તા.૧લી મેથી સિટી બસ બંધ કરવા અલ્ટીમેટમ

  • April 27, 2023 06:44 PM 

અમદાવાદની સંચાલક એજન્સીએ રાજકોટ મહાપાલિકાને ત્રીજી નોટિસ આપી હાથ ઉંચા કર્યા !

કોરોનાકાળમાં આર્થિક નુકસાની, મનપા તરફથી ઓછું પેમેન્ટ, વારંવાર વધુ પડતી પેનલ્ટી, આગોતરી જાણ કર્યા વિના વારંવાર રૂટમાં ફેરફાર, બસો બદલી નાખવી, વ્યવસાયિક પ્રતિષ્ઠાને નુકસાની સહિતના કારણો આગળ ધર્યા: એન.ઓ.સી. આપી સેવામાંથી મુક્ત કરવા માંગણી રજૂ




રાજકોટ મહાનગરપાલિકાની સિટી બસ સેવા બંધ કરવા સંચાલક એજન્સીએ તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવીને અલ્ટીમેટમ આપ્યુ હોવાનું જાણવા મળે છે. અમદાવાદની સંચાલક એજન્સીએ આ મામલે ત્રીજો પત્ર પાઠવીને હવે આગામી તા.૧-૫-૨૦૨૩થી સિટીબસ સેવા સ્થગિત કરવા પત્રમાં જણાવ્યું છે.



વિશેષમાં મહાપાલિકાના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાજકોટમાં સિટી બસ સેવાની સંચાલક અમદાવાદની એજન્સીએ રાજકોટ મ્યુનિ.કમિશનરને ચાર પેઇજનો વિસ્તૃત પત્ર પાઠવી તેમાં વિવિધ કારણો આગળ ધરીને આગામી તા.૧-૫-૨૦૨૩ને સોમવારથી સિટી બસ સેવાનું ઓપરેશન સ્થગિત કરવા જણાવ્યું છે, ખાસ કરીને કમિશનરને પાઠવેલા પત્ર ઉપર નોટિસ-૩ તેવા શબ્દનો પણ ઉલ્લેખ પણ કર્યો છે.



મ્યુનિ.કમિશનરને પાઠવેલા પત્રમાં વિવિધ મુદાઓનો ઉલ્લેખ કર્યો છે જેમાં કોરોનાકાળ દરમિયાન આર્થિક નુકસાની, એસ્યોર્ડ કિલોમીટરની ગણતરી મનમાની મુજબ કરવી, ઓછું અને વિલંબથી પેમેન્ટ આપવું, સતત પેનલ્ટી કરવાને લીધે થતું આર્થિક તેમજ વ્યવસાયિક પ્રતિષ્ઠાને નુકસાન, અગાઉ જાણ કર્યા વિના જ ગમે ત્યારે ફેરફારો કરવા જેમાં રૂટ લંબાવવા, ટૂંકાવવા, રદ કરવા જેવી બાબતો ઉપરાંત વગર નોટીસએ બસો બદલવી, બોનસ બિલ બાબતે અસંતોષ, દર મહિને બીલની વિલંબિત ચુકવણી, અન અધિકૃત પ્રકારની પેનલ્ટી કરવી જેવી બાબતોની રજુઆત કરવામાં આવી છે અને આગામી તા.૧લી મેથી સેવા સ્થગિત કરવાનું જણાવ્યું છે અને આ માટે જરૂરી એન.ઓ.સી. આપવા પણ માંગણી કરી છે. આગામી ૬૦ દિવસમાં બસ પાર્કિંગ ડેપો પણ ખાલી કરીને સુપરત કરી દેવાની ખાતરી આપી છે.



સિટી બસ સેવામાં આઠ કટકીબાજ કંડકટર ઝડપાયા; એજન્સીઓને રૂ.૩,૩૪,૭૭૫નો દંડ

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત જાહેર પરિવહન સેવામાં તા.૧૭ થી તા.૨૩ એપ્રિલ સુધીમાં સિટી બસમાં કુલ ૧,૮૯,૧૦૮ મુસાફરો અને બી.આર.ટી.એસ.બસમાં કુલ ૧,૯૦,૯૫૫ મુસાફરોએ મુસાફરી કરી હતી. વિશેષમાં મહાપાલિકાના અધિકારી સૂત્રોએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે રાજકોટ રાજપથ લિમિટેડ દ્વારા શહેરીજનોને ૪૭ રૂટ પર ૧૧૭ સિટી બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે. સિટી બસ સેવામાં તા.૧૭-૪-૨૦૨૩ થી તા.૨૩-૪-૨૦૨૩ દરમિયાન કુલ અંદાજીત ૧,૧૯,૮૪૨ કિ.મી. ચાલી હતી તથા કુલ ૧,૮૯,૧૦૮ મુસાફરોએ મુસાફરી કરી હતી. જ્યારે સિટી બસમાં થયેલ દંડનીય કાર્યવાહીઓમાં સિટી બસ સેવામાં બસ ઓપરેટર શ્રી મારૂતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ કુલ ૮,૫૨૫ કિ.મી.ની પેનલ્ટી મુજબ રૂ.૨,૯૮,૩૭૫ની પેનલ્ટી કરવામાં આવી છે, જ્યારે સિટી બસ સેવામાં ફેર કલેક્શન કરતી એજન્સી અલ્ટ્રામોડેન કામમાં ક્ષતિ બદલ કુલ રૂ.૩૬,૪૦૦ની પેનલ્ટી આપવામાં આવેલી છે. સિટી બસ સેવાની કામગીરીમાં ગેરરીતી-અનિયમિતતા સબબ કુલ આઠ કંડક્ટરને ટેમ્પરરી સસ્પેન્ડ કરાયા હતા. ચેકીંગ દરમિયાન કુલ ૧૧ મુસાફરો ટીકીટ વગર જણાયેલ જેમાં તેમની પાસેથી રૂ.૧૨૧૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application