હાલારમાં કાલે ચારેકોર લહેરાશે તિરંગો : પ્રજાસતાક પર્વની ઉજવણી

  • January 25, 2023 06:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લા કક્ષાના પ્રજાસતાક દિનની ગુરૂવાર તા.૨૬ના રોજ ધ્રોલના ભુચરમોરી મેદાનમાં ઉજવણી કરવામાં આવશે, આવતીકાલે આન, બાન, શાનથી ત્રિરંગો લહેરાશે, ભુચરમોરી ખાતે પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા ઘ્વજવંદન કરી પરેડની સલામી લેશે જયાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જામનગર ઉપરાંત અનેક સ્થળોએ જિલ્લા પંચાયતના મેદાનમાં કોર્પોરેશન દ્વારા ઘ્વજવંદનના કાર્યક્રમનું નંદનવન સોસાયટીમાં આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ સંસ્થાઓ અને કોલેજો દ્વારા પણ ઘ્વજવંદન કરાવવામાં આવશે. 


જામનગર કોર્પોરેશન
જામનગર મહાનગરપાલિકા દ્વારા ૭૪માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નંદનવન પાર્ક ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શહેર મેયર રાષ્ટ્રધ્વજને સલામી આપશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા ૭૪ માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તારીખ ૨૬/ ૧/ ૨૦૨૩ ને  ગુરુવારે સવારે ૯:૦૦ વાગ્યે ફેશન શો રૂમ પાસે નંદનવન સોસાયટી લાલપુર રોડ ખાતે મનપા દ્વારા ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.


આ કાર્યક્રમમાં અધ્યક્ષ મેયર બીનાબેન કોઠારી રાષ્ટ્રીય ધ્વજને સલામી આપશે આ કાર્યક્રમમાં શહેરના રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાશે તેમજ જામનગરમાં ગત વર્ષમાં અંગદાન કરનાર પાંચ પરિવારોને મેયર કમિશનર સહિતના રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવશે. ઉપરાંત જામનગર મહાનગરપાલિકામાં વિવિધ શાખામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે આજે આ સમગ્ર કાર્યક્રમના સ્થળે મુખ્ય સ્ટેજ, લાઈટિંગ, ડેકોરેશન સહિતની તૈયારીઓને જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.


કલ્યાણપુરમાં ઘ્વજવંદનનો કાર્યક્રમ
કલ્યાણપુરમાં આવતીકાલ તા.૨૬ના રોજ ધતુરીયા તાલુકા શાળામાં તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો છે જેમાં મામલતદાર દક્ષાબેન રીંગાણી ઘ્વજવંદન કરાવશે, ત્યારબાદ પરેડની સલામી લેશે, એવી જ રીતે કાલાવડમાં પણ મામલતદાર દ્વારા ઘ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, ધ્રોલ, જોડીયામાં પ્રજાસતાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જયારે લાલપુરમાં પણ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 


જામનગરમાં જિલ્લા પંચાયતમાં પ્રમુખ ધરમશીભાઇ ચનીયારાના હસ્તે ઘ્વજવંદન કરવામાં આવશે જયારે કોંગ્રેસ દ્વારા પણ ઘ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો છે, એમપી શાહ કોલેજ, મહીલા કોલેજ, એસવીઇટી કોલેજ સહિતના અન્ય સ્થળોએ તેમજ હરીયા સ્કુલ, પાર્વતીદેવી સ્કુલ, મોદી સ્કુલ સહિતની અનેક સ્કુલોમાં ઘ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો છે. 

​​​​​​​
જામનગર શહેર અને જિલ્લામાં આવતીકાલે વૃક્ષારોપણ, રકતદાન કેમ્પ, સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્વાતંત્ર સેનાનીઓનું સન્માન અને પરેડના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જામનગર શહેરની કેટલીક ઇમારતોને શણગારવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application