અનોખું શિવમંદિર : રાજકોટમાં પોણા ચારસો વર્ષ જૂના સોમનાથ મહાદેવ મંદિરમાં રહે છે કાચબા

  • August 22, 2023 12:09 PM 

અનોખું શિવમંદિર : રાજકોટમાં પોણા ચારસો વર્ષ જૂના સોમનાથ મહાદેવ મંદિરમાં રહે છે કાચબા


શ્રાવણ મહિનો શરૂ થતાની સાથે જ હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા છે. ત્યારે સદીઓ જુનું એક મંદિર રાજકોટમાં આવેલું છે. જ્યાં જીવીત કાચબાના આજે પણ દર્શન થાય છે.  અહિંયા પોણા 400 વર્ષથી કાચબા છે. જેથી આ મંદિર કાચબા મંદિર તરીકે ઓળખાઈ છે.


જોકે આવા દૃશ્યો તમને આખા સૌરાષ્ટ્રમાં રાજકોટમાં આજી નદીના કાંઠે આવેલા બેડીનાકા પાસે ખડપીઠ રોડ પર આવેલા સોમનાથ મહાદેવના મંદિરમાં જોવા મળે છે. મંદિરમાં સ્થાપના થઇ ત્યારથી અહીંયા કાચબા છે. શરૂમાં કોઇ કાચબાની એકી જોડી મૂકી ગયું હતું. તેમાંથી કાચબાની સંખ્યા વધતી ગઇ. મુખ્યત્વે ધૂળિયામાં કાચબા તરીકે આ ઓળખાતા આ કાચબા મહાદેવનું પ્રતિક હોય તેને જ મંદિરમાં સ્થાન આપવામાં આવ્યું. પછીથી આ મંદિર કાચબા મંદિર કે કાચબાની જગ્યા તરીકે ઓળખાવા લાગ્યુ હતું.


આ અંગે મંદિરના પૂજારી કમલેશભાઈએ જણાવ્યું હતું કે, રાજકોટમાં બેડીનાકા ટાવર પાસે નદીના કાંઠે મહાદેવનું કાચબાનું મંદિર આવેલું છે. પોણા 400 વર્ષ જૂનું આ મંદિર છે. પહેલા અહીં ગીરીબાપુ હતા અને તેની સમાધિ પણ મંદિરમાં આવેલી છે. તેઓએ જીવતી સમાધિ લીધી હતી અને સમાધિમાં 7 દિવસ સુધી જીવતા હતા. બાદમાં તેમના ચેલાએ મંદિરનું સંચાલન સંભાળ્યું અને વર્ષો બાદ અમારા વંશ પરંપરા મુજબ હાલ અમે મહાદેવની પૂજા-અર્ચના કરીએ છીએ. વર્ષો પહેલા પોણા ત્રણસો કાચબાઓ એક રૂમમાં હતા. હજી પણ કાચબાઓ મોટી સંખ્યામાં છે. નામ સોમનાથ મહાદેવ રાખ્યું છે પણ મંદિર કાચબા મંદિર તરીકે જાણીતું છે. 


કોઈપણ શિવજીના મંદિરમાં જતાની સાથે સૌ પ્રથમ પોઠીઓ અને ત્યારબાદ કાચબા ના દર્શન થતા હોય છે.. કોઠીયો એ શિવજીનું વાહન માનવામાં આવે છે જ્યારે કાચબો એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. ભગવાન શંકરે પોઠિયા (નંદી)ની જેમ કાચબાને પણ મંદિરમાં સ્થાન આપેલું છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે, કાચબો એ જ્ઞાનનું પ્રતીક છે. જેમ કાચબો પોતાના પગ અને મોઢું સંકોચી લે છે તેમ માણસોએ મહાદેવના દર્શન કરતા પહેલા સારા ખરાબ વિચારો પડતા મૂકીને તમામ ઇન્દ્રિય ઓ સંકોચી લઇ સંયમ જાળવવો જોઇએ એટલે કે કાચબાના દર્શન પછી તેની પાસેથી જ્ઞાન અને સંયમની શિક્ષા લઇ પછી જ લોકો મહાદેવના દર્શન કરી શકશે તેવું વરદાન ભગવાન શંકરે કાચબાને આપ્યું હતું એટલે જ મહાદેવના તમામ મંદિરમાં કાચબાનું પ્રતીક જોવા મળે છે. જ્યારે આ અનોખા મંદિરમાં કાચબાના પ્રતીક નહી પણ જીવતા કાચબાના દર્શન કરી શકાય છે. ત્યારે રાજકોટમાં આવેલા આ મંદિરમાં જીવતા કાચબા એ આસ્થા સાથે આકર્ષણનું કેન્દ્ર પણ બન્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application