મોડાસાના મેઘરજમાં મોડીરાત્રે બે જૂથ વચ્ચે પથ્થરમારો, વાહનોમાં તોડફોડ, એક હોમગાર્ડ સહિત 6ને ઈજા, પોલીસના ધાડેધાડા ઉતારાયા

  • December 07, 2024 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોડાસાના મેઘરજમાં ગતમોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. સામાન્ય બોલાચાલી બાદ બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. બાદમાં ઉશ્કેરાયેલા ટોળાએ વાહનોમાં તોડફોડ કરી હતી. ઘટનાની જાણ થતા જ મધરાતે પોલીસ દોડતી થઈ ગઈ હતી. જૂથ અથડામણની આ ઘટનામાં એક હોમગાર્ડ સહિત છ લોકોને ઇજા પહોંચી છે. શાંતિ ન ડહોળાય એ માટે ઘટનાસ્થળ સહિત આખા મેઘરેજમાં પોલીસના ધાડેધાડા ઉતારી ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.




સામાન્ય બોલાચાલી ઉગ્ર રૂપ ધારણ કરી લીધું
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મેઘરજમાં જૂના બસ સ્ટેન્ડની સામે ગામ તરફ જવાના રસ્તે ગત મોડીરાત્રે બે જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉશ્કેરાયો હતો. જે બાદ બંન્ને જૂથ સામસામે આવી જતા પથ્થરમારો અને તોડફોડ શરૂ થઈ હતી અને ઘટનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેની જાણ આજુબાજુના સ્થાનિકોએ પોલીસને કરતા ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.


​​​​​​​

ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે અજંપાભરી શાંતિ
આ મામલે હજુ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ શાંતિ ન ડહોળાય એ માટે હાલમાં અરવલ્લી જિલ્લા પોલીસ વડા, ASP, Dy.SP, LCB, SOG સહિત મોટી સંખ્યામાં જિલ્લાભરની પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હાલ મેઘરજનગરમાં ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે અજંપાભરી શાંતિનું વાતાવરણ છે, આ જૂથ અથડામણ ક્યાં કારણોસર થયું એ કારણ પોલીસ તપાસ બાદ જાણી શકાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application