તુર્કી-સીરિયામાં મૃત્યુઆંક 40,000ને પાર, 2 કરોડથી વધુ લોકોનું સ્થળાંતર

  • February 15, 2023 05:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ભારતે રાહત અને બચાવ સામગ્રી ભરેલાં વિમાનો મોકલ્યા તુર્કી અને સીરિયામાં ગઈ 6 ફેબ્રુઆરીની વહેલી સવારે શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ બાદ બંને દેશમાં ભારે તબાહી સર્જાઈ છે. અનેક ઈમારતો અને રહેણાંક એપાર્ટમેન્ટ ધરાશાયી છે. જે બાદ કાટમાળમાંથી લાશો નીકળવાનો સિલસિલો યથાવત છે.આ ભૂકંપે તુર્કીના અનેક શહેરોને તબાહ કરી નાખ્યા છે. આ મુશ્કેલીના સમયમાં જિવીત રહેલાં અનેક લોકો બેઘર બન્યા છે. બંને દેશમાંથી મૃતકોની સંખ્યા 40 હજારને પાર પહોંચી ચૂકી છે. તો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કહેવામાં આવ્યું કે, સીરિયામાં રેસ્ક્યુ ઓપરેશન બંધ થવા જઈ રહ્યું છે. પ્રાપ્ત મીડિયા રિપોર્ટ મુજબ, તુર્કીમાં કાટમાળમાંથી 9 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. હવે રેસ્ક્યુ એવા લોકો પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે કે જેઓની પાસે કડકડતી ઠંડી અને ભોજન તથા રહેવાની કોઈ વ્યવસ્થા નથી. તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગને કહ્યું કે, ભૂકંપ બાદ હવે સ્થિતિ કાબુમાં છે. તુર્કીના રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, ભૂકંપથી મૃત્યુઆંક 40 હજારને પાર થઈ ગયો છે. સાથે જ બે કરોડથી વધુ લોકો પહેલેથી જ પ્રભાવિત વિસ્તાર છોડી ચૂક્યા છે અને સેંકડો ઈમારતો ખંડેર બની ચૂકી છે. એક ટીવી ભાષણમાં તેઓએ જણાવ્યું કે, આપણે ન માત્ર પોતાના દેશ પરંતુ માનવતાના ઈતિહાસમાં સૌથી મોટી પ્રાકૃતિક મુશ્કેલીમાંની એકનો સામનો કરી રહ્યાં છીએ. તુર્કીમાં રાહત અને બચાવ કાર્યમાં જોતરાયેલી ભારતીય સેનાના મેજર બીના તિવારીએ કહ્યું કે, શરુઆતમાં દર્દીઓમાં શારીરિક ઈજાઓ જોવા મળી હતી, પરંતુ હવે તે બદલાઈ રહી છે. તેઓએ કહ્યું કે, ભૂકંપ દરમિયાન હવે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરના દર્દીઓ સામે આવી રહ્યાં છે. સીરિયામાં સંયુક્ત રાષ્ટ્ર સહાયનો પહેલો કાફલો બાબ અલ સલામ ક્રોસિંગના માધ્યમથી તુર્કીના વિદ્રોહીઓના કબજા હેઠળના ઉત્તર પશ્ચિમ સીરિયામાં પ્રવેશ્યો હતો. સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદે સોમવારે સંયુક્ત રાષ્ટ્રની સહાયને તુર્કીથી બે વધુ સીમા પારથી પ્રવેશ કરવાની મંજુરી આપી હતી. પ્રાપ્ત મીડિયા રિપોર્ટ મુજબ, સીરિયામાં 5814 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે. સંયુક્ત રાષ્ટ્રે કહ્યું કે, સીરિયામાં લગભગ 90 લાખ લોકો ભૂકંપથી પ્રભાવિત થયા છે, કારણ કે તેણે 400 મિલિયન ડોલરની ફંડીગની અપીલ કરી હતી. તુર્કી અને સીરિયામાં રાહત તથા બચાવ કાર્ય માટે એનડીઆરએફની ટીમો તૈનાત છે. જેઓ રેસ્ક્યુ ઓપરેશનથી લઈને સારવાર સુધીની સેવા આપી રહી છે. સેનાના સી-17 ગ્લોબમાસ્ટર વિમાન દ્વારા તુર્કી અને સીરિયામાં મોબાઈલ, હોસ્પિટલ, દવાઓ અને અનેક રાહત સામગ્રીઓથી ભરેલી પાંચ ફ્લાઈટ મોકલવામાં આવી ચૂકી છે. આ સિવાય સી-130 જે વિમાન દ્વારા પણ રાહત સામગ્રી મોકલવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application