BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા : ભીમરાણા ગામના બે બુટલેગરો પાસાના પાંજરે પુરાયા

  • April 18, 2026 12:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા : ભીમરાણા ગામના બે બુટલેગરો પાસાના પાંજરે પુરાયા


દ્વારકા એલસીબી દ્વારા સાબરમતી અને જુનાગઢ જેલમાં ધકેલાયા


દ્વારકા એલસીબી દ્વારા પાસા વોરન્ટની બજવણી કરીને ભીમરાણાના બે શખ્સને સાબરમતી અને જુનાગઢ જેલમાં મોકલી આપ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આઠ સામે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યુ હતું. પાસા હેઠળની દરખાસ્તો મંજુર થતા અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.


દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભીમરાણા ગામના બે પ્રોહી બુટલેગરો સામે પોલીસ વિભાગ દ્વારા પાસા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓના અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા માટે રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાએ અસામાજિક તત્વો, માથાભારે ઈસમો તેમજ દારૂ-જુગારના બુટલેગરો અને ક્રૂર વ્યક્તિઓ વિરુદ્ધ કડક હાથે કામગીરી કરવા માટે સૂચના આપી હતી. આ સૂચનાના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ. જોષીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એમ. દેવમુરારીએ જિલ્લાના ટોપ મોસ્ટ ગુનેગારોની માહિતી એકત્રિત કરી હતી અને પ્રોહી બુટલેગરો સામે પાસા દરખાસ્તો તૈયાર કરવામાં આવી હતી.  


આ સમગ્ર દરખાસ્તોનો ઊંડાણપૂર્વક અભ્યાસ અને અવલોકન કર્યા બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર રાજેશ એમ. તન્નાએ સમાજમાં દારૂના દૂષણને રોકવા અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવી રાખવાના ઉદ્દેશ્યથી પાસા દરખાસ્ત મંજૂર કરીને અટકાયત વોરંટ ઈશ્યુ કર્યા હતા. આ વોરંટ મળતા જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ. જોષીના નેતૃત્વમાં કઈઇની ટીમે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓને રાઉન્ડ અપ કરીને અલગ-અલગ જેલ હવાલે કર્યા હતા.  


આ કાર્યવાહી અંતર્ગત મયુરસિંહ ઉર્ફે પાકલ મનુભા જાડેજા (રહે. ભીમરાણા ગામ, ખારા વિસ્તાર, તા. દ્વારકા, જિ. દેવભૂમિ દ્વારકા) ને સાબરમતી મધ્યસ્થ જેલ, અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યો છે. તેમજ બીજા આરોપી દિલીપસિંહ વિરાજી જાડેજા (રહે. ભીમરાણા ગામ, તા. દ્વારકા, જિ. દેવભૂમિ દ્વારકા) ને જિલ્લા જેલ જુનાગઢ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News