે ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી અને ભાવ ઘટવા છતાં ગ્રાહકોને બજારમાં સસ્તું શાકભાજી મળતું નથી વચેટીયાઓ જ માલામાલ થઇ રહ્યા છે.



યાર્ડની આજે સવારની હરરાજીના ભાવ શાકભાજી-પ્રતિ કિલોનો ભાવ રૂ.

લીંબુ---૫૦થી ૭૦

ગુવાર---૪૦થી ૪૫

મરચા---૨૦થી ૨૫

કારેલા---૨૦થી ૩૦

ગલકા----૧૦થી ૧૫

ઘીસોડા---૨૦થી ૨૨

ચોળી----૩૦થી ૩૫

ચોળા----૨૦થી ૨૫

કેસર કેરી---૧૦થી ૧૨

તોતા કેરી---૧૨થી ૧૫

રાજાપુરી કેરી---૫૦થી ૫૫

દૂધી---૮થી ૯

કોબી---૫થી ૯

મરચી---૨૦થી ૨૫

બીટ---૫થી ૭

ટમેટા---૭થી ૧૫

કાકડી---૧૫થી ૨૦

રિંગણા---૧૦થી ૧૮

વાલ---૩૦થી ૩૫

વાલોર---૨૦થી ૨૫



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application