UN રિપોર્ટ : જળ સંકટના પગલે વૈશ્વિક તણાવ અને અસ્થિરતામાં સતત વધારો  

  • March 26, 2024 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



અહેવાલ 'યુએન વર્લ્ડ વોટર ડેવલપમેન્ટ રિપોર્ટ, 2024'માં થયા ચોકાવનારા ખુલાસા : મહિલાઓ થઇ સૌથી વધુ પ્રભાવિત


સંયુક્ત રાષ્ટ્રએ વિશ્વ જળ દિવસ નિમિત્તે જાહેર કરાયેલા અહેવાલમાં ચેતવણી આપી છે કે, વિશ્વમાં વધતા જતા જળ સંકટના કારણે વૈશ્વિક તણાવ અને અસ્થિરતામાં વધારો થઇ રહ્યા છે. યુએન દ્વારા જાહેર કરાયેલા અહેવાલ 'યુએન વર્લ્ડ વોટર ડેવલપમેન્ટ રિપોર્ટ, 2024'ની થીમ 'વોટર ઈઝ એશેન્શીયલ ફોર પીસ એન્ડ પ્રોસ્પેરીટી' રાખવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વમાં શાંતિ માટે બધા માટે સ્વચ્છ પાણીની ઉપલબ્ધતા જરૂરી છે. હાલમાં વિશ્વમાં લગભગ ચોથા ભાગની વસ્તી એટલે કે 2.2 અબજ લોકોને પીવાનું શુદ્ધ પાણી નથી મળતું અને 3.5 અબજ લોકોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ સ્થિતિમાં જીવવું પણ મુશ્કેલ છે.


અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પાણીની કટોકટીનો પ્રથમ ભોગ મહિલાઓ બની છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓને ઘણી મુશ્કીલોનો સામનો કરવો પડે છે, કારણ કે પરિવાર માટે પાણી લાવવાની અને સંગ્રહ કરવાની જવાબદારી મુખ્યત્વે તેમના પર રહે છે. અહેવાલો અનુસાર, ગામડાઓમાં છોકરીઓને દૂરથી પાણી લાવવા માત્રે દિવસમાં ઘણા કલાકો પસાર કરવા પડે છે, આ કારણે તે શાળાએ પણ નથી જઈ શકતી.


યુનેસ્કોના વડા ઓડ્રે અઝોલે જણાવ્યું હતું કે, “પાણીની ઉપલબ્ધતાના અભાવે વિશ્વમાં માત્ર ભૌગોલિક રાજકીય તણાવની સ્થિતિ જ નથી ઉભી થઈ રહી છે, પરંતુ તેના કારણે મહિલાઓ અને છોકરીઓની બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીએ તો તે માનવાધિકારના ઉલ્લંઘનનું પણ એક મોટું કારણ છે. “વિશ્વભરમાં સ્થળાંતરનું મુખ્ય કારણ પાણીની અછત છે અને જ્યાં વિસ્થાપિત લોકો સ્થાયી થાય છે ત્યાંના સંસાધનો પર દબાણ લાવે છે. રિપોર્ટમાં સોમાલિયામાં થયેલા એક અભ્યાસને ટાંકવામાં આવ્યો છે જેમાં વિસ્થાપિત લોકોના જૂથ સામે મહિલા ઉત્પીડન અને હિંસામાં 200 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, વિશ્વમાં ઓછામાં ઓછા 10 ટકા વૈશ્વિક સ્થળાંતર જળ સંકટ સાથે સંકળાયેલા છે. હવે જ્યારે વિશ્વમાં આબોહવા સંબંધિત અનિયમિતતાઓ વધી રહી છે, ત્યારે તેને સંબંધિત સ્થળાંતર પણ વધશે તે નિશ્ચિત છે.



ગરીબ દેશોમાં 80 % નોકરીઓ પાણી પર આધારિત


અહેવાલ મુજબ, જળ સંકટથી સૌથી વધુ પ્રભાવિત ગરીબ દેશો એવા છે કે જેમની પાસે જળવાયુ પરિવર્તનને અનુરૂપ થવા માટે પૂરતા સાધનો નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગરીબ દેશોમાં 80 % નોકરીઓ પાણી પર નિર્ભર છે, કારણ કે અહીં રોજગાર ક્ષેત્ર કૃષિ પર નિર્ભર છે. જ્યારે વિકસિત દેશોમાં પાણી પર રોજગારની નિર્ભરતા માત્ર 50 %  છે. આવી સ્થિતિમાં, ગરીબ દેશોમાં જળ સંકટ સમગ્ર અર્થતંત્રમાં સંકટ અને તણાવ પેદા કરે છે, જે વિશ્વમાં અસ્થિરતાનું કારણ બને છે. વિશ્વના 140 ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોને પીવાલાયક પાણી અને સ્વચ્છતા પ્રદાન કરવા માટે વાર્ષિક રૂ. 9529 બિલિયન ખર્ચ થશે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સમૃદ્ધ દેશોમાં પણ જળ પ્રદૂષણની સમસ્યાનો અંત આવ્યો નથી. ખેતીનું દૂષિત પાણી અહીં ગંભીર પડકારો સર્જી રહ્યું છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application