BREAKING NEWS

જામનગરના સાંસદ પુનમબેન માડમના માતૃશ્રીનું દુ:ખદ નિધન

  • June 15, 2026 11:39 AM 

જામનગરના સાંસદ પુનમબેન માડમના માતૃશ્રીનું દુ:ખદ નિધન

સાંસદ પુનમબેન માડમે માતાને આપી કાંધ-મુખાગ્ની: અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

ગુરૂવારે સદગતનું બેસણુ: માડમ પરિવાર-ભાજપમાં શોકની લાગણી

જામનગર-દેવભૂમિ દ્વારકાના સાંસદ પુનમબેન માડમના માતૃશ્રીનું ગઇકાલે દુ:ખદ નિધન થતાં માડમ પરિવાર અને ભાજપમાં શોકની લાગણી ફેલાઇ છે, ગઇ સાંજે ૪.૩૦ કલાકે સદગતની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં સર્વ ક્ષેત્રનાં આગેવાનો અને લોકો જોડાયા હતા, સાંસદે માતાને ભગ્ન હ્યદયે કાંધ આપી હતી, ગુરૂવારે સદગતની પ્રાર્થના સભા રાખવામાં આવી છે. 

સ્વ.મે‚ભાઇ માડમ, સ્વ.ઘેલુભાઇ માડમ, સ્વ.વલ્લભભાઇ માડમના નાના ભાઇ સ્વ.હેમતભાઇ રામભાઇ માડમના ધર્મપત્ની દીનાબેન હેમતભાઇ માડમ (ઉ.વ.૭૮) રવિવાર તા.૧૪-૬ના રોજ કૈલાશવાસ થયા હતા, આ અહેવાલો બહાર આવ્યા બાદ માડમ પરિવાર અને ભાજપમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી, ગઇકાલે સાંજે ૪.૩૦ કલાકે સ્વર્ગસ્થના નિવાસસ્થાન નવાગામ ઘેડ (માડમ ફળી) ખાતેથી અંતિમ યાત્રા નીકળી હતી, જે આદર્શ સ્મશાન સોનાપુરી ખાતે પહોંચ્યા બાદ સ્વ. દીનાબેનને મુખાગ્નિ આપવામાં આવી હતી અને તેમનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વીલીન થયો હતો. 

સ્વ. દિનાબેનની અંતિમ યાત્રામાં પૂર્વ મંત્રી મુળુભાઇ બેરા, ધારાસભ્યો દિવ્યેશ અકબરી, મેઘજીભાઇ ચાવડા, મેયર મોનીકાબેન વ્યાસ, ડે.મેયર રાકેશ ડેર, સ્ટે.ચેરમેન ધીરેનભાઇ મોનાણી, શાસક પક્ષ નેતા અમરભાઇ મોદી, દંડક પ્રવિણાબેન રૂપડીયા ઉપરાંત રિલાયન્સના વાઇસ પ્રેસીડેન્ટ ધનરાજભાઇ નથવાણી તેમજ શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, ત્રણેય મહામંત્રીઓ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનુભાઇ ભંડેરી સહિતની ટીમ જામનગર, ખંભાળીયા, ભાણવડ, દ્વારકા, ધ્રોલ, લાલપુર, કલ્યાણપુર, ઓખામંડળના સંખ્યાબંધ અગ્રણીઓ તેમજ માડમ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા. 

પુનમબેન માડમે વહાલસોયા માતૃશ્રીને કાંધ આપી હતી, આ ઉપરાંત જયારે સ્વ.દીનાબેનને મુખાગ્નિ આપવામાં આવી ત્યારે પણ તેઓ સાથે રહ્યા હતા. માતૃત્વની છત્રછાયા ગુમાવ્યાનું દુ:ખ તેમના ચહેરા પર છલકાયું હતું. 

સ્વ.દીનાબેનની તબિયત છેલ્લા કેટલાક સમયથી નરમ-ગરમ રહેતી હતી, ગઇકાલે નિવાસસ્થાને જ અંતિમ શ્ર્વાસ લીધા હતા, અને આ નિધનનાં સમાચાર મળતા જ માડમ પરિવાર તેમજ આહિર સમાજ અને ભાજપમાં ઘેરા શોકની લાગણી ફરી વળી હતી. 

સદગતની પ્રાર્થના સભા તા.૧૮-૬-૨૦૨૬ ગુરૂવારે સાંજે ૫ થી ૬ કલાકે ઓસવાળ સેન્ટર, સાત રસ્તા ખાતે રાખવામાં આવી છે. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application