ટ્રક ચાલકોની હડતાળથી ગુજરાતમાં નહીં સર્જાય પેટ્રોલ-ડીઝલની તંગી, 450 કરોડ રૂપિયાનું નુકસાન થવાની સંભાવના

  • January 02, 2024 04:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જો કોઈ ટ્રક ડ્રાઈવર વાહનને ટક્કર મારીને સ્થળ પરથી ભાગી જાય છે તો તેને ૧૦ વર્ષ સુધીની જેલની સજા થશે. આ ઉપરાંત મોટો દંડ પણ ભરવો પડશે. આ નિયમ આવ્યા બાદ લાખો ટ્રકોના પૈડા થંભી ગયા છે, તો ડ્રાઇવરો રસ્તા પર ઉતરીને આક્રમક આંદોલન તરફ વળ્યા છે.


સરકારના આ નિયમ સામે ટ્રક ચાલકોએ ત્રણ દિવસની હડતાળની જાહેરાત કરી છે. ટ્રક ચાલકોની હડતાળને કારણે મોંઘવારી વધવાનું જોખમ વધી ગયું છે. જો કે, હડતાળથી ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની તંગી નહીં સર્જાય. પેટ્રોલ પંપ એસોસિએશને ગ્રાહકોને ધ્યાને રાખી આ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યુ કે ગુજરાતમાં પેટ્રોલના વેચાણમાં અસર નહીં થાય.


ગુજરાત પેટ્રોલિયમ એસોસિએશન પ્રમુખ અરવિંદ ઠક્કરના જણાવ્યા અનુસાર ફેડરેશન પાસે પૂરતો જથ્થો હોવાથી પેટ્રોલિયમ પેદાશની અછત નહીં વર્તાય. ટ્રક ડ્રાઈવરોની હડતાળથી ટ્રાન્સપોર્ટેશનને અસર થઈ છે, જો કે લોકો પરેશાન થઈ લાઈનો ના લગાવે, કેમ કે ગુજરાતમાં હડતાળના પગલે કોઈ અછત નહીં સર્જાય. હિટ એન્ડ રન કાયદાના વિરૂદ્ધમાં દેશભરમાં ટ્રકચાલકોની હડતાળથી અફરાતફરીનો માહોલ છે.ગુજરાતથી માંડીને અરૂણાચલ પ્રદેશ સુધી નવા કાયદાના વિરોધમાં ટ્રકચાલકો રસ્તા પર ઉતર્યા છે અને કાયદો પરત ખેંચવાની માગ કરી રહ્યા છે. જોકે સતત બીજા દિવસે ટ્રકોના પૈડા થંભી જતા, હવે ધીમે ધીમે તેની અસરો જોવા મળી રહી છે.


એકલા મુંબઈમાં જ દરરોજ ૧.૨૦ લાખ ટ્રક અને કન્ટેનર એમએમઆર  પ્રદેશમાં આવે છે. મહારાષ્ટ્ર ઉપરાંત મધ્યપ્રદેશ, ગુજરાત, હિમાચલ, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના ઘણા ભાગોમાં આ હડતાળની અસર જોવા મળી રહી છે. ટ્રાન્સપોર્ટ બોડીના જણાવ્યા અનુસાર એક દિવસની હડતાળથી ૧૨૦ થી ૧૫૦ કરોડ રૂપિયાના બિઝનેસને અસર થશે. આવી સ્થિતિમાં ૩ દિવસની હડતાળને કારણે ૪૫૦ કરોડ રૂપિયાનું નુકસાન થવાની સંભાવના છે. આ હડતાળને કારણે દેશભરમાં મોંઘવારી વધવાનું જોખમ વધી ગયું છે. લોકો પેટ્રોલ અને ડીઝલની પણ ચિંતા કરવા લાગ્યા છે. ટ્રક એ પરિવહનનું એક એવું માધ્યમ છે જેના દ્વારા ફળો અને શાકભાજીથી લઈને તમામ આવશ્યક ચીજવસ્તુઓ એક રાજ્યથી બીજા રાજ્યમાં લઈ જવામાં આવે છે. હવે ડ્રાઇવરોની હડતાળને કારણે દેશભરમાં મુશ્કેલી સર્જાય તેવી સ્થિતિ થઇ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News